ગુજરાતી એકાંકીસંપદા/પિયરનો પડોશી

From Ekatra Wiki
Revision as of 17:00, 23 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પિયરનો પડોશી|પુષ્કર ચંદરવાકર}} {{center block|title='''પાત્રો'''| '''કાર્યક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પિયરનો પડોશી

પુષ્કર ચંદરવાકર

પાત્રો

કાર્યકર્તા
શ્રી ભાઈસાહેબ
નાગરદાસ
ઉત્તમચંદ
અગ્નિકુમાર
ચેતન
શક્તિશરણ
પાર્ષદ
શેઠ નંદનંદન
ચિત્રગુપ્ત
ભોગીલાલ
મૂળી ડોશી

(ઘરનો એક ખૂણો. ખૂણમાં ઢેફાં ગોઠવીને ચૂલો કરેલો છે. ચૂલાની આગમણમાં અડાયાં છાણાંની રાખનો ઢગલો ને એ ઢગલા ઉપર કચરાની નાનકડી તોલડી પર ઢાંકણી. બાજુમાં ‘ભાત’ રાંધવાનો પાટિયો, કચરાની કથરોટ, લાકડાનો કડછો, લોઢાનો ચીપિયો, પાણીનો મોરિયો ને નંદવાયેલ તાવડીના રખડતા કટકા. બાજુમાં સાંઠિયુંનું કડપલું. તેને માથે શેઢા પરથી ખોતરી નાખેલાં ઝાડવાંનાં ગડબાંનાં અછોલાં. ચૂલા પર હાંડલી ચડાવી છે. ચૂલાના પેટાળમાં ભડભડ તાપ બળે છે. રૂપાળી પ્રવેશે છે. વીશી અને ત્રીશી વચ્ચેનું એનું વય. નહિ ગોળ, નહિ લાંબું એવું મોં. ભીનો વાન, જુવાનીનો સુરમો આંજેલી આંખો. માથા પર અને બરડા પર મોજીદડની સાદી બાંધણી. બાંધણીનો એક છેડો આગળ ભરાવ્યો છે. બીજો માથા પર છે. ભૂરી ગજીનો રાતા હીંગળોકિયા રંગે છાપેલ ઘાઘરો, અંધારી રાતે ચમકતા તારા જેમ ઘાઘરામાંનો અબરખ સૂરજનાં કિરણોમાં મચકે છે. કોણી સુધીની બાંયવાળું અતલસનું કાપડું પહેર્યું છે. એના એક હાથમાં બાવળનું બલોયું છે, બીજો હાથ અડવો છે. પગમાં કડલાં નથી. આગમણ પાસે વાંકી વળીને રૂપાળી હાથમાં કડછી લે છે ને ‘ધાન’ને જોવા મથે છે.) રૂપાળીઃ (ધાનને જોતાં) રાયચંદકાકાજીએ તે કાંઈ જાર દીધી છે! કેટલાં ઓબાળ બાળ્યાં! હજી તો ધારની કાંકરિયું જેવી ફડશો સાવ કાચી છે. (સૂંડલામાંથી છાણું કાઢીને ચૂલામાં ગોઠવે છે. એવામાં છોકરો શૂરસંગ પ્રવેશે છે. ડીલે માત્ર એક મેલું પહેરણ ને હાથમાં શેરડીનો બાંગલો છે. એક પગમાં રૂપાનું કડલિયું ને ડાબે હાથે કાળો દોરો બાંધ્યો છે. ગળામાં હાંસડી છે.) શૂરસંગઃ (આવતાં જ) મા! રૂપાળીઃ હવે શું છે, તારે? શૂરસંગઃ આ લે, મારે નથી ખાવી તારી શેરડી. રૂપાળીઃ તને કોણે ગળાના સમ દીધા’તા કે જઈને મોટા ઉપાડે લઈ આવ્યો? શૂરસંગઃ (શેરડી ફેંકતાં) નથી ખાવી, લે. (એકાએક) શેરડીમાં શું ખાય? સડેલી છે. રૂપાળીઃ (હસીને) દુત્તો! શૂરસંગઃ મા… મને ભૂખ લાગી છે, ખાવા આલ્ય. રૂપાળીઃ પણ શેરડી ખાને! નો’તી ખાવી તારે ખોઈ ભરી જાર શું કામ ખોજાની દુકાને નાખી આવ્યો? શૂરસંગઃ તેં આલી’તી ને! રૂપાળીઃ તારે ખાવાનુંય હું જ કવ છું ને! શૂરસંગઃ મને નથી ગમતી. મોંએ રેગાડા ઊતરે છે. રૂપાળીઃ (શેરડી સામે જોતાં) શેનો હવે ખા? સખ્યે પેટ ભરીને ખાઈ લીધી છે, ઈમ બોલોને! આ પૂંછડિયું શીનું ભાવે? (ભોંય પર