ગુજરાતી એકાંકીસંપદા/લાઇન

From Ekatra Wiki
Revision as of 13:13, 28 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
લાઇન
ચંદ્રકાન્ત શેઠ
પાત્રો





પોલીસ ઇન્સ્પેક્ટર
પોલીસ
વૃદ્ધ
સ્ત્રી

(પડદો ઊપડે છે ત્યારે સ્ટેજ પર ફ્રન્ટથી બૅક સુધી સર્પાકાર લાઇન સૂચવાય એ રીતે આઠ વ્યક્તિઓ ઊભી છે. આ આઠ વ્યક્તિઓમાં એક મધ્યમ વયની સ્ત્રી છે. બે આધેડ માણસો એક જ પ્રકારનાં ઝભ્ભા-ધોતી પહેરેલા છે. એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ૩૦-૩૫ વચ્ચેના કદાવર, પ્રભાવશાળી, સૂટ-બૂટમાં સજ્જ છે, એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ખાખી પેન્ટ અને ખાખી શર્ટ પહેરેલા છે. એક માણસ કંઈક વૃદ્ધ, નિવૃત્તિની ઉંમરની નજીકનો છે; એણે કેદી-દારોગો પહેરે એવાં પટેદાર વસ્ત્રો પહેરેલાં છે. પડદો ઊપડે છે ત્યારે જાત જાતના અવાજો, સ્વભાવ-વર્તનનું વૈવિધ્ય પ્રકટ કરતી ચેષ્ટાઓ, વગેરે બતાવવાં જરૂરી. ધક્કામુક્કી–ઘોંઘાટનો અભિનય ઇષ્ટ. થોડી ક્ષણો આ દૃશ્ય. દરમ્યાન ઘંટ વાગે છે. લાઇનમાંથી કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર પુરુષ જમણી વિંગમાં જતા રહે છે; ખાકી પોશાકવાળા બે જણ ડાબી વિંગમાં જતા રહે છે. ઘંટ વાગવાનું બંધ. લાઇનમાં ફરીથી જેઓ બાકી રહ્યા તેમનો ઘોંઘાટ, ધમાચકડીનો અભિનય… આ નાટકમાં જે પાત્રને જ્યારે પાઠ ભજવવાનો ન આવે તે પાત્રે ત્યારે લાઇનમાંની વ્યક્તિ બનીને રહેવું. આ સૂચના નાટક પૂરું થાય ત્યાં સુધી પાળવી. જમણી વિંગમાંથી બે ગૌર વ્યક્તિઓનો પ્રવેશ. કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર વ્યક્તિ અ બોલે છે.) }}

અઃ અરે નારદ! આ લાઇન શેની છે?

(ઝભ્ભા-ધોતીવાળી ગૌર વ્યક્તિ બ જવાબ આપે છે.)

બઃ ધીમે, ભગવન્, ધીમે… કોઈ સાંભળી જશે ને જાણી જશે કે આ નારદ ને વિષ્ણુ છે છૂપા વેશમાં, તો દેકારો બોલી જશે. આવી બનશે આપણું!
અઃ એટલે જ તને હું કહેતો રહું છું: ટૂંકું બોલ, ધીમે બોલ!
બઃ ભગવન્, હવે એમ જ બોલતો થયો છું! તમને નથી લાગતું?
અઃ તું હવે મને ભગવન્ ન કહેતો; નહીંતર…

(આ વાતચીત દરમ્યાન અ અને બ લાઇનની લગોલગ આવી જાય છે. લાઇનમાંથી સૂટ-બૂટમાં સજ્જ કાળા વાનવાળી વ્યક્તિ ક બોલે છે.)

કઃ એય મહેરબાન! લાઇનમાં મત ઘૂસો.

(ઝભ્ભો-ધોતી પહેરેલી કાળા વાનવાળી વ્યક્તિ ડ બોલે છે.)

ડઃ એય પોતડી! પાછળ જા!
સ્ત્રીઃ આપણે અહીં ક્યારનાં તપીએ છીએ!
કઃ ત્યારે!…
બઃ હવે ગડબડ શેના કરો છો? લાઇનમાં ઘૂસ્યા છીએ?
ડઃ ન બોલ્યા હોત તો ઘૂસત ને?
અઃ (બ-ને) મૂક ને પંચાત! નકામી આમની સાથે જીભાજોડી! બોલ, હવે આપણે શું કરીશું?
ડઃ બાઈ બાઈ ચારણી કરો!
બઃ આ લોકો જંગલી છે!
કઃ એય ચોટી! મોઢું સંભાળીને બોલ, નહીંતર એક ખાશે તો જશે મારા બાપ પાસે!
અઃ (બ-ને) ચાલ, ઝટ કર ને! આપણે જઈએ અહીંથી.
બઃ ચાલો…

(બંને ડાબી વિંગ તરફ જવા ફરે છે. પાછળ એમને ખીજવતા અવાજો આવે છે. દરમ્યાન પેલા ખાખી ડ્રેસવાળા માણસોમાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ને બીજો પોલીસ તરીકે પ્રવેશે છે. બંને પાસે અનુક્રમે રિવૉલ્વર અને રાઇફલ છે; વ્હિસલ ઇત્યાદિ છે.)

પો.ઇ.: (અ અને બ-ને) એ…ય! ક્યાં જાવ છો તમે?
બઃ અમારે જ્યાં જવું છે ત્યાં.
પોલીસઃ એય! સાહેબને સરખો જવાબ નથી અપાતો?
પો.ઇ.: કેમ મગજમાં બહુ રાઈ ભરાઈ ગઈ છે?
કઃ સાહેબ, મોડા આવીને એ લોકો લાઇનમાં ઘૂસવા માગતા હતા!
ડઃ હા, સાહેબ, ને પાછા દાદાગીરી કરતા હતા!
પો.ઇ.: આ લોકો શું કહે છે?
બઃ આ લોકો જુઠ્ઠું કહે છે!
પોલીસઃ પાછો, સાહેબને બેઅદબી કરે છે?

(પોલીસ પાછળથી બ-ને ઠૂંસો લગાવી પોલીસ ઇન્સ્પેક્ટર સામે બરોબર ખડો કરે છે.)

પો.ઇ.: તમને બેને ખબર છે? તમે કેવો ગુનો કર્યો છે?
અ-બઃ અમે ગુનો?
પોલીસઃ હા, ગુનો! લાઇન બહાર રહેવાનો!
બઃ અમે એ જાણતા નહોતા…
પોલીસઃ સજા થશે, એટલે જાણશો…
અઃ આ વિચિત્ર કહેવાય! ગુનો કરવાનો અમારો કોઈ ઇરાદો નહોતો! ઊલટા અમે તો લાઇનમાં…
પો.ઇ.: હં… હવે તમે સાચું બોલ્યા! પેલા માણસો સાચું કહેતા’તા કે તમે લાઇનમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો… અરે! પેલી બાજુ શેની ધમાચકડી છે! (પોલીસને) જો તો એ બાજુ, તમે બે અહીં રહેજો! હું તપાસ કરું!

(નેપથ્યમાંથી જાત જાતના અવાજો… પોલીસ અને પાછળ પોલીસ ઇન્સ્પેક્ટર વ્હિસલ વગાડતાં, દંડા ઉગામતા, ટોળાને શાંત રહેવાનો અભિનય કરતા, બૅક સ્ટેજ પર પહોંચી કાળા પડદા પાછળ સરી જાય છે. અ અને બ કિંકર્તવ્યમૂઢ જેવા ઊભા છે. લાઇનમાંથી વૃદ્ધ બોલે છે – લાઇનમાંના બીજા સાંભળે નહિ એમ…)

વૃદ્ધઃ આવી જાઓ, આવી જાઓ, લાઇનમાં! આ ચાનસ મળ્યો છે કે મળશે…
અઃ પણ ઇન્સ્પેક્ટરે અમને અહીં રહેવાનું કહ્યું છે તે…
વૃદ્ધઃ એ તો કહે! આવું તો એ કહેતો જ રહ્યો છે! આવી જાઓ, હં!
બઃ ચલો, ચલો… જતા રહીએ અંદર!

