ગુજરાતી ગઝલસંપદા/ અનંત રાઠોડ ‘અનંત’


અનંત રાઠોડ ‘અનંત’


કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વહેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી;
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુયે છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને;
બહુ સ્હેલાઈથી એક જણ મને જાણીબૂજીને સાવ અર્ધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉ ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું;
ગયા ભવનું કોઈ વેરી અજંપાનું લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.