ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પ્રજાસત્તાક


પ્રજાસત્તાક
સિતાંશુ યશશ્ચન્દ્ર

અડધી સદી સુધી
મારા પર કઠોર-મધુર આધિપત્ય ભોગવનાર
રાજા કામદેવ
હાલ તો
પોતાના કઠોરતર (કદાચ મધુરતર) અનુગામી શાસક
યમદેવને બોલાવી લાવવા
અહીંથી નીકળ્યા છે.

એમનો રસ્તો કેટલો લાંબો છે (કે ટૂંકો)
એની તો મને જાણ નથી.
નવા રાજા પણ કહેણ આવતાં તુર્તોતુર્ત નીકળી પડશે
કે પાડાને નાહીધોઈ થોડો ચારો ચરી તૈયાર થવા
થોડો ટાઇમ આપશે,
એની યે મને જાણ નથી.

પણ હાલ મને જાણકારીની પડી નથી.

જૂના રાજવી પ્રવાસે છે અને નવા શાસક પધાર્યા નથી
એટલે
મારા આ પ્રદેશમાં જાણે પ્રજાસત્તાક છે.

મારી આંખો કાન નાક ત્વચા જીભ,
મારી બુદ્ધિ કલ્પના બધું,
આખી યે ચેતના
એક અનોખા એનાર્કિઝમનો અનુભવ કરે છે.

ઝાડની ડાળે ફળ જોઈ
હાલ જે તરત ઊંચકાય છે,
તે મારો હાથ નથી, મારી આંખો છે,
જરાક ભીની.

દૂર કોઈ ફૂલની સુગંધ આવે
તો મારું નાક મારા પગને એ તરફ ચાલવાનું નથી કહેતું;
મારે હવે પેલા શોખીન રાજવીની સેવામાં
જાતજાતનાં પુષ્પો રજૂ કરવાનાં નથી.

હવે તો
મારા પોતાના ઘરના ઘરની પરસાળમાં
આરામખુરશી નાખી
જે હું ચાહું તેવું મ્યુઝિક લૅપટોપમાં સાંભળતો,
મેં જાતે જ બનાવેલું ખસનું લીલું શરબત ક્રિસ્ટલ ગ્લાસમાં
આસ્તે આસ્તે પીતો,

સાવ એકલો બેઠો છું.
– જાણે ગઈ કાલ અને આવતી કાલ હોય જ નહીં,
મારી આ આજની અજોડ આજમાં માત્ર આજ જ હોય,
એમ.