(અ-નો હાથ પકડી બ વૃદ્ધની પાછળ લાઇનમાં ગોઠવાઈ જાય છે.)

બઃ (લાઇનમાં રહીને ધીમેથી) ભગવન્! તાપ ખૂબ છે, માથું ઢાંકી દો કશાકથી…

(અ માથા પર રૂમાલ ઢાંકે છે. બ માથે ખેસ વીંટાળે છે.)

અઃ (બ-ને) આપણે આમ લાઇનમાં ઘૂસી ગયા, તે બહાર નીકળતાં મુસીબત નહિ પડે?
બઃ મુસીબત? બહાર નીકળતાં? આપણને તો બહાર રહીનેય મુસીબત જ હતી ને?

(દરમ્યાન ‘શું થયું?’ ‘પોલીસવાળા ક્યાં ગયાં?’ વગેરે અવાજો. આ અવાજો માટે નેપથ્ય પાછળની વ્યક્તિઓની મદદ લઈ શકાય.)

ડઃ અરે! સાંભળ્યું? કહે છે કે એક બાઈને બાળક થયું!
બઃ હેં! લાઇનમાં?!
કઃ ત્યારે? લાઇનની બહાર ક્યાં કશું થાય છે?
અઃ ખાવું, પીવું, સૂવું… બધું જ લાઇનમાં?!
વૃદ્ધઃ બધું જ બધું લાઇનમાં…
સ્ત્રીઃ તે ભાઈ! પેલી બાઈની તબિયત તો સારી છે ને?
ડઃ જીવે તો છે પણ બેભાન!
સ્ત્રીઃ હાય! હાય! બિચારી! તે મૂઆ આ ખવીસો એમને માટે કશું કરતાય નથી?
વૃદ્ધઃ ધીમે, બહેન, ધીમે! કોઈ સાંભળશે તો નાહકનું…
સ્ત્રીઃ તે બાળક તો સારું છે ને?
ડઃ બાળક? અધૂરા માસે જન્મ્યું ને પાછું મરેલું!
સ્ત્રીઃ હાય! હાય! મૂઓ ભગવાનેય શું જોઈને આવું કરતો હશે?
બઃ બહેન, ભગવાનનો દોષ શા માટે કાઢો છો? આપણાં જ કર્મો આપણને પીડતાં હોય છે!
ડઃ અરે! વાત છે કંઈ? પેલા જન્મનાર બાળકનાં કયાં કર્મો?
બઃ પૂર્વ જન્મનાં!
કઃ આમ ને આમ, આજ લગી લોકોને તમે ઊંઘતા વેચ્યા!
બઃ તમે ખોટા આક્ષેપ કરો છો!
અઃ (બ-ને) હવે તું શાંત રહે ને! વિધિનાં વિધાન હોય તેમ થાય!
સ્ત્રીઃ હાસ્તો! બિચ્ચારું! એ છોકરું તો છૂટ્યું! નીકર શા લહાવા લેવાના હતા અહીં લાઇનમાં આવીને?
વૃદ્ધઃ કોણ જાણએ મોતેય ક્યારે આવશે?
કઃ એ તો વડી ઑફિસમાંથી ચિઠ્ઠી ફાટે ત્યારે!
વૃદ્ધઃ ફાટ્યાં ચિઠ્ઠાં!
સ્ત્રીઃ બળી આ લાઇન! મૂઓ ભગવાન અહીં લાઇનમાં ઊભો રહે તો ખબર પડે એને!
બઃ બહેન, તમે આકળાં થઈ જાઓ છો! ભગવાનને આમ ગમે તેમ બોલો તે ઠીક ન કહેવાય!
સ્ત્રીઃ ભગવાનને ન બોલીએ તો કોને બોલીએ?
ડઃ તમે તો મિસ્ટર હજુ તાજા જ આવ્યા છો! થોડાં વરસ અહીં લાઇનમાં કાઢો… પછી કહેજો કે જનમ આપનારો ભગવાન સારો છે!
બઃ ભગવાન તો – જેવા તમે, એવો એ!
ડઃ હવે એ બધું ઠીક છે! સુફિયાણી ના ઠોકો, મહેરબાન! સમજ્યા! હજુ તો તમારે દૂધિયા દાંત છે!…
બઃ જુઓ, જવાબદારીપૂર્વક વાત કરો મારી સાથે ! નહીંતર…
કઃ હજુ તો તમે નવા છો ને ધમકી આપો છો?
બઃ જુઓ, હવે બોલશો નહીં આગળ…
અઃ (બ-ને) તું મૂંગો રહે ને!
ડઃ આવવા દો તો પેલા કાકાઓને! ખબર પડશે બધીયે!
વૃદ્ધઃ શાંતિ રાખો, ભાઈ! પેલા આવે છે!

