ગુજરાતી એકાંકીસંપદા/સોયનું નાકું

From Ekatra Wiki
Revision as of 17:19, 23 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|સોયનું નાકું}}<br>{{color|blue|સોયનું નાકું}}}} {{center block|title='''પાત્રો'''|...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સોયનું નાકું
સોયનું નાકું
પાત્રો

પાર્ષદ
શેઠ નંદનંદન
ઉત્તમચંદ
ચિત્રગુપ્ત
ભોગીલાલ
કાર્યકર્તા
નાગરદાસ
મૂળી ડોશી
શ્રી ભાઈસાહેબ
અગ્નિકુમાર
શક્તિશરણ
ચેતન
પ્રેક્ષકો…

(નાટકના પ્રેક્ષકો રંગમંચ સમીપે જગ્યા લેતા જાય છે ત્યારે એમને પહેલો ખ્યાલ એ આવે છે કે સામાન્ય રંગભૂમિ કરતાં આ કાંક જુદું જ છે. અહીં પ્રેક્ષક અને નટને અલગ પાડતો પડદો નથી. જેમ પ્રેક્ષાગૃહમાં ખુરશીઓ છે તેવી જ રીતે રંગમંચ પર વચ્ચોવચ એક મોટું મેજ છે. મેજ પર બિછાવેલી ચાદર એ જ એકમાત્ર જવનિકા છે. થોડોક સમય વીતે છે, પ્રેક્ષકો આવતા જાય છે અને ઘણા તો સીધા રંગમંચ ઉપરની ખુરશીઓમાં ગોઠવાય છે. સહુના ચહેરા ગંભીર છે. કોઈ આપસઆપસમાં વાત પણ નથી કરતું. એક વધુ ગંભીર દેખાતા કાર્યકર્તા ટેબલ પાસે હાથમાં એક પત્રિકા લઈને બેઠા છે. સહુનું ધ્યાન દરવાજામાં દાખલ થતા એક પીઢ ગૃહસ્થ પર કેન્દ્રિત થાય છે. ગાંધીટોપી, પહેરણ, પહેરણની બાંય ઉપર બાંધેલી ઘડિયાળ અને એની સોનેરી સાંકળી, હાથમાં લાકડી અને એ સર્વ સાથે બંને હાથ જોડી કરેલા નમસ્કારઃ આ નમસ્કાર એક રીતે નાટકની નાન્દીની ગરજ સારે છે.) નાટક શરૂ થાય છે અને પેલા કાર્યકર્તા ભાઈ એક પત્રિકા વાંચે છેઃ “આપણા શહેરના અગ્રગણ્ય નાગરિક, જાણીતા ઉદ્યોગપતિ, સુપ્રસિદ્ધ દાનવીર અને આપબળે આગળ આવેલા શેઠ નંદનંદનના શોકજનક અવસાન બદલ શોક પ્રદર્શિત કરવા શહેરીઓની એક જાહેર સભા ગુરુવારે સાંજના છ વાગતાં સભાગૃહમાં મળશે.” (કાગળને વાળતાં) આજની આ સભાનું પ્રમુખસ્થાન શ્રી ભાઈસાહેબને લેવાની હું વિનંતી કરું છું. શ્રી ભાઈસાહેબની ઓળખ શહેરને આપવાની જરૂર હું જોતો નથી. છેલ્લાં ત્રીસ વર્ષની શહેરની કોઈ પણ કલ્યાણકારી પ્રવૃત્તિનાં પ્રેરણા અને સંચાલન શ્રી ભાઈસાહેબે જ કર્યાં છે અને શેઠ નંદનંદન સાથે પણ એમને અત્યંત નિકટનો સંબંધ હતો. (પોતાનું સ્થાન લે છેઃ શ્રોતાગણમાંથી એકાદ તાળી પડી જાય છે.) નાગરદાસઃ પ્રમુખસ્થાન માટે શ્રી ભાઈસાહેબની જે દરખાસ્ત મૂકવામાં આવી છે તેને હું ટેકો આપું છું. (શ્રી ભાઈસાહેબ અધ્યક્ષસ્થાન લે છે. ખિસ્સામાંથી કાગળિયાં તથા ચશ્માંનું ઘર કાઢે છે. વ્યવસ્થિત રીતે ચશ્માં પહેરી કાગળ તરફ નજર નાખે છે; પડખે બેઠેલા કાર્યકર્તા સાથે કંઈક મસલત કરી લે છે; ત્યાર બાદ પોતાનું વક્તવ્ય શરૂ કરે છે.) ભાઈસાહેબઃ ભાઈઓ તથા બહેનો, સ્વર્ગસ્થ શેઠ નંદનંદનભાઈ સાથેનો મારો સંબંધ જોતાં, આજની