ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/બોલે બુલબુલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બોલે બુલબુલ

બોલે બુલબુલ,
વ્હેલે પરોઢિયે બોલે બુલબુલ…

આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ?
બોલે બુલબુલ…

ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ.
બોલે બુલબુલ…

રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ!
બોલે બુલબુલ…

અરધુંપરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ!
બોલે બુલબુલ…

૨-૪-૧૯૫૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૭૫)