ગુજરાતી ગઝલસંપદા/ ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
1

દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર,
એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર.

આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા,
કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર.

લહેરખીની આંખમાં લુચ્ચાઈ ફૂટતી જોઈને,
પંખીએ મૂકી દીધો માળો અધૂરો કાલ પર.

નાવનો તો આમ જો કે ખાસ કંઈ વાંધો નથી,
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર.

આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં,
કોરડા વીંઝે છે સૂરજ જો હવાની ખાલ પર.

2

ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

અવસર કેવળ એક જ દિ’નો,
વચ્ચે મહિના સાત, કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ મળી છે,
મારે તેની લાત, કબીરા.

કાપડ છો ને કાણી પૈનું,
પાડો મોંઘી ભાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.