ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મને માણસ માટે ખરેખર માન છે


મને માણસ માટે ખરેખર માન છે
નીતિન મહેતા

મને તો સાચે જ એ માણસો માટે માન છે
કે જે અંધારામાં અથડાઈ પડે છે
કે ટ્રેનમાં ઊંઘી જાય છે ને
ભળતે જ સ્ટેશને પહોંચી જાય છે
મને માણસ માટે માન છે કે હજી
તને પાંખો ફૂટી નથી
હજી તેને અસ્થમા જેવા રોગ થાય છે
તે ગુસ્સામાં બીજાને મારી શકે છે
ને વારંવાર પોતાની વાત પણ કરી શકે છે
મને માણસ માટે હજી માન છે
ફર્નિચરની વાત કરતાં તેનું મોઢું પડી જાય છે
એક સાંજે તે કોઈની રાહ જુએ છે
આત્મહત્યાના વિચારો કરે છે
ચાવીઓ ખોઈ નાખે છે
ભૂતકાળને ખોદ્યા કરે છે
મને માણસ માટે ખરેખર માન છે
તે હજી ઝઘડી શકે છે
મૂંઝાય છે, રઘવાયો થાય છે,
એકબીજામાં શંકાનો વિશ્વાસ જગાવી શકે છે
મને ખરેખર માણસ માટે
માન છે ને તે મને ગમે છે.