ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ચમકે ચાંદની

From Ekatra Wiki
Revision as of 07:17, 31 December 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચમકે ચાંદની|}} <poem> આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે, કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે. કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે, એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે. આ તડક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચમકે ચાંદની

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઊછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.

૯-૪-૧૯૫૩ (સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)