ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ત્રિશંકુ


ત્રિશંકુ
પ્રતિષ્ઠા પંડ્યા

શરીરને પોતાની ઇચ્છાઓ છે
પોતાનું મન છે
પોતાનું તદ્દન અલાયદું એક અસ્તિત્વ છે
શરીરની પોતાની,
મારાથી જુદી.
એક દુનિયા છે.

કોણ કહે છે એ મારા કહ્યામાં છે?

એકમેકને ઊલટી દિશામાં ખેંચતાં
પૂંઠથી જોડાયેલાં
જન્મજાત જોડકાં,
એકમેકની પ્રતિકૃતિ સમાં અમે
પ્રકૃતિમાં સાવ અળગાં –

એ જિદ્દી, સ્વચ્છંદ, ઉછાંછળું
ને હું સમજું, કહ્યાગરી, ઠરેલ.
હું એની આંખોમાં આંખ મેળવવા મથું
કે વાત કરી શકું
હું વાતોમાં એને વાળવા મથું
કે રસ્તો કરી શકું
હું રસ્તે એના હાથ ઝાલી દોરવા મથું
કે આગળ વધી શકું.
હું શરીરને છોડી જો આગળ વધવા મથું
તો કદાચ જીવી જાણી શકું

હું ત્રિશંકુ
અધવચ ઊંધી ના લટકું
જો શરીરનો, સ્વર્ગનો મોહ તજી શકું.