ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/બાગમાં


બાગમાં
મંગળ રાઠોડ

પર્ણ મર્મરનાં મોજાં પર મોજાં ઊછળે છે.
પુષ્પોની રંગબેરંગી માછલીએ સેલારા મારે છે પવનમાં.
મેંદીની વાડનાં ઢગલાબંધ શેવાળની ઓથે,
એકબીજામાં ગોટપોટ થઈ બેઠેલાં યુગલો–
એક વખત તૂતક પર ટહેલતાં મુસાફરો હતાં શું?
નાળિયેરીનાં વૃક્ષેના પડછાયા ઑક્ટોપસ બની
પકડવા મથે છે પતંગિયાંઓને —
પગરવોના પરપોટા સપાટી પર જઈ ફૂટે છે —
દૂર રમતાં બાળકોનાં ટોળાંની જેમ...
આસપાસનાં મકાનો અને મિનારાઓનાં સ્થાપત્યનો
ખડકાળ આકાર હવે ખૂંચતો નથી કેમ...?
સપાટી પર પથરાઈ ગયેલી આકાશની વિરાટ જાળમાં
ઈશ્વર નામના માછીમારના હાથે
હું શું હવે ઊંચકાઈને બહાર ફેંકાઈ શકીશ ક્યારેય?
એવો સંદેહ ઊપજે તેવો –
કોઈક ડૂબી ગયેલી સ્ટીમરના કપ્તાન જેવો બની
હું દિશામાપક યંત્ર પર ઊંધે માથે ઢળી પડ્યો હોઉં—
એમ બેઠો છું બગીચાના ખૂણે આ તૂટેલા બાંકડા પર!