બેસીને પગ ઢસરડે છે.) શૂરસંગઃ ખાવા આલ્ય! રૂપાળીઃ કાળનો કાઢલ લાગછ, કોક! શૂરસંગઃ મા, પણ બવ ભૂખ લાગી છે. રૂપાળીઃ ગોળ આલું? ધાનને તો હજી વાર છે. શૂરસંગઃ દાડી દાડી ધાન? અમને નથી ભાવતું ઈ જ તારે રાંધવું? નથી ખાવાનો. રૂપાળીઃ (સહેજ ચિડાઈને) નો ખા તો હાલવા માંડ્ય! જો જાણે મારું રાજ રાખવા આવ્યો છે! તારા બાપાને પૂછી તો જો, ધાન કેવું લાગે છે? ઓલ્યો કાળમુખો રાયચંદો! ખળામાંથી વાળીઝૂડીને ઘઉંનો દાણેદાણો લઈ ગિયો; પછી નસીબમાં ધાન જ રે’ને! શૂરસંગઃ (ભેંકડો તાણીને) ના, ઈ હું નઈં ખવ… નઈં ખવ… રૂપાળીઃ તારો સગલો ખાશે. શૂરસંગઃ (ભેંકડો નીચે પાડીને) હાયેં શાક શીનું છે? રૂપાશીઃ શાક? ઘરમાં કેટલાં ભર્યાં છે, ઈ જો પહેલાં. શૂરસંગઃ તારે શીમાં ખાવુંઉઉં…? રૂપાળીઃ મધાકાકાના ઘરની છાશમાં. શૂરસંગઃ ઈ મોરનાં આંસુ જેવી છાસમાં કોળિયો ગળે નો ઊતરે! રૂપાળીઃ સાંજ પડ્યે સવા મણ ધૂડ્ય બાપના પેટમાં જાય છે ને આ કુમ્મરને રાજવળું માણવું છે! (પાછી ધાન જોવા મંડે છે. શૂરસંગનો ઉંકારો ચાલુ છે.) શૂરસંગઃ ઉં… ઉં… ઉં… ભૂખ બવ લાગી છે. ખાવા… રૂપાળીઃ લે, લાવ્ય તાંસળી. ઠારી દવ. શૂરસંગઃ પણ છાશમાં નઈં ખવ. રૂપાળીઃ તારે આ ચૂલા માંયલીમાં ખાવાનો? શૂરસંગઃ અહં… અહં… છાસમાં નઈં. (ઊભો થઈને તાંસળી લાવે છે, પણ પાછળ સંતાડતો સંતાડતો ધીમાં પગલે આવે છે.) રૂપાળીઃ લાવ્ય ને! શૂરસંગઃ દૂધ આલ્ય, તો. રૂપાળીઃ તારે સારુ ભગરી ભેંસ વોરવા હાલી નીકળું? શૂરસંગઃ તે… તે… આપડી માકડી ગા’ને શં કામ દોરી દીધી? રૂપાળીઃ પૂછ્ય તારા સગલાને. મેં તો ઘણાય તાર્યા’તા, પણ ઈમને નાકનું ટેરવું સાબૂત રાખવા ઈ રાખહને દોરી દીધી. શૂરસંગઃ ના, ના, હું તો દૂધ… રૂપાળીઃ આવડો મોટો આઠ વરહનો ઢગો નો સમજે? (શૂરસંગનું કાંડું પકડીને) લાવ્ય તાંસળી. શૂરસંગઃ (તાંસળીને ફેંકી દેતાં) નઈં ખાવાનો… નઈં ખાવાનો ન ઈં ઈં ઈં… (પાછે પગે બહાર જવા માંડે છે.) રૂપાળીઃ લે ગોળ આપું? શૂરસંગઃ રોટલો છે? રૂપાળીઃ ટાઢો ય નથી, ભઈલા. બપોરે… શૂરસંગઃ ના. (પાછો પાછો ખસે છે.) રૂપાળીઃ (આંખમાંથી આંસુ ખેરવતાં) આ રાયચંદકાકો કિયા ભવનો વેરી જન્મ્યો છે! અમારું ય અમને સખ્યે ખાવા નથી દેતો! બચારા આ ફૂલને શું ગમ પડે? ઈ મારી પાંહે નઈ માંગે તારે કોની પાંહે… હાય ભગવાન! અમારી દયા તો ઠીક, પણ આ ફૂલની દયા તો તારે ખાવી’તી? (દીપસંગ આવે છે. રૂપાળી પાલવના છેડા વડે આંસુ લૂછી નાખે છે. દીપસંગ જુવાનજોધ છે. માથે ફાળિયું, બાંયો વગરનું જ કેડિયું, દાઢી ચારપાંચ દિવસની ચડી છે. ઉઘાડા પર ધૂળધૂળ ભર્યા છે. આંખોમાં વિષાદ ભર્યો છે.) રૂપાળીઃ તમે ગામમાં જ ફળંગો દેતા ફરજો. દીપસંગઃ આપણા મૂંઝડ બળધને કઈંક… રૂપાળીઃ એક તો સાબૂત છે ને? બીજો ઢાલે લઈ જાવ. આ માથે મે તોળાઈ રિયો છે. આજ કાલ્યમાં ખેતર નઈં હળી નાખો તો– દીપસંગઃ હળી તો નાખ્યું