ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/શોધ્યા કરું છું

Revision as of 17:34, 2 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <big><big>'''શોધ્યા કરું છું'''</big></big><br> '''દક્ષા વ્યાસ''' <br><br> <poem> સવાર પડે છે ને રાત પડે છે શોધ્યા કરું છું સોનપરીને વસંતની વહેલી સવારે પોપચાં પર પગ ટેકવીને બેઠી ભાળું - ન ભાળું ત્યાં ઊડી જાય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શોધ્યા કરું છું
દક્ષા વ્યાસ

સવાર પડે છે ને રાત પડે છે
શોધ્યા કરું છું સોનપરીને

વસંતની વહેલી સવારે
પોપચાં પર પગ ટેકવીને
બેઠી ભાળું - ન ભાળું ત્યાં
ઊડી જાય એ ફર્ ર્ ર્
અજાણી વનરાજિમાં
પુષ્પ-પાંદડીની પાંખો પહેરીને

શ્રાવણની ઝીણી ઝરમરમાં
ઝાંઝરના ઝણકાર રેલતી
ઠમકાં લેતી એને
ઝાલું – ન ઝાલું ત્યાં
ફોરોના ત્રિપાર્શ્વ ગોળામાં બિરાજીને
પહોંચી જાય છે
મેઘધનુના આકાશી ઝરૂખે

શરદની અચ્છોદ-ધવલ રાત્રે
રાતરાણીના મઘમઘતા પ્રાંગણમાં
આંખો બિછાવીને
બેસું છું પ્રતીક્ષામાં
શકે
રૂપેરી પડદાની બહાર
આવે એ ધરાર

પળ પછી પળ
આકળ વિકળ
ને...
કેદ થઈ જાય છે એ
ઘેરી નિંદરની કિલ્લેબંધીમાં
સવાર પડે છે ને રાત પડે છે
શોધ્યા કરું છું મને – સોનપરીને