(બૅક સ્ટેજ પરથી, કાળો પડદો ખસેડી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ આવે છે. બેય લાઇનમાં કોઈને શોધતા હોય તેવો દેખાવ… લાઇનમાં બધા શિસ્તબદ્ધ, શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર ઇશારાથી પહેલાં ડ-ને અને પછી ક-ને લાઇન બહાર બોલાવે છે. બંને ડરતાં ડરતાં બહાર આવે છે. પોલીસ બેયને એક દોરડાથી જકડે છે. તે દરમિયાન બધાં શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર બે હાથ મોઢે મૂકી મેગાફોનમાં બોલતો હોય એવા અભિનય સાથે…) }} |પો.ઇ.: |યૉર એટેન્શન પ્લીઝ! આથી લાઇનમાં હાજર તમામ શખસોને માલૂમ થાય કે નામદાર સરકાર લાઇન બહાર રહેનાર કોઈનોય ગુનો હરગિજ ચલાવી લેશે નહિ. હમણાં જ લાઇન બહાર માલૂમ પડેલ આ બે શખસોની સામે નામદાર સરકાર સખતમાં સખત પગલાં ભરશે, જેથી આજ પછી કોઈ ક્યારેય મજકૂર ઈસમના રાહે ગુનાહિત કામમાં સંડોવાય નહિ. થૅન્ક્સ! }}

બઃ (અ-ને ધીમેથી) એક તો ધમકી આપે છે ને પાછો થૅન્કસ કહે છે!
અઃ ચૂપ રહે! થાય તે જોયા કર!
પો.ઇ.: (અ-ને અને બ-ને) શું છે તમારે બેને?
અઃ આ તો એક વાત હતી!
કઃ સાહેબ … સાહેબ… મારી પણ એક નાની વાત હતી!
પો.ઇ.: કોઈ વાત નહીં!
ડઃ અમે તો સાહેબ, જન્મ્યા ત્યારથી લાઇનમાં…
પોલીસઃ ચૂપ નાદાન! તો શું ફોજદાર સાહેબ જૂઠું બોલે છે?
કઃ અરે! સાહેબ! એમ કેમ કહેવાય અમારાથી? આ તો એટલું કે અમે તો વરસોથી સાહેબના હુકમ મુજબ લાઇનમાં જ…
પો.ઇ.: તો શું અમારી આંખોએ ધોખો ખાધો એમ? તમને અમે અહીંથી લઈ ગયા તે અગાઉ લાઇનની બહાર રહેવા માટે ઝપટમાં લીધેલા.
અઃ (લાઇનમાંથી બહાર આવી) એ સાચું નથી; ઇન્સ્પેક્ટર! લાઇનની બહાર તો હું અને આ (બે-ને બતાવી) મારો મિત્ર હતા.
પોલીસઃ શટ અપ! ફોજદાર સાહેબની બેઅદબી કરો છો?
અઃ બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ–

(પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.)

પો.ઇ.: (અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા!
અઃ હા, અમે બંને લાઇન બહાર હતા ને (ક અને ડ-ને બતાવી) આ બે નહોતા!
પોલીસઃ આ બેની તમને કેમ ખબર પડે?
બઃ કેમ ન પડે?
પોલીસઃ તમે કંઈ ભગવાન છો?
પો.ઇ.: એનો નિર્ણય આપણે કરવાનો છે! જુઓ, તમે પોતે જ કહો છો કે લાઇનની બહાર અમે હતા, તો તમને પણ પરહેજ કરવામાં આવે છે. (પોલીસને) અમનેય લઈ લો સાથે…

(પોલીસ પેલા બેને છોડી દે છે.) }}

ક-ડઃ હા, સાહેબ! અમે તો નિર્દોષ છીએ…
પો.ઇ.: એ અમારે નક્કી કરવાનું છે; તમારે નહીં…
બઃ કેમ, અમારે નહીં? તમે પોલીસવાળા થઈને આમ નિર્દોષ પર જુલ્મ કરો ને…
પોલીસઃ કેમ બહુ બડબડ કરે છે! વાંસો ભારે થયો લાગે છે!…
બઃ જરા સંસ્કારી રીતે તો વર્તો!
પોલીસઃ તને, સંસ્કાર જ આપું છું… લે…

(પોલીસ એક-બે દંડૂકા બ-ને લગાવી દે છે ત્યાં અ પોલીસનો દંડૂકો પકડી લે છે. એ દંડૂકો પોલીસ છોડાવી શકતો નથી અને તેથી ઝંખવાણો પડી જાય છે… અ દંડૂકો તે પછી જ છોડે છે.)

પો.ઇ.: (પોલીસને) હવે! આ ચારેયને થાણે લઈ લે!
પોલીસઃ ચાલો, ચારેય લાઇનમાં.
ક-ડઃ પણ અમને તો જવા દો!
પો.ઇ.: ક્યાં જવું છે, ઉલ્લુના પઠ્ઠા? ચાલો આગળ થાઓ…

(આગળ પોલીસ ઇન્સ્પેક્ટર, પછી અ અને પછી ક અને ડ પછી પોલીસ – એમ ક્રમમાં બધા ગોઠવાય છે તે દરમ્યાન)

ક-ડઃ સાહેબ! અમે તમારી ગાય છીએ! અમારો કોઈ વાંકગુનો નથી, સાહેબ!
પો.ઇ.: (જતાં જતાં અટકી, લાઇન તરફ ફરી) તમે આ બેને (ક અને ડ-ને બતાવી) લાઇન બહાર જોયા નહોતા? ન જોયા હોય તો બોલો!…

(લાઇનમાં સૌ નીચું મોઢું કરી ઊભા છે. લાઇનમાંના બધાના હાથ બંધાયેલા હોય એમ નીચે ભિડાયેલા છે, કોઈ કંઈ બોલતું નથી. પોલીસ ઇન્સ્પેક્ટર વિજયીની અદાથી દૃષ્ટિપાત કરી ચારેય જણને લઈ જાય છે… પ્રકાશ ઝાંખો થતો જાય છે. છેવટે અંધકાર. ફરીથી ઝાંખો પ્રકાશ થાય છે ત્યારે જેલની એક કોટડીનું દૃશ્ય… એ કોટડીમાં અ અને બ છે. કોટડી સ્ટેજની ડાબી બાજુએ, એમાં અ અને બ-ને બરોબર જોઈ શકાય એ રીતે. જમણી બાજુ વિંગ આગળ પેલો વૃદ્ધ માણસ દારોગાની ફરજ પર. કંઈક ઝાંખો પ્રકાશ… દારોગાની આગળ કંઈક વધુ અંધારું… તેની આગળ ફાનસ બિલકુલ મંદ રીતે ટમટમે છે. પડદો પડે છે ત્યારે દારોગો ઊંઘતો હોય છે. અ પડખાભેર સૂતો છે. બાજુમાં સૂતેલ બ જાગી, બેઠો થઈ બડબડે છે.) }} |બઃ |હું ના કહેતો’તો… નથી જવું ભગવન્, નથી જવું! પણ માને? નાના બાળકની જેમ હઠ લઈને બેઠા! ‘નહિ નારદ! મારે તો લાઇનમાં ઊભા રહેવું છે! લાઇન જોવી છે!’ જુઓ લાઇન! ખાવું, પીવું, ઊંઘવું બધું જ લાઇનમાં… શ્વાસ પણ લાઇનમાં જ લેવાનો! જોઈ લો લાઇનસર ચાલતું જીવન! મારો તો વાંસો તોડી નાખ્યો એ હરામજાદાઓએ! છે એમને કંઈ? પોઢ્યા છે! શરીરેય અકડાઈ ગયું! }}

