ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/જઠરાગ્નિ


જઠરાગ્નિ

ઉમાશંકર જોશી



રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!

રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!

એપ્રિલ ૧૯૩૨

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)