ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/થોડો એક તડકો

Revision as of 05:24, 2 January 2023 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|થોડો એક તડકો|}} <poem> થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી. કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં, છૂપા હતા દૂર દૂર રવિરાયા, સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા. ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી, થોડો એક તડકો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


થોડો એક તડકો

થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી.
કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા.
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાંની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊ઼ડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો!
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી.

૩૧-૮-૧૯૪૭ (સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૮૮)