છે. રૂપાળીઃ તારે હવે? દીપસંગઃ બી… બી… રૂપાળીઃ બી? ફરી હળી નાખો. એકબે વધુ ગણ દીધે સારો મોલ… ઘરના આંગણેથી જમ ઓછા થાય. માથે કેટલાનું કરવલું છે? દીપસંગઃ હોય ઈ તો… રૂપાળીઃ (નમ્ર બનીને) ના, ના, તો ય, કો’ને? દીપસંગઃ ચારક જણનું. રૂપાળીઃ પણ ઈમા રાયચંદકાકાજીનું… પતી ગિયું ને? દીપસંગઃ પતી ગિયું હોવું જોંયે! બસ્સો ઉપાડ્યા’તા. ઈનું વ્યાજ. વળી મોળાં બે વરસ વ્યાજે ય નો’તું અપાણું, તે ઈ ય ભળે ને? ત્રણસેં … એટલી તો શું રકમ થાય… તો…ય… અઢીસેં… પણ ગિયા વરસે ઘઉંનો દાણેદાણો આપી દીધો’તો. રૂપાળીઃ પણ ત્યાં આ નવી ચંત્યા. બળદ માંદો… લ્યો, ખાવાનું કાઢું? દીપસંગઃ શૂરીઆએ ખાધું? રૂપાળીઃ (હસીને) તમારો કુમ્મર ને? ઈને દૂધ જોયેં છે! બાપ થિયા છો તો લાવી દ્યો ગરની ભગરડી… દીપસંગઃ (નિસાસો નાખીને) ગરની ભગરડી! ભગરડી! કાળજે ધરપત રાખશું તો… તો… (રૂપાળી ઊભી થાય છે.) રૂપાળીઃ લ્યો આ ધાન! રાયચંદકાકા તે માણહ છે કે ઘોરનું ઘૂ’ડ? માવઠામાં પલળેલી જાર આપી છે. જોવોને! આ ધાને ય ગંધ મારે છે. ભયડવા બેઠી તારે નર્યો લોટ જ પડે! આવી અહેલી પડે. ભાવ બરોબર દેવો ને ઉકરડે નાખવાનો માલ… દીપસંગઃ મને ખાવાનું મન નથી… રૂપાળીઃ બળધનું ને? ભગવાન સારાં વાનાં કરશે. ભાવે ઈ ખઈ લો. ખાવાનું નામ દીધું તે નો હાલે. દીપસંગઃ (ઊભો થઈને) દુકાળમાં અદક મઈનો! રૂપાળીઃ તે, ઈમાં આવા નરમ ઘેંશ જેવા શીના થાવ છો? કાલ સવારે બળધ બેઠો થાશે. બે વરહે દેવામાંથી બા’ર! વરસ આવવા દ્યો. દીપસંગઃ પણ… બારણે કીયા ભા ઓઠવા દે? આ ઉનાળે… આબરૂ ગિયા કેડે જીવવું કીમ? રૂપાળીઃ (ચમકીને) આબરૂ? કોઈનું કાળુંધોળું કર્યું છે? કોઈ વંડી ઠેક્યા છીં? કોઈના કરે ફાં કોરું દીધું છે? મૂઠ માંડી છે? કોઈની બેનદીકરી ભગાડી છે? આબરૂ તો એવાની જાય. દીપસંગઃ આપડા માથે… માથે… (થોથરાય છે.) રૂપાળીઃ માથે રૂપાળી ચકલી બેસે છે. ઈ તો શકન. છાનામાના જી ભાવે ઈ ખઈ લ્યો. દીપસંગઃ નોટિસ… રાયચંદકાકાએ કાઢી છે. સાંજ સવારે આ… ઘરે… જપ્તી. રૂપાળીઃ જપ્તી? (સ્વસ્થ બનીને) રાયચંદકાકાને આપણે કે’દી મોળો પાતળો ઉત્તર દીધો છે? સાંકળ ખખડાવી ઊંઘમાંથી ઉઠાડી ઘઉં ભરી દીધા. ને તોય માથે નોટિસ? દીપસંગઃ તો ય – તો ય. રૂપાળીઃ રાયચંદકાકાને માથે મોત છે કે નઈં? દીપસંગઃ સાંભળ, ચોરાની બેઠકે બેઠા’તા… ને ઈમાં મેં હસાબ માગ્યો. રૂપાળીઃ ખરી વાત છે. આપડા બાકી લેના નીકળતા હોય તે ઓટકેખોટકે કામ લાગી જાય ને? તે… પછી…? દીપસંગઃ ઈમ નથી, ઈ તો કે’છે કે બવ સાવકાર થિયો છો તે વાંહલ્યા પોણોસો ખખડાવી દે ને! રૂપાળીઃ (ચમકીને) પોણોસો? શીના? દીપસંગઃ મેં ય ઈ જ પૂછ્યું. શીના? રૂપાળીઃ તે… પછી…? દીપસંગઃ મારે ઈમની જોડે જીભાજોડી થઈ. ઈ ડઠ્ઠડે તાલુકે જઈ દાવો માંડ્યો. જપ્તી… રૂપાં… જપ્તી… નોટિસ! આ ઘર… આ ઠામ… આ રાચરચીલું… આ કોડ્ય… માનો ઘડેલ આ કોઠો… બાપુનો આ ઢોલિયો… રૂપાળીઃ ઈ સંધું ય રૂપાની ગોળિયે ઠરી જાવાનું. દીપસંગઃ ના…ના… રૂપાં! રવિયો બેલિફ જાતનો તો બરામણ છે, પણ કરમનો કસઈ… રૂપાળીઃ પણ મોરથી આવા ઘાટ ઘડ્ય તો પંડ્યનો કઢાપો જ કરવાનો ને? પડશે તારે જોવાશે. ઊઠો, છાશ રેડું ધાનમાં. ચાખો જોઈં! ખાટુંમોળું…? (એવામાં બહારથી અવાજ આવે છે.) અવાજઃ દીપસંગા! દીપસંગા! (કશોય પ્રત્યુત્તર મળતો નથી.) જાત જ સાળી કો’ક છે ને? ઘરના ખૂણે હોય પણ ઉત્તર શેનો વાળે? સૌ ખીજાડા ભેળાં મસાણમાં નથી ગિયાં ને? રૂપાળીઃ વચારીને વેણ કાઢજો કાકાજી! અવાજઃ ઓ ય ધાડયેના! છેને માથામાં રઈનો મશાલો! મારું સાળું, દઈને દશમન થવાનું. લેવા હોય તારે કૂતરાં, દેવા તારે સિંહ! દુનિયાનો ન્યાય છે ને! રૂપાળીઃ માલીપા આવો. (રાયચંદ શેઠ પ્રવેશે છે. ઘરડિયું વય છતાં ય નાનપણમાં સચવાયેલ ‘રાયો’ એવો ને એવો જ પતીરા જેવો છે. માથાના, મૂછના, ઢાઢીના વાળ રૂપાના થઈ ગયા છે. મોં પર ચારેક દિવસની હજામત છે. ખાસ્સું મજાનું કેડિયું અંગ પર છે – પહોળી બાંયોવાળું, ઢીંચણ સુધી ઝૂલતું. માથા પર આંટીવાળી પાઘડી, કેડ્યે માદરપાટનું કિનાર વગરનું કધોણે પીળું પડી ગયેલું થેપાડું, પગમાં દેશી ચામડાના જોડા, ડાબા હાથમાં લૂગડામાં વીંટેલ ચોપડા; એવા ખસડપસડ કરતા રાયચંદકાકા પ્રવેશે છે.) રાયચંદઃ મારો સાળો મીંઢો! (રૂપાળી ચોરસાના છેડાને મોં આડો તાણી ઊભી રહે છે.) રૂપાળીઃ કાકાજી, મોં સંભાળીને બોલજો! રાયચંદઃ તે ઈમાં શું લૂણ ઉતારી લીધું? અલ્યા બોલ, તારે હસાબ કરવો છે ને? (ઘર વચ્ચે જ રાયચંદકાકા ઊભા રહે છે.) આમ તો આવ્ય, તમારું વાણિયાએ ખાધું શું તે તમ સંધા ઈમનો ધજાગરો કરતાં ફરો છો? વાણિયે કઢારે (વ્યાજે) કાઢી આપ્યા ઈ ઈનો ગુનોવાંક? અલ્યા, સાંભરે છે? ગામમાં દોઢો કઢારો હાલતો’તો ઈ? દીપસંગઃ (ચમકીને) દોઢાનો ભાવ? રાયચંદઃ તું એકલો આપ છ? ભલભલા મૂછાળાએ આપ્યો છે. ઉઘાડ ચોપડો. ગામનો આ પટલ, ગામનું નાક, નાતનું છોગું; ઈનું નામ આ ચોપડે. (રાયચંદ શેઠની નજર ઘરની ઘરવખરી પર જાય છે.) હં તમે? તમે? તમારા કરતાં તો ભરું સારા, ભરું! છાતીએ હાથ મૂકી ઘોરાય તો ખરું! ને ઈ જ વ્યાજમાં દૂધ, ઘી, માવો ટટકારીએ. તમારી તો દાનત ખોરા ટોપરા જેવી. હરામનું ખાવું છે! માઝનમાં જઈ… રૂપાળીઃ (વચ્ચે જ) કાકાજી! દેવનું માતમ પૂજારાથી, હા! પછી કે’તા નઈં કે કીધું નો’તું. નઈં તો બઈ માણસના મોંનાં વેણ…? રાયચંદઃ જો દીપા, અમારે દઈને દશમન થાવાનું, દઈને દશમન! લે, મારે શું? હું મારા રૂપિયાનો ધણી. લાવ્ય, હું આ હાલ્યો. દીપસંગઃ કાકા, દાણેદાણો તમને ભરી દીધો. હવે…? રાયચંદઃ કઢારો! દીપસંગઃ કઢારો નથી, હવે તો આ દેહમાં ચામ ને હાડકાં… રાયચંદઃ ચોરા વચાળે ઉત્તર આલ્યો’તો ને? હવે તો કર્ય ચૂકતું. દીપસંગઃ અતારે ઈ કંઈ… કંઈ… નઈં બને. રાયચંદઃ નો હોય તો ગમે તે ગીરવ, મારે