ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ઝાડ


ઝાડ
રાજેશ પંડ્યા

મારી બરાબર સામે
એક ઝાડ છે.
ગુલામમોહમ્મદ શેખના ચિત્રમાં હોય છે તેવું.
જેના પાંદડેપાંદડે પોપટ બેઠા છે.
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ – એ વાર્તામાંથી
ઊડીને આવી ગયા હશે અહીં.
શેખ ઝાડ ચીતરતા હશે ત્યારે
આશરો શોધી લીધો એણે, આ ચિત્રમાં.
પછી તો આંબા વઢાઈ ગયા
સરોવર સૂકાઈ ગયા એટલે પોપટ બધા
પાંખો ફફડાવતા ઊડી ગયા
એક પછી એક
પોપટ ઊડતા જાય
એમ પાન ખરતાં જાય
એક પછી એક.
થોડીવારમાં તો પાંદડાંનો ઢગલો થઈ ગયો. કેનવાસ બ્હાર.
કોઈ સાંજે હવા વહે છે આ સૂક્કાં પાંદડાં સોંસરવી
ત્યારે અછાંદસ કાવ્યના લય જેવો ધ્વનિ સંભળાય છે ક્યારેક ક્યારેક.
બાકી આંખના પલકારા વચ્ચે ઊભું રહે છે આ ઝાડ
અડીખમ. સ્તબ્ધ, સ્થિર.
અતુલ ડોડિયાના ચિત્રમાં હોય છે તેવું.
નર્યું રેખાઓનું માળખું છે એ.
ઉમાશંકરના કાવ્યમાંથી મૂળિયાં ફેલાવતું આવી ગયું છે છેક અહીં.
હવે, તારાઓથી ખીચોખીચ આકાશ એની સામેય જોતું નથી.
તોય કવિ સિતાંશુ એને જોઈને કહે છે
આ ઝાડ છે.