ખારાં ઝરણ/પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે

પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે

પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે?
તું નથી પથ્થર, નદીનો નાદ છે.

ક્યાં તને જોયો જ છે, જન્મ્યા પછી?
દૃશ્યમાંથી ક્યારનો તું બાદ છે.

આંખ તારી ભીની ભીની કેમ છે?
તું હસીને ના કહે : ‘વરસાદ છે’,

જો, બરાબર જો અને તું યાદ કર,
કોઈ ક્યાં છે આપનો ‘ઇર્શાદ’ છે.

માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું,
શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે.
૧૪-૩-૨૦૦૯