ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ખીંટીઓ


ખીંટીઓ
મહેન્દ્ર જોષી

મારા બાપ-દાદા-પરદાદાના ઘરની ભીંતો
ઘૂસી જાય છે ટાણે-કટાણે
મારા ૧-BHK ફ્લેટમાં.
ભીંતો ફાડીને પીપળો ઊગે એ તો સમજાય
આ તો ઊગી નીકળે છે ખીંટીઓ
ન્હોર જેવી,
ખીંટીઓ, બસ ખીંટીઓ, ખીચોખીચ ખીંટીઓ.
જેને હું પાંખાળો ઘોડો કરી ઊડતો હતો
એ નેતરની લાકડીઓ
આજે મને બોચીથી પકડે છે : ‘સાલ્લા’.
માથે પહેરી દાદા-વડદાદાની નકલ કરતો હતો એક વેળા
એ પીળી પડતર પાઘડીઓના છેડાઓ
ફુત્કારે છે મને વારે તહેવારે.
ઊંધી છત્રીએ વરસાદ ઝીલતો
એ છત્રીઓનાં અસંખ્ય કાણાઓમાંથી મને જોતી આંખો
દીવાસળી ચાંપે છે મને.
મારી કાગળની હોડીઓને
મૂછે તાવ દેતા ફોટાઓના હાથ
તમાચાઓ મારે છે મારા નમૂછા મોઢા પર
કટાયેલી તલવારો, બખ્તરો, બાર બોરની બંદૂકો
કાયર કાયર કહી થૂંકે છે
મારા જન્માક્ષરો પર;
ફાનસમાંથી ઘૂરકે છે પડછાયાઓ
હપ્તેથી લીધેલા ટી.વી. પર.

મોતી ગૂંથ્યા જર્જરિત વીંઝણાઓ
જંગે ચઢે છે પંખાની હવા સાથે
લટકે છે કટાયેલી ચાવીઓના કંઈક ઝૂડાઓ
આજે એ અસમર્થ છે
મારા મનના પટારાઓ ખોલવા...

બીજું તો ઠીક,
માની કંઠીઓ
મોટીમાની ગૌમુખીઓ,
વડ દાદીની ચાંદીની ગાયો
મોં ફેરવી લે છે આજે મારાથી.
મેં સાત પેઢીઓનાં વહાણ ડૂબાડ્યાં છે
મારા ૧ BHK ફ્લેટના દરિયામાં
ગામનું બાપ-દાદા પરદાદાનું ખોરડું ખોઈને
જનોઈ ખભેથી ઉતારી
આબરૂનાં ચીંથરાંઓ લટકાવી દીધાં છે
બાપ-દાદા-પરદાદાની ખીંટીઓ પર
ફસાઈ ગયાં છે પેઢીઓનાં વહાણ
મારી આંગળીએ ઉછરતી પેઢી કાલે મને પૂછશે
‘આ બાર્બી અને આ ટેડી બેઅર ક્યાં લટકાવીએ અમે?’