ગુજરાતી ગઝલસંપદા/ ભરત વિંઝુડા


ગઝલ

સાદ પાડી તને હું બોલાવું,
એટલી ક્યાંથી દૂરતા લાવું?

બેઉનું એક હોય સરનામું,
તું અહીં આવ કે હું ત્યાં આવું!

આ હથેળી ઉપરથી વાંચી દે,
કઈ દિશામાં હું હાથ લંબાવું?

એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ
માર્ગમાં એને કેમ અટકાવું?

તારી સમજણની હદમાં ઊભો
હું તને શું નવીન સમજાવું?

ગઝલ

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે

તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તેં સાંપડે

કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે છે?

કેમ વાવાઝોડું આવી જાય છે?
એક બારી જે ઘડીએ ઊઘડે

હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે

ગઝલ

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા!

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફક્ત ધારવા મળ્યા!

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા!

આંખો મળી છે દૃશ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં!

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં!

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા!

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં!