ગાતાં ઝરણાં/શે ધીરજ ખૂટી ચાલી?

From Ekatra Wiki
Revision as of 02:08, 14 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શે ધીરજ ખૂટી ચાલી?


મંગળ પર્વ ફરી આવ્યું પણ જોઈ ન લેશ ખુશાલી!
                            શે ધીરજ ખૂટી ચાલી!
                           કાં આશા તૂટી ચાલી!
જાવું દૂર સદૂર અમારે વચ્ચે ડુંગર આડા,
ભોમ લપસણી, જો લપસ્યા તો પડખે ઊંડા ખાડા;
છે વણઝારને એ જ વિમાસણ કેમ નીકળશું હાલી?
                            શે ધીરજ ખૂટી ચાલી!
                            કાં આશા તૂટી ચાલી!
મારગમાંહે લાખ લુંટારા ધોળે દિન ઝઝૂમે,
રક્ષક–નામે કૈંક કૃપાળુ ભક્ષક થઈને ઘૂમે;
પડતા, પટકાતા પીડિતનો કોણ લીએ કર ઝાલી?
                          શે ધીરજ ખૂટી ચાલી!
                         કાં આશા તૂટી ચાલી!
પંથ અજાણ્યો ખાય પથિક સહુ અંધારામાં આંટા,
વેરી ગયા છે વેરીજનો અહીં ડગલે–ડગલે કાંટા;
ચાલવું પડશે ચાલ પથિક ! છો પગ પર આવે ખાલી,
                           શે ધીરજ ખૂટી ચાલી!
                           કાં આશા તૂટી ચાલી !
આજ સહુનું દૃષ્ટિબિન્દુ ધ્રુવનો એક સિતારો,
એ જ અમારો નાવિક કરશે બેડો પાર અમારો;
લક્ષ્ય ઉપર લઈ જાશે અમને એ જ અમારો વાલી
                            શે ધીરજ ખૂટી ચાલી!
                            કાં આશા તૂટી ચાલી!

૧૫-૯-૧૯૪૯