અઃ (પડખાભેર, આંખો મીંચેલી રાખીને) શું છે, નારદ? બબડ્યા વગર સૂઈ જા!
બઃ અહીં કોને ઊંઘ આવે છે?
અઃ (સૂતાં સૂતાં) ન આવતી હોય તોય સૂઈ જા, નહિતર પેલો દારોગો હલકો કરી નાંખશે તને!
બઃ ભગવન્! તમે આમ ચટાઈ પર પડ્યા હો! નથી સહેવાતું આ મારાથી! તમે ખાધુંયે નથી કેટલાય સમયથી…
અઃ (સૂતાં સૂતાં) નારદ! માન મારું! સૂઈ જા…
બઃ નહિ ભગવન્. તમે ખાવ તો સૂઈ જાઉં!
અઃ (જરાક બેઠા થઈ) ખાવાનું! આ લાઇનમાં ઊભા રહ્યા પછી ભૂખ જ મરી ગઈ છે! કેટલાં માણસો એમના ખાવાના વારાની રાહ જોતાં ઊભાં છે! એમાં મારો નંબર તો…
બઃ પણ તમે જરા પારખું કરાવી દો ને કે નામદાર સરકારનીય નામદાર સરકાર હું છું! પ્રશ્નનો પટ ઉકેલ! પહેલું ભોજન તમારું… બીજું તમારા પ્રાઇવેટ સેક્રેટરી પદ્મવિભૂષણ ડૉ. નારદનું!
અઃ નારદ! આ લાઇનમાં આવ્યા પછી મારી પારખું બતાવવાની શક્તિ જ જાણે ચાલી ગઈ છે! મને મારા સાચા અસ્તિત્વ વિશે શંકા જન્મી છે! નારદ, શું હું ભગવાન છું?
બઃ લો, કરો વાત! હું કહીશ તો નહિ માનો, ચાલો લક્ષ્મીજીને પૂછીએ!
અઃ (હસીને) આપણે જેલમાં છીએ, નારદ!
બઃ તમને આ જેલ શું કરે! ધારો તો…
અઃ ધારવાની શક્તિ જ ઠરી ગઈ છે, નારદ!
બઃ એક વાર સ્વર્ગમાં ચાલો! પછી…
અઃ નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ!
બઃ પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત!
અઃ વિશ્રાંતિ? હવે પછી બીજી કઈ વાત બનવાની છે? બનવાનું બની જ ગયું છે! એના સ્વીકારનો જ પ્રશ્ન છે! કદાચ ને હું…
બઃ કેમ ભગવન્! ચૂપ થઈ ગયા? ભગવન્! ભગવન્!
દારોગાનો અવાજઃ એય! કોણ બોલે છે? સૂઈ જાવ મૂંગા મૂંગા, નહીંતર…
બઃ ભગવન્! ઊઠો… ઊઠો… ઊઠો…

(દારોગો ફાનસની વાટ મોટી કરી હાથમાં ચાબખો લઈ આંખો ચોળતો ઊભો થાય છે; લથડતી ચાલે કોટડી સુધી પહોંચે છે. કોટડીમાં ફાનસથી અજવાળું કરી જુએ છે. અ સૂતેલ છે. નારદ અ-ને ઢંઢોળે છે.)

દારોગોઃ (બ-ને) શું છે? કેમ ગરબડ કરે છે?

(એક ચાબખો લગાવે છે. નારદ ચીસ પાડે છે.)

દારોગોઃ બોલ, કેમ બૂમો પાડતો હતો?
બઃ આ જાગતા નથી!
દારોગોઃ કોણ! તારો સાગરીત! ખસ, આધો! હું જગાડું છું.

(દારોગો નારદને પ્રયત્ને ખસેડી બે-પાંચ ચાબખા અ-ને ચોઢે છે. અ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.)

સાલા! બોલ! ઢોંગ કરે છે પાજી? એક તો લાઇન બહાર સૂતો છે, (ફટકો લગાવી) ને જાગતો નથી પાછો! હરામખોર! લે. (બીજા બે ફટકા)
બઃ (વચ્ચે પડી) બસ! બસ! ન મારો! ન મારો! એ તો ભગવાન છે ભગવાન!
દારોગોઃ (હસીને) ભગવાન! ભગવાન હોય તો શુંનું શું કરે! આ ભગવાન! (હસે છે. બ-ને) ઉઠાડ, નહિ તો ફરીથી જલદ દવા દેવી પડશે!

(બ અ-ને જગાડવા પ્રયત્ન કરે છે. નિષ્ફળ. કંઈક વહેમ પડતાં અ-નું શરીર તપાસે છે.)

બઃ (આક્રંદના અવાજે) ન હોય! ન હોય! ભગવાન મરે? કદી ન બને!
દારોગોઃ શું છે? શેનો બખાળો કરે છે?
બઃ (લો, અ-નો હાથ આપી) જુઓ નાડી ચાલે છે?

(દારોગો અ-નો હાથ લઈ નાડી જુએ છે ‘અરે! આ તો! મરી ગયો!’ કહી એકદમ ડરે છે. ફાનસ હોલવીને ભાગે છે. સ્ટેજ પર સંપૂર્ણ અંધકાર. બ-ના રુદનનો અવાજ. દરમ્યાન જેલનો ઘંટ જોરશોરથી વાગે છે… દારોગા સમેત બાકીનાં બધાં જ પાત્રો – સ્ત્રી પણ – બૅટરીઓ લઈ અંધકારમાં દોડાદોડ કરે છે… પોલીસ ઇન્સ્પેક્ટર વ્હિસલ વગાડતો ‘આ બાજુ… પેલી બાજુ…’ એમ કરે છે. અ અને બ પણ આ બેની સાથે! પ્રકાશ ઠીક ઠીક થાય છે… પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસદારોગો, અ અને બ કોટડીમાં પ્રવેશી… ચારેય બાજુ તપાસ કરે છે.)

અઃ (અ-ની પથારી ઊંચી ખંખેરી) પેલો અહીં પણ નથી!
બઃ (બ-ની પથારી ઊંચી કરી) એનો સાગરીતેય ગાયબ થઈ ગયો!
પો.ઇ.: શોધો! શોધો! બરોબર શોધો! એ હોય તો આટલામાં જ હોય!
દારોગોઃ અને ભાગીને ભાગેય ક્યાં? દરવાજે તો હું અડીખમ હતો!
અ-બઃ અમને પણ એ જ આશ્ચર્ય છે! કીડીયે આ જડબેસલાક વ્યવસ્થામાંથી પાર નીકળી ન શકે તો આ સાડા પાંચ ફૂટની લાશો! માનો ન માનો પણ કંઈક…
ક-ડઃ કંઈક ભેદી જ વાત બની છે!
પો.ઇ.: કશું ભેદી નથી! આપણે નકામા એ લોકોને શોધીએ છીએ! લાઇનમાં જ હશે એ લોકો!
પોલીસઃ સાહેબ ખરું કહે છે! કશું જ બન્યું નથી! આ તો નકામા ઉધમાત! બધાં લાઇનમાં જ છે!
અઃ હા, હા, લાઇન બહાર નીકળનાર પણ લાઇનમાં જ હોય છે આમ જુઓ તો!
બઃ તમારી વાત ન સમજાઈ.
અઃ અનુભવની વાત!
પો.ઇ.: નામદાર સરકારની વ્યવસ્થા જ એવી છે કે આપણે જેને ઘોર ગેરવ્યવસ્થા માનીને ગભરાઈએ તે પણ હોય તો વ્યવસ્થા જ… જડબેસલાક વ્યવસ્થા!
અઃ ખરું છે! બધું જ વ્યવસ્થિત! લાઇનમાં – લાઇનસર!

(અંધકાર… નાટકના આરંભનું દૃશ્ય બરોબર એ જ વીગતો સાથે દેખાય.)

અઃ અરે! નારદ! આ લાઇન શેની છે?

(એકદમ અંધકાર…)

(પડદો)

(એકાંકી સંચય–૨)