ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…

From Ekatra Wiki
Revision as of 04:46, 31 December 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…| }} <poem> મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત ગૂજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત ગૂજરાત મોરી મોરી રે. સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, રેવાનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…

મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી
ગૂજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં.
ગૂજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે;
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે!
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે
ગૂજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ-શાં સુખડૂબ્યાં જોડલે
ગૂજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી?
ગૂજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
ગૂજરાત મોરી મોરી રે.

૨૮-૧૧-૧૯૩૪
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૩૨)

*