ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમા


નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમા

ઉમાશંકર જોશી



પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ,
વ્યોમે ખીલ્યા જલઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ;
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં,
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

ત્યાં તો જાણે જલવિધુ તણા ચારુ સંયોગમાંથી
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે:
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.


ઑક્ટોબર ૧૯૨૮

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૦૭)