ગુજરાતી ગઝલસંપદા/ કિસ્મત કુરેશી


કિસ્મત કુરેશી
1

લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
જીવન જીવી જવાની છે તો છે તદબીર મુઠ્ઠીમાં.

અગર લાગે છે, તો ખોબો જ એમાં કામ લાગે છે,
નથી ઝિલાતાં કોઈથી નયનનાં નીર મુઠ્ઠીમાં.

હશે કાં આટલી મોટી તે કિંમત બંધ મુઠ્ઠીની?
ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશુંયે હીર મુઠ્ઠીમાં.

કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઉગામી જો,
પછી તારે નહીં લેવી પડે શમશીર મુઠ્ઠીમાં.

દીવાલો દુર્ગની તોડી છે, બોલે છે તવારીખો,
મૂકી છે શક્તિ એવી સર્જકે અક્સીર મુઠ્ઠીમાં.

દુ:શાસન પણ પછી તો પાપથી નિજ ખૂબ પસ્તાયો,
કે જ્યારે નાં સમાયાં દ્રૌપદીનાં ચીર મુઠ્ઠીમાં.

મને ડર છે કે તો તો મન થશે જકડાઈ જાવાનું,
જો એનાં જુલ્ફની આવી જશે, જંજીર મુઠ્ઠીમાં.

નજુમીએ કહ્યું તો યે નથી કિસ્મત મળી અમને,
હથેળીમાં જ અંકિત છે હજી જાગીર મુઠ્ઠીમાં.

2

ગર્વ હું કરતો નથી, એ વાતે હું મગરૂર છું,
જાણતો ના હું જ મુજને, એટલો મશહૂર છું.

તારી પાસે પ્હોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજી તો, કેટલોયે દૂર છું.

આંખડીનાં તેજ મારાં સાવ છિનવાઈ ગયાં,
અંધ થઈને આથડું છું, તોય તારું નૂર છું.

કાં તો હું તારી દઈશ, ને કાં તો હું તાણી જઈશ,
દર્દનો દરિયો છું ને હું પ્રીત કેરું પૂર છું.

સાંભળી તું ના શકે તો વાંક છે તુજ કાનનો,
બંધ હોઠે રાતદિન, ગુંજી રહેલો સૂર છું.

હું જ સૂફી-સંત છું, જલ્લાદ-કાતિલ હું જ છું,
જેટલો હું છું દયાળુ, એટલો હું ક્રૂર છું.

હાથ મુજ લોખંડી કિસ્મત, આખરે હેઠા પડ્યા,
જેટલો મજબૂત છું હું, એટલો મજબૂર છું.