ખારાં ઝરણ/સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં

સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં

સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં,
કોણ પડછાયા ખરીદે ઊંઘવાની જિદ્દમાં?

એમને બે આંખ વચ્ચે કાયમી વસવું હતું,
પાણી પાણી થઈ ગયો છું, ઝાંઝવાની જિદ્દમાં.

શ્વાસને ચાબૂક મારી દોડતા રાખ્યા અમે,
કેટલા હિંસક થયા આ દોડવાની જિદ્દમાં?

‘હું અરીસે ક્યાં રહું?’ એ ગડમથલ છે બિંબને,
ખૂબ ગમતો એક ચહેરો ધારવાની જિદ્દમાં.

આ જગત લોકો કહે એવું જ છે ઈર્શાદિયા
ઝેર તારે ચાખવાં છે જાણવાની જિદ્દમાં?

૩૦-૮-૨૦૦૮