ગુજરાતી એકાંકીસંપદા/હંસા

From Ekatra Wiki
Revision as of 06:04, 25 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Replaced content with "{{SetTitle}} {{Heading|{{color|red|હંસા}}<br>{{color|blue|બટુભાઈ ઉમરવાડિયા}}}} {{center block|title='''પાત્રો'''| '''હ...")
Jump to navigation Jump to search
હંસા
બટુભાઈ ઉમરવાડિયા
પાત્રો

હંસા
વિમળા
ઉર્સુલા
સુરમા
ધીમન્ત
નરેશ
જગદીશ
નોકર

પ્રવેશ ૧

(સમયઃ સવારના અગિયાર, સ્થળઃ નરેશના ઘરનો એક ઓરડો. હંસા ફૂલાદન ગોઠવતી હોય છે એટલામાં ધીમન્ત પ્રવેશ કરે છે.)

હંસાઃ આવો. મઝામાં છો?
ધીમન્તઃ કેમ નરેશ બહાર ગયો છે?
હંસાઃ હા, પણ બેસો ને, ઑફિસે ગયા છે તે હમણાં આવશે. આઠ વાગ્યાના ગયા છે.

(બેઉ બેસે છે. જરા વાર પછી.)

ધીમન્તઃ પછી તમે વસન્ત-ઉત્સવમાં ગયાં હતાં કે? મારાથી તો ન જવાયું.
હંસાઃ (જરા વિચાર કરી) ના, મારાથી પણ નહોતું જવાયું.
ધીમન્તઃ કેમ વિચારમાં પડ્યાં?
હંસાઃ ના, અમસ્તું જ. હું નહોતી ગઈ.
ધીમન્તઃ નરેશ પણ નહોતો ગયો? એ તો ગયો જ હશે.

(હંસા ધીમન્તની સામે જુએ છે.)

હંસાઃ હા, એ ગયા હતા.

(હંસાના મોં ઉપરના ભાવો સહેજ બદલાય છે. ધીમન્ત તે જુએ છે.)

ધીમન્તઃ (ઉતાવળે) તમને ખોટું લાગ્યું? માફ કરજો, હં. મેં તો અમસ્તું જ પૂછ્યું હતું. બધા લોકો એ જ વાત કરે છે એટલે મેં પણ સહેજ પૂછ્યું. મને ખબર નહિ કે તમને…

(ધીમન્તનું વાક્ય અધૂરું જ રહે છે. ધીમન્તને લાગે છે કે હંસા તે સાંભળતી નથી. બેઉ થોડી વાર ચૂપ રહે છે. ધીમન્ત ટેબલ પર પડેલાં છાપાં પર નજર ફેરવે છે.)

હંસાબેન, આ જાણ્યું? ફરી વાર લડાઈ થવાની વકી છે.
હંસાઃ હશે.

(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે. ધીમન્તને સહેજ દિલગીરી થાય છે.)

ધીમન્તઃ તમારું શરીર સારું નથી?
હંસાઃ (સહેજ હસીને) ના, તદ્દન સારું છે, કેમ?
ધીમન્તઃ કેમ શું? છેલ્લી લડાઈ પછી તો નાનું બાળક પણ લડાઈના નામથી ત્રાસી ઊઠે છે. ને તમે તે જાણે કોઈએ કહ્યું હોય કે આજે દશમ છે ને; હશે, કહો તેમ બોલો છો.
હંસાઃ પણ એવી વાતમાં મને શી સમજ પડે? એ બધા દેશોનાં નામો પણ મને તો પૂરાં નથી આવડતાં, તો પછી…