ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સોયદોરો


સોયદોરો
પારુલ કંદર્પ દેસાઈ

સોય છે તો દોરો છે
અને
દોરો છે તો સોય છે
એવું નહીં.
બંને એક જ છે, અભિન્ન
સોયદોરો.



સોયથી
હંમેશા દોરવાતો ચાલે છે
દોરો
ક્યારેય
સોય પાછળ હોય
અને દોરો આગળ
એવું બનતું નથી.



સોય હોય છે. નાજુક નમણી ચળકતી
પણ નક્કર
દોરો પણ હોય છે નાજુક, નમણો
ને વળી રંગબેરંગી
પણ નક્કર નહીં કાચો
ક્યારે તૂટી જાય ખબર જ ન પડે



આમ તો સોય
સાવ મામૂલી, તુચ્છ,
એની કાંઈ કિંમત નહીં
પણ એકવાર
સોયમાં દોરો પરોવાઈ જાય
પછી
સર્જાય છે ચમત્કાર
વેરવિખેર કાપડના તાકાઓ
ફેરવાઈ જાય છે વસ્ત્રમાં
ઢાંકે છે એ સમગ્રને, સમસ્તને



સોય શીખવે છે
સંધાવા માટે વીંધાવું પડે છે આરપાર
દોરો શીખવે છે :
સાંધવા માટે
પરોવાવું પડે છે આરપાર



સોય દોરા વિના વીંધી શકે
પણ સાંધી ન શકે.
દોરો સોય વિના બાંધી શકે
પણ સાંધી ન શકે



સોય આમંત્રે છે દોરાને
પોતામાં પરોવાઈ જવા માટે
પછી એ કાળો હોય કે ધોળો
લાલ, લીલો કે આસમાની
કે પછી પીળો, ગુલાબી, નારંગી...
એ કોઈને ય ના પાડતી નથી.
જો કે
એક સોયમાં
પરોવાઈ શકે છે
એક જ દોરો
એકથી વધારે ક્યારેય નહીં



દોરો છો મારી પાસે
દોરાઓના ગુચ્છેગુચ્છ છે
પણ
સોય ક્યાં?



જો તું પરોવાઈ ન શકે
મારી અંદર દોરાની જેમ
તો હું
કેવી રીતે સાંધીશ
આ ફાટી ગયેલા આભને?