ગુજરાતી ગઝલસંપદા/ નઝીર ભાતરી


નઝીર ભાતરી

અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી.

મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો,
જે શક્તિ હોય છે શ્રદ્ધામાં શંકામાં નથી હોતી.

હરીફાઈ બહુ સાંખી નથી શકતી સરસ વસ્તુ,
સરળતા એટલે મારી કવિતામાં નથી હોતી.

જગત ટૂંકી કહે જિંદગીને એમ માનીને,
જે એના ગમમાં વીતે છે એ ગણનામાં નથી હોતી.

સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને,
ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી.

‘નઝીર’ એવા વિચારે ફૂલ કરમાઈ ગયું આખર,
જે ખુશબૂ હોય છે બીજામાં એનામાં નથી હોતી.