સભામાં એમને વિશે કાંઈ બોલવું એ મારે માટે અઘરું કામ છે. દુનિયામાં જન્મેલાં સહુ કોઈ જીવતાં નથી. સહુને મૃત્યુને ભેટવાનું છે જ. પાછળ તો વ્યક્તિએ જીવનની જે સુવાસ મૂકી હોય તે જ જીવે છે. અને ખરી રીતે જીવવાનો અધિકાર પણ એને જ છે. શેઠ નંદનંદનભાઈએ પોતાના પુરુષાર્થથી એ અધિકાર મેળવ્યો હતો. એમના પુરુષાર્થનો હું સાક્ષી રહ્યો છું. મારો અને એમનો સંબંધ આજકાલ કરતાં ત્રણ દાયકા થયા ખૂબ ગાઢો અને નિકટનો રહ્યો છે. અને મારી એ દૃઢ માન્યતા છે કે નંદનંદનભાઈના જીવનની સુવાસ એવી છે કે નંદનંદનભાઈની સ્મૃતિ ગુજરાત અને એમાં પણ ખાસ કરીને આપણા શહેરમાં તો હરેક શહેરીના હૈયામાં કોતરાયેલી રહેશે. ઘણી નીચી કક્ષામાંથી એમણે શરૂઆત કરી અને પોતાના જ પુરુષાર્થથી એ પ્રથમ હરોળમાં પહોંચ્યા. એમને એમની સફળતા વિશે ગુમાન ન હતું. પણ પ્રયત્ન… (અચાનક રંગમંચ પર અંધારું થઈ જાય છે. પ્રેક્ષકોમાં થોડી ચણભણ થાય છે. પણ પ્રસંગની ગંભીરતાનો ભાર એમને વર્તનની મર્યાદામાં જકડી રાખે છે. રંગમંચ પર પ્રકાશ પડે છે ત્યારે પહેલાં તો આંખ અંજાઈ જાય છે, અને ત્યાર બાદ વિસ્મયના ઉદ્‌ગાર નીકળી પડે છે, કારણ કે રંગમંચ પર હવે પેલું સભાગૃહ દેખાતું નથી, ત્યાં તો એક વિશાળ રાજમાર્ગ નજરે ચઢે છે. સ્ફટિકના સ્તંભોની વૈવિધ્યભરી હાર વચ્ચેથી લંબાતો રાજમાર્ગ ખૂબ જ સ્વચ્છ છે.) (પ્રેક્ષકોનો વિસ્મય જરા કોઠે પડે એટલામાં શેઠ નંદનંદન દાખલ થાય છે.) નંદનંદનઃ આ તે કાંઈ રીત છે? કયા માણસ જોડે કેવી રીતે વાત કરવી એનો વિવેક પણ છે કે નહિ? (નંદનંદની પાછળ આવતો – એટલે કે નંદનંદનને આગળ કરતો એક પડછંદ પાર્ષદ જવાબ આપે છે.) પાર્ષદઃ માણસ કેવો છે એની ખબર તો હમણાં જ પડી જશે. નંદનંદનઃ એટલે? વાત કરતાં આવડે છે કે નહિ? કોણ છે તારો સાહેબ? પાર્ષદઃ સાહેબ અને એવું બધું તો રહ્યું. તમે જ્યાંથી આવ્યા ત્યાં. નંદનંદનઃ ત્યારે અહીંયાં શું છે? પાર્ષદઃ મામાનું ઘર કાંઈ છેટું નથી. નંદનંદનઃ મારે ત્યાં કોઈ માણસ આમ બોલે તો ચાર તમાચા મારીને કાઢી મૂકું. પાર્ષદઃ એ બધું તમને હમણાં જ યાદ આવી જશે. નંદનંદનઃ બેવકૂફ! પણ હજુ કોઈને મને લેવા પણ નથી મોકલ્યો? પાર્ષદઃ કેમ, હું આવ્યો છું ને? (પાસેથી એક પાલખી પસાર થાય છે.) નંદનંદનઃ અરે અહીં કોણ બેવકૂફ કામ કરે છે? પેલાને પાલખી અને હું પગપાળો? એને ઓળખે છે? નોકર હતો નોકર, મારે ત્યાં! પાર્ષદઃ જેને તમે ચાર તમાચા માર્યા હતા તે જ ને? નંદનંદનઃ ના ના, એ નહિ; આ તો મારી મિલમાં કામ કરતો હતો. હમણાં ત્રણ દિવસ પર જ પટો ચડાવતાં પટામાં આવી ગયો હતો; એને પાલખી? પાર્ષદઃ હાસ્તો; એને બિચારાને પગ જ ક્યાં છે? નંદનંદનઃ એમાં પગનો નહિ, પ્રતિષ્ઠાનો સવાલ હોવો જોઈએ. પાર્ષદઃ કઈ પ્રતિષ્ઠા? નંદનંદનઃ ક્યાંનો ઓડુ મળ્યો છે! કજાત, માણસને ઓળખતો જ નથી! પાર્ષદઃ જાત-કજાતની કસોટી માટે જ તમે જઈ રહ્યા છો! નંદનંદનઃ જઈ રહ્યા છો? એટલે? તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? પાર્ષદઃ કોઈ કોઈને લઈ જઈ નથી રહ્યું. માણસ મરે એટલે એને એના જીવનમાં પાપપુણ્યનો સરવાળો સમજી લેવા ચિત્રગુપ્તના દરબારમાં આવવું પડે. નંદનંદનઃ ચિત્રગુપ્ત? કોણ છે ચિત્રગુપ્ત? પાર્ષદઃ હમણાં ખબર પડી જશે. નંદનંદનઃ તેં કહ્યું કે પાપપુણ્યનો સરવાળો થાય; પછી શું થાય? પાર્ષદઃ બાદબાકી અને પછી ગુણાકાર; પણ એની તો તમને હમણાં જ ખબર પડી જશે. એટલે ઝાઝું કહેવાની જરૂર નથી. નંદનંદનઃ ચિત્રગુપ્તના દરબારમાં વિવેક તો નથી જ. માણસની આમન્યા કેમ રાખવી એ પણ કોઈ જાણતું નથી લાગતું. અને વર્તનમાં અન્યાય પણ ભારે છે. પાર્ષદઃ કેમ વારુ? નંદનંદનઃ જો ને, પેલાને પાલખી અને હું પગપાળો! ખબર છે તને હું કોણ છું એ? પાર્ષદઃ એ મારે જાણવું નથી, પણ તમારું શું થશે એ હું જાણું છું. નંદનંદનઃ શું થશે? પાર્ષદઃ દેવાધિદેવને મોંએથી જ સાંભળજો ને! (રંગમંચ ઉપર અંધકાર છવાય છે. ફરીથી પ્રકાશ થાય છે ત્યારે સભાગૃહ નજરે ચડે છે. વક્તા તરીકે શ્રી ઉત્તમચંદ ભાષણ કરતા હોય છે.) ઉત્તમચંદઃ હું આપને સ્વર્ગસ્થ શેઠ નંદનંદને પોતાના જીવનની કારકિર્દી કેવા કપરા સંજોગોમાં શરૂ કરી હતી અને આપબળે, ખંત અને પ્રામાણિકતાથી એ કેવી રીતે આગળ વધ્યા તે કહેવા માગું છું. આ શહેરનાં વૃદ્ધ સ્ત્રીપુરુષોને હજુય એક જુવાનનો ચહેરો યાદ હશે. એ જુવાન ફેરી કરતો હતો; જે મળી શકે તેની ફેરી કરતો. પોતાના હસમુખા ચહેરાથી એણે લોકોનાં મન હરી લીધાં હતાં. એની વેપારી કુનેહ અને વહેવારુ બુદ્ધિથી એણે અનેક વેપારીઓની પ્રીતિ સંપાદન કરી હતી. અને ફેરીનાં બેત્રણ વર્ષ બાદ એણે નાનકડી દુકાન ખોલી. એ હતી સ્વર્ગસ્થ શેઠ નંદનંદનના વેપારી જીવનની શરૂઆત… (અંધારું) (પ્રકાશ થાય છે ત્યારેે ચિત્રગુપ્તના દરબારમાં શેઠ નંદનંદન ઊભેલા છે.) નંદનંદનઃ એ વાતો કરવાનો તમને હક શો છે? હું જે કમાયો છું તે મારા કાંડાબાવડાના જોરે, બુદ્ધિના જોરે કમાયો છું. ચિત્રગુપ્તઃ માત્ર તમારી પોતાની શક્તિથી જ? નંદનંદનઃ હા હા, મારી પોતાની શક્તિથી જ. ચિત્રગુપ્તઃ જુઓ, આવી બાબતોમાં સ્પષ્ટ રીતે જે બન્યું હોય તે કહી દેવું, એ તમારા પોતાના હિતની વાત છે. નંદનંદનઃ એટલે તમે એમ કહેવા માગો છો કે હું જૂઠું બોલું છું? ચિત્રગુપ્તઃ કદાચ તમારી આખી જિંદગીમાં તમે આ પહેલી જ વાર સાચું બોલ્યા. નંદનંદનઃ આ અપમાન હું નહિ સહન કરી શકું. ચિત્રગુપ્તઃ અપમાનની વાત ન કરો. નંદનંદન! તમારા જીવનની, તમારા મનની એક એક ઝીણામાં ઝીણી અને ખાનગીમાં ખાનગી વિગતની અહીં અમને જાણ છે. તમે પોતે એ કહી દો અને કબૂલ કરી દો એ તમારા પોતાના ફાયદાની વાત છે એ હું તમને ફરીથી કહું છું. નંદનંદનઃ મારે કાંઈ કહેવું નથી અને કશું સાંભળવું પણ નથી. ચિત્રગુપ્તઃ ભલે, જેવી તમારી ઇચ્છા. (પાર્ષદને) જા, પેલા ભોગીલાલને બોલાવી લાવ જોઉં. (પાર્ષદ જાય છે.) નંદનંદનઃ ભોગીલાલ? ચિત્રગુપ્તઃ એમ? ત્યારે હજુ તમને એની યાદ છે ખરી? નંદનંદનઃ ભોગીલાલ! ભોગીલાલ? અહીં ક્યાંથી? કેમ કરીને અહીં આવ્યો? ચિત્રગુપ્તઃ તમે અહીં આવવાના છો એ સમાચાર મળ્યા એટલે એને તુરત જ હાજર રાખ્યો. આ આવી પહોંચ્યા ભોગીલાલ. નંદનંદનઃ (ભોગીલાલને જોઈ રહેતાં) ભોગીલાલ, ભોગીભાઈ! ભોગીલાલઃ હા, નંદનંદન શેઠ, ઓળખાણ પડી ખરી! નંદનંદનઃ ભાઈ, તમે અહીંયાં? ભોગીલાલઃ શું કરીએ, ભાઈ? આ એક એવી જગ્યા છે જ્યાં નાના-મોટા ગરીબ-તાલેવાન સહુને આવવાનું હોય છે. નંદનંદનઃ ભોગીલાલ, શું કહેવું એ જ મને સમજાતું નથી. ચિત્રગુપ્તઃ લ્યો ને, હું સમજણ પાડું. નંદનંદનઃ બેની વાતમાં તમે નાહકના શું કામ માથું મારો છો? પાર્ષદઃ કેમ, દુનિયાની ખુમારી હજુ ઊતરી નથી? ચિત્રગુપ્તઃ નંદનંદન, તમે કહ્યું હતું કે તમે જિંદગીમાં આપબળે આગળ આવેલા, ખરું? નંદનંદનઃ હા, તદ્દન ખરું. ચિત્રગુપ્તઃ આ ભોગીલાલના દેખતાં પણ તમે એમ જ કહેશો? નંદનંદનઃ એ અમારે બેએ જોવાનું છે. પાર્ષદઃ અહીંયાં કોઈ ‘અમે’ નથી. અહીં છીએ માત્ર ‘હું’ અને ‘તું’! નંદનંદનઃ કેવો નાલાયક છે! સ્વાર્થી! ચિત્રગુપ્તઃ નંદનંદન, તમારા સિવાય એ શબ્દો બોલવાનું બીજા કોઈનું ગજું નથી, કારણ કે સ્વાર્થને સારુ મિત્રને ગરદન મારનાર… નંદનંદનઃ એ ખોટી વાત છે. મેં… ભોગીલાલઃ મેં પણ એમ ક્યાં કહ્યું છે? મેં તો એટલું જ કહ્યું કે તમે જેને આપબળ કહો છો તેની પાછળ બેત્રણ વરસના સંબંધમાં તમે ઉચાપત કરેલા મારા દશ હજાર રૂપિયા હતા. નંદનંદનઃ પણ… પણ… ચિત્રગુપ્તઃ હજુય હું તમને કબૂલ કરી દેવા કહું છું. અંતે તો તમારે કબૂલ કરવાનું જ છે. નંદનંદનઃ પણ એમાં મારી દાનત ખોટી ન હતી. મારી પાસે પૈસા થાય એટલે તુરત જ એ ભોગીલાલને પાછા આપવા માગતો હતો, પણ ત્યાં તો ભોગીલાલ ગુજરી ગયા. ચિત્રગુપ્તઃ એટલે પછી તો તમને અવકાશ જ ન મળ્યો, પૈસા પાછા આપવાનો, ખરું ને? નંદનંદનઃ હા… ના… (અંધારું) (પ્રકાશ થાય છે. સભાગૃહ દેખાય છે. વક્તા તરીકે રાજેશ્રી અગ્નિકુમાર ભાષણ કરતા હોય છે.) અગ્નિકુમારઃ સજ્જનો, સહુ કોઈને મોંએ આપણે સાંભળીએ છીએ કે પ્રામાણિકતા એ જ જીવનવહેવારનો પાયો હોવો જોઈએ. પ્રામાણિકતાનો અર્થ માત્ર રૂપિયા આના પાઈની લેવડદેવડ એટલો જ ન કરવો જોઈએ. કૈલાસવાસી નંદનંદન શેઠે આ વસ્તુને જીવનમાં આચરી બતાવી હતી. કેટલાક પ્રસંગોનો તો હું સાક્ષી રહ્યો છું. કોઈની પણ ખોટી પાઈ પોતાને ત્યાં રહી જાય એનું એમને ભારે દુઃખ હતું. અને એના ખરા હકદાર માલિકને શોધી કાઢીને એને એ રકમ ન પહોંચાડે ત્યાં લગી એમને ચેન ન’તું પડતું. કેટલાંય અનાથ બાળકોની મિલકત કે વિધવાઓની પૂંજી એમને ત્યાં અનામતરૂપે રહેતી અને એમાંના એકેએકની એ અંતરની દુવા પામતા. ગીતાનો આદર્શ તો એમણે જીવનમાં ઉતાર્યો હતો… (અંધારું) (પ્રકાશ થાય છે ત્યારે ચિત્રગુપ્તનો દરબાર દૃષ્ટિસંમુખ આવે છે.) નંદનંદનઃ જૂઠી વાત, સાવ જૂઠી વાત. મૂળી ડોશીઃ આખી જિંદગી એને જૂઠી વાત મનાવી. પણ અહીં તો કબૂલ કર્યે જ છૂટકો છે. નંદનંદનઃ પણ શું કબૂલ કરું? તમારું કપાળ? ચિત્રગુપ્તઃ નંદનંદન, તમારે ત્યાં અનેક જણ અનામત મૂકવા આવતા એ તો ખરું ને? નંદનંદનઃ હાસ્તો, એ તો શાખ વધારે એટલે સહુ કોઈ મૂકી જાય; મારે તો ઉપરથી નાગ જેમ એની ચોકી કરવાની. મળતરમાં આવી બદનામી. મૂળી ડોશીઃ નંદુભાઈ, તમને મેં આવા નો’તા ધાર્યા. નંદનંદનઃ મૂળીબાઈ, તમે મને શું ધાર્યો’તો એ સાથે હું કેટલી નિસ્બત ધરાવી શકું? મારે બીજું પણ કામ કરવાનું છે કે નહિ? ચિત્રગુપ્તઃ બીજાં કામ એટલે તો ધનપ્રાપ્તિનું ને? અર્થોપાર્જનનું જ ને? નંદનંદનઃ હાસ્તો, જે જવાબદારી હોય તે તો અદા કરવાની જ ને? ચિત્રગુપ્તઃ હું એ જ કહેતો હતો! અહીં, એ ખુશાલ થતું હતું. આ અનામત રાખવી એ પણ એક અર્થોપાર્જન જ હતું ને? કેટલાને તમે મૂડી પાછી આપી? કેટલાને ખરો અવેજ પાછો આપ્યો? કેટલાના ડબ્બા તમે ઓળવ્યા? નંદનંદનઃ આ ખોટી વાત છે. ચિત્રગુપ્તઃ આ મૂળીબાઈનાં નાણાં તમે પાછાં આપેલાં. નંદનંદનઃ ના, કારણ કે એ નાણાં એમનાં હતાં જ નહિ! મૂળી ડોશીઃ ત્યારે કોનાં હતાં? નંદનંદનઃ ધર્માદાનાં; મૂળી ડોશીએ એમ કહીને જ મૂક્યાં હતાં. મૂળી ડોશીઃ નરદમ જૂઠાણું છે; એવું મેં કહ્યું જ નથી. નંદનંદનઃ એમાં કહેવાની જરૂર શી? કોઈનો વંશવારસ હોય નહિ તો એનું ધન તો ધર્માદાનું જ કહેવાય ને? ચિત્રગુપ્તઃ એટલે કે એના વારસ અને ઉપભોગ કરનાર તમે, ખરું ને? નંદનંદનઃ તમે લોક માત્ર એક જ વિચાર કરો છો; એની જવાબદારી પણ સમજી લેવી જોઈએ. ચિત્રગુપ્તઃ કોઈની આખી જિંદગીની કમાણી તમે ઓળવી લો અને એને ભૂખે મરવાનો વારો આવે એવો વિશ્વાસઘાત કરો, એ જ તમારી જવાબદારીને? નંદનંદનઃ મને અહીં ન્યાય મળે એમ લાગતું નથી. ચિત્રગુપ્તઃ કારણ કે તમે સાચો ન્યાય શો છે એ સમજતા નથી. (અંધારું) (પ્રકાશ, સભાગૃહ, શ્રી ચેતન વ્યાખ્યાન આપતા હોય છે.) ચેતનઃ આપણા મનમાં એક માન્યતા એવી દૃઢ થઈ છે કે દુનિયામાં માણસ જ્યારે કશું સત્કાર્ય કરે છે ત્યારે એની પાછળ એના મનમાં કીર્તિનો કે એવા કશાનો મોહ કામ કરતો હોય છે. નિર્ભેળ સેવા જાણે આ દુનિયાની નહિ, પણ અન્ય કોઈ દુનિયાની વસ્તુ હોય એવી જ માન્યતા બંધાઈ ગઈ છે. સ્વર્ગસ્થ શેઠ નંદનંદન આમાં અપવાદરૂપ હતા એમ મારી જાતમાહિતી ઉપરથી હું કહી શકું એમ છું. કીર્તિની લાલસા કે દુનિયાની વાહવાહ એ એમની સખાવતોનું કારણ ન હતું. નંદનંદનભાઈએ દુનિયાની લીલી અને સૂકી બંને જોઈ હતી, જીવનમાં ટાઢ અને તાપ બંને એમણે વેઠ્યાં હતાં. વસંત અને પાનખર બંને એમણે અનુભવ્યાં હતાં. એ અનુભવે એમનામાં સહાનુભૂતિ પ્રેરી હતી. કોઈના દુઃખ પર પોતાનો કીર્તિમિનાર રચવાની આકાંક્ષા એમણે રાખી ન હતી. એ કહેતાઃ કોઈનુંય દુઃખ તલભાર પણ હું ઓછું કરી શકું. એના જેટલો લાભ મને આ જિંદગીમાં બીજો શો મળવાનો છે? મળી છે તે સંપત્તિનો ઉપયોગ જ એ માટે થઈ શકે તો એના જેવું બીજું કયું સાર્થક હોઈ શકે? અને એટલે જ એમણે ખુલ્લે હાથે, ઉદાર દિલે, વ્યક્તિ કે સંસ્થા, સહુને નભાવ્યા છે. આજે જો નંદનંદન શેઠની હૂંફાળી છાંય ગુમાવી હોય તો એ પેલાં સમાજે તિરસ્કારેલાં અનાથોએ ગુમાવી છે. (અંધારું) (પ્રકાશ, ચિત્રગુપ્તનો દરબાર) ચિત્રગુપ્તઃ ત્યારે તમારું દાન કીર્તિદાન ન હતું, એમ? નંદનંદનઃ કીર્તિ તો મને એટલી મળી કે મારે એને ખરીદવા જવું ન’તું પડતું. ચિત્રગુપ્તઃ ત્યારે તમારા દાન પાછળનો હેતુ શો હતો? નંદનંદનઃ તમેય કેવો સવાલ કરો છો? દાન પાછળ શો હેતુ હોતો હશે? દુઃખ દેખી ન ખમાય ત્યારે એને ઓછું કરવા કોશિશ કરીએ; બે પૈસા આપી છૂટીએ. ચિત્રગુપ્તઃ પણ દુઃખ દેખી ન ખમાય એ સ્થિતિ ક્યારે આવે? નંદનંદનઃ માણસ હોય અને એને દિલ હોય તો એ સ્થિતિ આવવાની રાહ જ જોવી ન પડે. ચિત્રગુપ્તઃ એમ ને? (વાત બદલતાં) તમે માલતીને તો ઓળખતા જ હશો? નંદનંદનઃ માલતી? તમે શું બોલો છો? ચિત્રગુપ્તઃ સ્મૃતિને તાજી કરી જુઓ; તમારા બંગલાની પડોશમાં જ એક કુટુંબ રહેતું હતું. ત્યાં વિધવા પુત્રવધૂ હતી. (થોડી વાર અટકી જઈ) હજુ વધારે કહું? સ્મૃતિ તાજી કરવા? નંદનંદનઃ તાજી થઈ હવે. એનું શું છે? ચિત્રગુપ્તઃ મારે એટલું જ કહેવું છે કે અનાથાશ્રમ સાથેનો તમારો સંબંધ માલતી સાથેના તમારા સંબંધને લઈને હતો. ત્યાર બાદ તો તમે વિધવાશ્રમનેય સહાય કરી – આવા જ કારણે. નંદનંદનઃ તમે તો જાણે એવું દેખાડવા મથો છો કે મેં દુનિયામાં મોટું પાપ આચર્યું છે! ચિત્રગુપ્તઃ પાપની તમારી વ્યાખ્યા શી હશે એ હું નથી જાણતો; બાકી આ માલતીની વારંવાર થતી કફોડી દશામાં તમારા હિસ્સાનો જ્યારે તમને ખ્યાલ આવ્યો ત્યારે તમે અનાથાશ્રમને સહાય કરવા માંડી, એટલી તો સાચી હકીકત છે ને? નંદનંદનઃ આ બદલ તો ઊલટો માણસને સરપાવ આપવો જોઈએ. ચિત્રગુપ્તઃ સરપાવ તો તમને મળ્યો જ છે! જીવતા અને મૂઆ બાદ પણ દુનિયા તમને દાનવીર કહે છે એટલો સરપાવ ઓછો છે? નંદનંદનઃ વ્યંગ અને કટાક્ષ બંને સમજાય એવી ચીજો છે, પણ એને હું પાપ માનતો નથી. ઊલટું, ગીતાનો સારબોધ જીવનમાં ઉતાર્યાનું વાજબી અભિમાન… પાર્ષદઃ કર્મયોગીનો આદર્શ! (અંધારું) (પ્રકાશ, સભાગૃહ) (દેશપ્રિય શક્તિશરણ વ્યાખ્યાન કરે છે.) શક્તિશરણઃ આપણા દેશમાં પૈસાદારોનું રાજકારણ એક જુદી જ વસ્તુ છે. એમનો પરમમાં પરમ સિદ્ધાન્ત, સ્વાર્થસાધનાનો હોય છે. ધણીને ધા કહેવી અને ચોરને નાસી જવાની સહુલિયત કરી આપવી એવું એમનું વર્તન હોય છે. લોકલાગણીનો લાભ ઉઠાવવો એને જ એમણે દેશસેવા માની હોય છે. આવા સંજોગમાં સદ્‌ગત નંદનંદનનો રાષ્ટ્રપ્રેમ, એમની જ્વલંત દેશભક્તિ, એમની સિદ્ધાન્તનિષ્ઠા અને દાનશૂરતા એ સાચે જ અપ્રતિમ હતાં. ભોગ આપવાની વાતથી એ કદી પણ ડગ્યા નથી. અપમાન વેઠીને ટુકડો સ્વાર્થ સાધવાને એ ક્યારેય તૈયાર ન’તા. માથામાં વાગે એવો જવાબ એ આપતા, રાષ્ટ્રપ્રેમનાં જ્વલંત ઉદાહરણ એમના વ્યવહારમાં આપણને ઠામ ઠામ નજરે મળી આવશે. (અંધારું) (પ્રકાશ. ચિત્રગુપ્તનો દરબાર) ચિત્રગુપ્તઃ નંદનંદનભાઈ, હવે આપણે તમારી દેશસેવાની વાત કરીએ. નંદનંદનઃ એમાં વાત કરવા જેવું શું છે? મારી ફરજ હતી અને એ મેં બજાવી. ચિત્રગુપ્તઃ બરાબર છે, તમારી અને સહુની ફરજ હતી. માત્ર શું બજાવ્યું્ એ જ સવાલ છે. નંદનંદનઃ દેશસેવકોએ શરૂ કરેલા ફંડફાળામાં પૈસા આપવામાં મેં ક્યારે પણ આનાકાની કરી નથી. અરે, એના વહીવટ વિશે પણ મેં એક સખુન નથી કાઢ્યો! મેં તો પૈસા આપી દીધા, પછી એમને કરવું હોય તે કરે! ચિત્રગુપ્તઃ પણ તમે કાંઈ એકલા દેશસેવકોને જ પૈસા ન’તા આપતા. સરકારી અમલદારોને પણ સારી પેઠે પૈસા આપતા હતા. નંદનંદનઃ ખરી વાત છે. તમારા જેવાઓને આ અજુગતું લાગે છે. કારણ કે તમે લોક વહેવારુ નથી, દુનિયામાં રહેતાં તમે આવડતું નથી. દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે. અને ખપ પડે એ બધી વસ્તુને એની કિંમત હોય છે. મફત મળે એ હવાપાણીથી પેટ ઓછું ભરાય છે? ચિત્રગુપ્તઃ ત્યારે આ ફંડફાળા તો જીવતરની કિંમત ચૂકવવાના સવાલ જેવા જ ને? નંદનંદનઃ એમાં ખોટું શું? અને એ બહાને મારા થોડાઘણા દેશવાસીઓને સહાયભૂત પણ થતો. ચિત્રગુપ્તઃ પેલી સ્વદેશીની ચળવળનું શું? નંદનંદનઃ એના પ્રચાર પાછળ મેં લાખો રૂપિયા ખર્ચ્યા છે. દેશ જો બધું સ્વદેશી વાપરતો થાય તો પરદેશી સત્તાની પકડ આપોઆપ તૂટી જાય! ચિત્રગુપ્તઃ આમાં સરવાળે કેટલો નફો થયો? સ્વદેશીની ભાવના અંગે તમારાં કારખાનાંને કેવુંક ઉત્તેજન મળ્યું? નંદનંદનઃ એ તો સાદા અર્થશાસ્ત્રનો સવાલ છે. માગ જાગે એટલે પુરવઠો મળી રહે. ચિત્રગુપ્તઃ અને ક્યારેક માગને ઊંઘમાંથી ઢંઢોળીને જગાડવી પડે! નંદનંદનઃ હા, એમ પણ બને! ચિત્રગુપ્તઃ સ્વદેશીને નામે તમે બધું સ્વદેશી જ આપેલું? નંદનંદનઃ સ્વદેશીની તમે કેટલી સાંકડી-સંકુચિત વ્યાખ્યા કરો છો! ચિત્રગુપ્તઃ તો, તમે વેચો તે બધું સ્વદેશી, એવી વ્યાખ્યા તમને માફક આવશે? નંદનંદનઃ એ તો ઠીક છે; બાકી પ્રજાની જરૂરિયાત પૂરી પાડવી એ મારી કાયમની નેમ રહી છે. ચિત્રગુપ્તઃ તો પછી તમે કાળાંબજાર કેમ કર્યાં? નંદનંદનઃ સાચે જ તમારા જેવા સમજુ માણસ આમ બોલે છે ત્યારે મને કાળ વ્યાપે છે. પહેલી વાત તો એ છે કે બજારમાત્ર કાળું છે, ધોળાં બજાર તો હૈયાફૂટાઓની કલ્પનાનો વિષય છે. બીજી વાત એમ છે કે એમ કરીને દેશની વસ્તુ દેશમાં જ રહેવા દીધી એનો ગુણ તમારા હૈયામાં વસતો નથી. અને ત્રીજી વસ્તુ એ છે કે તમને પડેલા પડદા ઊંચકવાનો નકામનો શોખ ભારે લાગે છે; હું તો હંમેશા કહેતો કે ભાઈઓ, થઈ ગયું તે થઈ ગયું, હવે પછીની વાત કરો. ચિત્રગુપ્તઃ તમે તો કાળાંબજારસંહારક સમિતિમાં હતા, ખરું ને? નંદનંદનઃ એનો પ્રમુખ હતો. ચિત્રગુપ્તઃ એ વધુ સારું. અને તમે તો વહેવારુ રહ્યા. તમારી સમિતિએ કામ કરવું હોય તો કાળાંબજાર હોવાં જ જોઈએ. નહિ તો તમે સંહાર શેનો કરો? નંદનંદનઃ સાચું કહ્યું. ખરું પૂછો તો હવે મને તમારા વિશે કાંક શ્રદ્ધા બંધાતી જાય છે. મારો સહવાસ મળશે તો તમને હું વહેવારુ તો બનાવી શકીશ. ચિત્રગુપ્તઃ હું દિલગીર છું, પણ મને એ લાભ નહિ મળી શકે. નંદનંદનઃ કારણ? ચિત્રગુપ્તઃ કારણ કે તમારો મુકદમો પૂરો થયો. હવે ફેંસલાનો વારો આવ્યો. નંદનંદનઃ શેનો ફેંસલો? પાર્ષદઃ પેલી મેં કહી હતી એ બાદબાકી. તે પતી, હવે આવ્યો ગુણાકારનો વારો. (અંધારું) (પ્રકાશ, સભાગૃહ, ભાઈસાહેબ ઉપસંહાર કરતા હોય છે.) ભાઈસાહેબઃ આવા એક વીર પુરુષને ગુમાવ્યાથી શહેર આજે ભાંગેલું જણાય છે. જાય છે તેની જગ્યા પૂરવા માટે નાખી નજરે પણ માણસ મળતા નથી, એટલું જ માત્ર દુઃખ નથી, દુઃખ તો એ છે કે માણસનું મન સાંકડું થતું જાય છે. સમષ્ટિના કલ્યાણની ભાવના આજે પુસ્તકો પર જ રહી છે. પણ મને એનુંય દુઃખ નથી, એક રીતે હું કહું તો ઉપનિષદના પરમ આદર્શ त्यक्तेन भुञ्जीथाःનો એક નમૂનો આપણા જીવનમાં આપણને વૈકુંઠવાસી નંદનંદનમાં જીવતો જોવા મળ્યો, એને આપણું પરમ સૌભાગ્ય સમજવું જોઈએ. સ્મારકનો વિચાર અહીં સભામાં થયો. અને જે ભાઈઓએ ઉત્સાહભેર એ કામ ઉપાડ્યું છે તે જોતાં એ સુયોગ્ય રીતે પાર પડશે એ વિશે પણ મને જરાકે શંકા નથી. અંતમાં મને બાઇબલનું પેલું વાક્યઃ સોયના નાકામાંથી ઊંટ પસાર થાય, પણ સ્વર્ગના દ્વારમાંથી ધનવાન પસાર થઈ શકે નહિ, એ યાદ આવે છે: પણ સદ્‌ગત નંદનંદને એ ખોટું પાડી બતાવ્યું. જીવીને જીવનની સાંકડી ઘાંટીમાંથી, કાજળની કોટડીમાંથી એ જાત બચાવીને બહાર નીકળી ગયા. સોયના નાકાના એક અપવાદને પરમાત્મા અમર અને ચિરશાંતિ આપો. (અંધારું) (પ્રકાશ થાય છે ત્યારે રંગમંચનું સભાગૃહ ખાલી છે, પ્રેક્ષકગૃહમાંથી બહાર નીકળતા તમાશબીનો ખાલી ખુરશીઓ પાસે અટવાતા પેલા શોકસભાના નિમંત્રણને કશીય લાગણી વિના જોઈ રહે છે.)

(પડદો પડે છે.)

(જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકીઓ)