ગુજરાતી ગઝલસંપદા/ પંકજ વખારિયા


પંકજ વખારિયા

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી

આપી જશે આ ભીંતને વધુ એક ચોકડી
આજેય બીજું સૂર્યની ઝોળીમાં કંઈ નથી

જન્મારો વેઠે છે અહીં નોંધારો ખાલીપો
લૂંટી શકે તો લૂંટ, હવેલીમાં કંઈ નથી

બસ, બે’ક બુંદ જેટલો સંસાર એનો છે
શબ્દો કે સૂર જેવું ઉદાસીમાં કંઈ નથી

હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી