ગુજરાતી ગઝલસંપદા/ દિલીપ મોદી


દિલીપ મોદી

મોરને છોડીને ટહુકા ક્યાં જશે?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે?

શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે,
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે?

ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથથી મેંદીની છાયા ક્યાં જશે?

હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે?

લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે?