ગાતાં ઝરણાં/તકદીર રાખું છું

From Ekatra Wiki
Revision as of 17:10, 13 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તકદીર રાખું છું


હૃદયને ભીંજવી દે એટલી તાસીર રાખું છું,
વરસતી વાદળી! હું પણ નયનમાં નીર રાખું છું.

સભામાં સ્તબ્ધ સૌ થઈ જાય છે મારી દશા જોતાં,
બની તસ્વીર, સાથે સેંકડો તસ્વીર રાખું છું.

નિહાળી રમ્ય દૃશ્યો મેળવું છું તીવ્ર સંવેદન,
ખુશીનાં સાધનો દ્વારા હૃદય દિલગીર રાખું છું.

દીવાનાનું રુદન ને હાસ્ય, બંને એકસરખાં છે,
હસું છું તે છતાં વાતાવરણ ગંભીર રાખું છું.

મહોબ્બતના સરોવરમાં કમળ જીવનનું ખીલ્યું છે,
ઊડે છે છોળ ૫ર્ણોથી, નીતરતાં નીર રાખું છું.

કોઈ નિશ્ચિત સમયની જેમ તારે આવવું ૫ડશે,
બળેલું પણ હૃદય, ફૂટ્યું છતાં તકદીર રાખું છું.

હજી મૃત્યુને આકર્ષી રહ્યું છે, કૈંક છે એમાં;
‘ગની’, લુંટાએલા જીવનમહીં પણ હીર રાખું છું.

૧૫-૬-૧૯૫૦