તો મારા પૈસા… (રૂપાળી તરફ ત્રાંસી નજરે જોઈ રહે છે. રૂપાળીની નજરમાં આ ખ્યાલ આવતાં તાંસળી ઉપાડીને રાયચંદ શેઠ પર ફેંકે છે.) રૂપાળીઃ વાણિયા! કાલ્ય સાંજ લગણમાં કાળા ચોરના કાઢી તને તારા પૈસા ભરી દેશું, પણ તું આંઈથી ટળ્ય! રાયચંદઃ વાહ રે! ઈથી મારે શું રૂડું? રાણીને કાણી નો કે’વાય! જોયો ઈનો મિજાજ? આમાં મરીએ અમે? જપ્તી જ હોય! ઈ વગર તમે પાંસરાં નો હાલોતે! ઓલો રવિયો આવી હાંડલા ચૂંથશે ત્યારે જ વાંકાં રહેવાનાં. ઈની ય વાર શી? નોટિસ કાલ મળી ગઈ છે. જોઉં છું તારી રાણીનો મિજાજ કેટલીક ઘડી ટકે છે? (જાય છે.) રૂપાળીઃ ઈ રાખહના કેટલા લેણા…? દીપસંગઃ ચાર વીહુંમાં … પાંચ ઓછા. રૂપાળીઃ કાળા ચોરના કાઢો, ઈ ખવીહ મારા આંગણે નો જોઈં. ચુંવાળિયા કોળી જેવો ઈ વાણિયો આંઈ નો જોઈં. ઈની નજર તો જુઓ! (દીપસંગ ઢીલો બને છે.) લ્યો, ઊઠો, સંધાં ય સારાં વાનાં થાશે. બળધની ખબર કાઢી આવો. જપ્તી લઈને આવશે તારે જોયું જાશે. હાથે પગે લાગીને બેલિફને વળાવશું, એ પૈસાનો મોંએ ડૂચો દેશું. દીપસંગઃ મને કંઈક થઈ જાય છે. જાણે રોઈ લવ. રૂપાળીઃ એક છોકરાના બાપ છોકરું થઈ બેઠા? વાહ! ઊઠો. દીપસંગઃ ના, ઈમ થાય છે. રૂપાળીઃ જપ્તીના લીધે? ગામમાં તમારા જ ઘર માથે પે’લપે’લી જપ્તી નથી આવતી ને? ખેડુના આ દી આવ્યા કીમ? ધરતીએ પાણી ચોર્યા, મોલ ધાર્યોકોર્યો નો ઊતરવા મંડ્યો, તારે જ આ દી ને? ઈમાં ગામ શું કે’શે? આપણે રાત-દી જોયા વગર કાળી મજૂરી કરીં છીં, પછી પાક્યું નો પાક્યું ઈ નસીબની વાત છે. દેવું નો ભરાય ઈ… લ્યો જાવ હવે. (દીપસંગને રૂપાળી ઊભો કરે છે.) રાયચંદઃ (પ્રવેશતાં) જોયું સા’બ? જોઈ દાનત? દાનતમાં જેવારો નથી. પછી પાકે શું? રાખ જ પાકે કે કંઈ બીજું? તમે ઘડીક મોડા આવ્યા હોત તો આ શાવકાર સાતમે પાતાળ ઊતરી જાત. પછી તમે ગોત્યા જ કરો ને? (રૂપાળી હેબકી જાય છે. દીપસંગ છે ત્યાં જ નીચે બેસી જાય છે. તેનું તેજ નિસ્તેજ બની જાય છે. રાયચંદ ઘરમાં આવીને ઊભો રહે છે.) રાયચંદઃ અરે સા’બ, અંદર પધારો, અંદર પધારો. ઘરમાં સમ ખાવા સારું ગોદડુંય નથી. અલ્યા! ચાની તો મા મરી ગઈ, પણ ખાટલો તો ઢાળ્ય! લે, છે ને માણહ? રૂંવાડું ય ફરકે છે? સા’બ, અંદર પધારો, અંદર! (રાયચંદ પોતે જ બહારથી ખાટલો લાવે છે. બેલિફ રોફથી અંદર આવે છે. માથે કાળા વાળવાળી ઊંચી દીવાલની કાળી ટોપી; ખાખી કોટ; હાથમાં ચામડે મઢેલી નેતરની સોટી; ને મોંમાં ધોળી બીડી. પાછળ આવતા પગીના હાથમાં દફતર છે. બેલિફ ખાટલા પર બેસે છે.) રાયચંદઃ સા’બ અમારે દઈને દશમન વો’રવાના. આની હારે કેવો નાતો? ઘરરોખો જ. પણ આ તો દઈને દશમન… બેલિફઃ (દીપસંગ તરફ જોઈ) કેટલાં વીઘાં જમીન? દીપસંગઃ (વિચાર કરીને) પંદર વીઘાં જોડિયું, પાંચ વીઘાંની સુરધનની કટકી. નવ વીઘાં વેલાવાળું. બેલિફઃ સાચું બોલવાનું. જો આ ચોપડો. એમાં તમારું સંધું ય… દીપસંગઃ અઢાર વીઘાનું કાસમાવાળું. ને આઠ વીઘાં દેરીવાળું. બેલિફઃ ને કેટલા પૈસા ઘાલ્યા છે? રાયચંદઃ અરે સા’બ, મારી વચ્ચે ઈની જાંગ ક્યાં ચીરો છો? કરવલાં તો સૌના માથે હોય જ. બાયડીનાં રાજ, ન્યાં કરવલાં તો હોવાનાં જ. એક રાણીનું રાજ મહારાણી વિક્ટોરિયાનું. બીજું રાણીનું રાજ આંયા. બેલિફઃ (રોફથી) : શેઠ! (શેઠ સમજી જાય છે.) અલ્યા તારા માથે દેવું કેટલાનું, કેટલું? દીપસંગઃ સા’બ, હશે હજાર માથે. બેલિફઃ તારા દેવાની ય તને ખબર નથી? છે ને ભલો આદમી! રાયચંદઃ ઘરમાં રાણીનું રાજ. પૂછો એને. બેલિફઃ એમાં આ શેઠનું કેટલું? દીપસંગઃ ઈમને જ પૂછો ને! મારી ધારણામાં પઈ યે નથી. રૂપાળીઃ (વચ્ચે જ) એક પઈનું નઈં. સાત ખોટના છોકરાના ગળે નખ દઈ ઈમની પઈએ પઈ આપી દીધી. બેલિફઃ ત્યારે એમણે પોણોસોનો દાવો બાંધ્યો છે ને? સાચું કોણ? તમે કે શેઠ? રાયચંદઃ સા’બ, દાનતના ખોટા છે! જુઓ આ મારું નામું. દીવાના અજવાળા જેવું ચોખ્ખું છે! આ તો સા’બ, દઈને દશમન વોર્યો, દઈને… બેલિફઃ લેણું નહોતું તો આ લેણા ક્યાંથી નીકળ્યા? (દીપસંગ મૂંગો બેસે છે.) બોલ, બોલ! રાયચંદઃ સા’બ, બોલવા જેવું હો તો આ મૂર્તિ ચોરે ચડી ગાંગરે ઈમ છે. પણ આપડામાં બોલવા જેવું હોય જ નઈં! રૂપાળીઃ (વચ્ચે આપીને) સા’બ, સંધું ય બોલવા જેવું છે! પૈ લેણી નથી. અમે ચૂકતે કર્યું છે. રાયચંદઃ ઓય તારીની! છે ને મરદુંને નાખી દે એવી! (જોરથી) સા’બ, આ રિયો ચોપડો. નઈં ઈ મારી શરમ ભરે, નઈં ઈની ભરે! રૂપાળીઃ સા’બ, પૂછો શીના લીધા’તા? રાયદંતઃ હવે ટકટક શું કરછ? જો આ તારા માટીનો અંગૂઠો. ત્યારે અમથા તાલુકે ગિયા હશું? સા’બ, દઈને દશમન વોર્યા… રૂપાળીઃ પણ શીના લીધા’તા. ઈ કો’! રાયચંદઃ મારી જાણે કૂતરાં! પણ આલ્યા છે રોકડા! મૂળાના પતીકા જેવા રોકડા! ખણીંગ ખણીંગ કરતા રોકડા ગણી દીધા છે. રૂપાળીઃ તમારે ન્યાંથી અમે રોકડો ઉપાડ કે’દીય કર્યો’તો? રાયચંદઃ વાહ વાહ! તારે આ તો સાવરણીમાં સાંબેલું? સા’બ, આમાં સૌએ સૌનું કામ કર્યા જેવું છે. અલ્યા શાદુલા, તું ય ક્યાં ટળ્યો? સા’બના સારું આપડે ચાપાણી કર્યા વગર હાલશે? દૂધ લાવજે. માલીપા સાકર ને એલચી. ને સારા દૂધપેંડા, દશક શેર બાંધી મેલ્ય. સા’બની ય દાઢમાં સવાદ રે. (બેલિફ પ્રત્યે ફરીને) સા’બ, રોટલા આપણે ત્યાં. અલ્યા એઈ? તારી કાકીને કે’જે. સા’બ, હવે હકમનામાની બજવણી… બેલિફઃ ત્યારે તેં કોર્ટમાં કબૂલ્યા કેમ? મુનસફ સા’બનો હું તો તાબેદાર. રોકડા ગણી દે છે? રાયચંદઃ હા, સા’બ રોકડા જ. દીપસંગઃ સા’બ, કોરટમાં જ મેં કીધું’તું. આ કાળે ઉનાળે અમારા ઘરમાં રોકડી દોકાની ય ક્યાંથી હોય? રાયચંદઃ સા’બ આપડે ઈ નઈં જોવાનું. આપડે આપડું હકમનામું બજવી લેવાનું. મેં તો દઈને દશમન વોર્યા, સા’બ. અમ માઝનના ખોળિયે કંઈક દયાનો છાંટો છે. નઈં તો આ અતારે પૈસા મૂતરાવે. બેલિફઃ અલ્યા પગી! પગી! શાદુલા! રાયચંદઃ કીમ સા’બ? ઈ તો ઘરે ગિયો. જરા દૂધપેંડા આવવાના છે. સા’બ, ઠેઠ મુંબઈના બારે આ ગામના દૂધપેંડા જાય છે. બેલિફઃ (રૂપાળીને અને દીપસંગને સંબોધીને) એક બાજુ ઊભાં રહો. શેઠ, પગીને… રાયચંદઃ અરે સા’બ હું છું ને! બોલો, આપ બોલો ને! બેલિફઃ હું ચીંધું તે બધું તે જુદું તારવો. ને એ જ હરાજીમાં… (દીપસંગ માથે જાણે વીજળી પડી! ધબ્બાંગ દઈને તે નીચે પડે છે. રૂપાળીના મોં પર ગ્લાનિનું ઘેરું વાદળ આવે છે.) રાયચંદઃ સા’બ, આમાં જુદું તારવવા જેવું છે શું? આ ડામચિયાનું દોઢિયું ય કોઈ નઈં બોલે ને આ ફૂટલા બેડાનું ફદિયું ય નથી ઊપજવાનું. કો’કે નો કો’ પણ આ ખેડુના રાચનું કંઈ ન ઊપજે. (પગી આવે છે.) બેલિફઃ પગી! પંચને બોલાવો તો! રાયચંદઃ અરે સા’બ, ઈમા પંચનું શું કામ? અલ્યા પગી, ખુશાલ ઠક્કરની દુકાનેથી બદામપિસ્તાં લાવી દૂધપેંડામાં નખાવજે. કેશર જરા ઝીણું લસોટાવજે. બેલિફઃ (રૂપાળી પ્રત્યે) કંઈ ઘરેણું છે? (રૂપાળી ઘૂમટો તાણીને ઊભી છે.) રાયચંદઃ સા’બ, ઈ વાત નો પૂછો. સોનાની ખાણ જ ઈના ઘરમાં છે! સોનાની નહીં તો રૂપાની. સા’બ, વાત કવ. ઈમના કોઠા કોઠી જોવો. આ ઈની રાણી! ઘરેણું તો રાંધેલ ધાનમાં નાખી દે એવી… સા’બ, હાંડલું ફોડી ઈમાં જુઓ. (બેલિફ કશું ય બોલતા નથી. રાયચંદ શેઠ ધાનના પાટિયા આગળ જાય છે. તેને ઊંચો કરીને પટકે છે.) સા’બ, આ હાથ કાળા કરવા પડે છ. સા’બ આ દઈને દશમન… (શૂરસંગ પ્રવેશે છે.) શૂરસંગઃ મા, મા, ખાવા… (રાયચંદની નજર શૂરસંગના શરીર પર પડે છે.) રાયચંદઃ અરે સા’બ! જોયાં આ દાનસ્તાં ચોર! જોવો! જોવો, જોવો! છોકરાને શણગારી ગળામાં હાંસડી ને પગમાં રૂપાની બેડી પે’રાવી બહાર તગડી મેલ્યો! છે ને દાનસ્તાઈ! (બેલિફ શૂરસંગ સામે જોઈ રહે છે.) સા’બ ઉતરાવો જોયેં! બેલિફઃ (રૂપાળી તરફ ફરીને) કાઢવાં પડશે એ. (રૂપાળી સ્તબ્ધ બની ઊભી રહે છે.) રાયચંદઃ અરે સા’બ! ભાબાપા કર્યે ઈ પાસરાં નઈં હાલે. ઈમને તો મણમણની તોળવી જોયેં. તો જ પાંસરાં… (શૂરસંગને રાયચંદ બાવડેથી ઝાલે છે.) બેલિફઃ શેઠ! (રાયચંદ બેલિફ સામે જોઈ રહે છે.) રાયચંદઃ સા’બ, તમારી પાંહે લાવું છું, સા’બ. અમે દઈને દશમન… થિયા તારે, પૂરેપૂરા દશમન. (શૂરસંગના ગળાની હાંસડી કાઢવા મથે છે.) શૂરસંગઃ (ચીસ પાડીને છટકવાની મથામણ કરતાં) મા! મા! રાયચંદઃ ભારે જોરુકીનો! શૂરસંગઃ ઓ… રે… માડી! રાયચંદઃ દશમન તારે પૂરેપૂરા દશમન, કીમ સા’બ? શૂરસંગઃ (દીપસંગ તરફ) બાપુઉઉ… (સાદી ફાટી જાય છે.) રાયચંદઃ આ એક હાથે નીકળે ઈમ નથી. કારહત જોશે. (શૂરસંગને બે પગ વચ્ચે દબાવે છે.) આમે ય દશમન, ને આમે ય દશમન – શૂરસંગઃ ઓ મા! મરી ગિયો… યો… રૂપાળીઃ (બેલિફ પ્રત્યે) સા’બ, છોડાવો ઈ છોકરાને. (દીપસંગને ઢંઢોળીને) પડ્યા છો શું, આમ? ઊઠો! કાળા ચોરના પૈસા વિયાજે કાઢો, ઘર મૂકો, બાર મૂકો, બળધુંને ગીરવો, જમીન માથે લ્યો; પણ આ કાળના કાઢેલનો ટાંટિયો આંગણે ન જોઈ. ઊઠો! (દીપસંગ ઊભો થાય છે.) રાયચંદઃ જોયું, સા’બ? બેલિફઃ (ગંભીર બનીને) શું? રાયચંદઃ સા’બ, આ સંધી ય ભવઈ છે ભવઈ! આ ફતવા આ લોકને ભારે આવડે છે! સા’બ, મને પૂછો તો હું કવ કે આ રાણીના ડીલ માથે કંઈક હોવું જોયેં. જોયું, લાજનો ઘૂમટો કેવો કાઢ્યો છે! રૂપાળીઃ કાકાજી, તમારે પૈસાનું કામ છે ને? કાળા ચોરને અમે જામીન કરશું. (દીપસંગ પ્રત્યે) જાવ, જામીન ઝાલી લાવો. (દીપસંગ ને રાયચંદ જાય છે.) બેલિફઃ બેન, બા – (રૂપાળી મોં ઉઘાડીને સામે આવે છે. રૂપાળીનું નમણું મોં જોઈ બેલિફ ચમકે છે. ગભરાયેલ હરણના બચ્ચાની જેમ માના પાલવમાં સંતાયેલ શૂરસંગ આંસુધારાને લૂછી રહ્યો છે.) રૂપાળીઃ સા’બ. બેલિફઃ બેન! રૂપાળીઃ ભઈ, ઘર આખું લૂંટીને આબરૂ માથે ત્રાટક્યો છે; અમ ધરતીના માનવીના ગળે રાંઢવું બાંધવાનો દી લાવ્યો છે, આ વાણિયો. બેલિફઃ તો પછી એણે તાલુકે જુબાનીમાં ચોખ કરવો જોઈતો હતો. (આંખની સામે જોઈને ચમકે છે.) બેન, તારું પિયેર? રૂપાળીઃ (ઓઝપાતાં) મારું પિ’ર? બરાનિયે… નાગનેહ બરાનિયું. બેલિફઃ પણ ધોળકા સીમેજ… રૂપાળીઃ હા, હા. મારા બાપુએ ન્યાંકણે અધ્યારું કર્યું’તું. બેલિફઃ હાં, ત્યારે ત્યાં તમે …? રૂપાળીઃ પંદર વરસથી સીમેજ અમે મૂક્યું. બેલિફઃ ત્યાં તમારા પડોશે કોઈ બ્રાહ્મણ રહેતો હતો? (રૂપાળી બેલિફના મોં સામે જોઈ રહે છે.) કેશાંમા જીવે છે? બેન, તું એ બ્રાહ્મણના છોકરાને ઓળખે ખરી? એને ઘેર શિયાળામાં શાકપાંદડું આપી આવતી એ સાંભરે? બાપુ જીવે છે? બાપુએ એ છોકરાની ફીના પૈસા આપ્યા’તા એની તમને ખબર છે? રૂપાળીઃ (આનંદથી) રવિયોભાઈ! (આંખમાંથી દડદડ આંસુ પડે છે.) બેલિફઃ (ગળગળો થઈ જતાં) હા. એ જ તારો આ રવિયોભાઈ. રૂપાં! બેન, રૂપાં! તારી આ તેજીલી આંખે જ તું ઓળખાણી. તારી ઈ કાયા…? (દીપસંગ પ્રવેશે છે. ખોંખોંખોં એવી કૃત્રિમ ઉધરસ ખાતો રાયચંદ પણ સાથે આવે છે.) રૂપાળીઃ (લાજ કાઢીને) કાં, શું કરી આવ્યા? રાયચંદઃ સા’બ, અતાર લગણ બાંધી મૂઠી હતી તે ઉઘાડી થઈ ગઈ. દાનતમાં વીંધ હોય ન્યાંકણે કોણ ભા જામીન થાતું’તું? સા’બ, આપણે આપણું કામ જ… ઉતરાવો ઘરેણાં. સા’બ, મારું લેણું વસૂલ થાવું જોઈં. સા’બ, પેંડા એ…ઈને પીળા ધમરખ જેવા. બીજું તો શું અપાય? આટલું સંભારણું. રૂપાળીઃ હાંડા જેવા ગામમાં બધાના રામ રૂઠ્યા…? બેલિફઃ (રાયચંદ શેઠને ઉદ્દેશીને) શેઠ! મારો વિશ્વાસ તો છે ને? એ લોકનો હું જામીન. પગી, ચાલો, ઊઠો. (ઊભો થતાં થતાં વહાલપથી) ભાણાભાઈ, કાં સંતાતા ફરો છો? (ગજવામાંથી આઠ આની કાઢીને) ભાણાભાઈ, મોં તો બતાવો! લ્યો. (શૂરસંગના હાથમાં પકડાવે છે.) પગી, આપણે ઉતારે જ જવાનું છે. (બેલિફ જાય છે.) રાયચંદઃ (ચૂંથાયેલ ઘરવખરી તરફ નજર નાખતાં) રૂપને સગપણ સાંધતા શી વાર!

(પડદો)

(ગુજરાતી એકાંકી સંગ્રહ)