ગુજરાતી ગઝલસંપદા/ ભાવેશ ભટ્ટ

Revision as of 14:57, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ભાવેશ ભટ્ટ |}} <center> '''1''' </center> <poem> પોતડી, ચશ્માં અને એક લાકડી, જે હજારો તોપને ભારે પડી!<br> સત્યને સ્હેવો પડ્યો’તો રંગભેદ! લાલપીળી થઈ ઉઠી’તી એ ઘડી.<br> છાપ આખા વિશ્વ પર પાડી ગઈ! દાંડીયાત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાવેશ ભટ્ટ
1

પોતડી, ચશ્માં અને એક લાકડી,
જે હજારો તોપને ભારે પડી!

સત્યને સ્હેવો પડ્યો’તો રંગભેદ!
લાલપીળી થઈ ઉઠી’તી એ ઘડી.

છાપ આખા વિશ્વ પર પાડી ગઈ!
દાંડીયાત્રાએ ગયેલી ચાખડી.

પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી?
આખી આ દુનિયા પડી ગઈ સાંકડી!

અંધશ્રદ્ધાથી ગુલામી દૂર થઈ,
બાંધી'તી વિશ્વાસની નાડાછડી!

રેંટિયામાં કાળને કાંતી લીધો!
કાળને એની સમજ પણ ના પડી.

ઘરના બે ટુકડા થયા, સળગ્યા પછી,
બંધ આંખોમાં અહિંસા તરફડી.

મોક્ષને પામી ત્રણેત્રણ ગોળીઓ!
ચામડીના તીર્થમાં એ જઈ ચડી!

2

ઓળખને ખોયાની પીડા જે સમજે એ સમજે
પૂજાવા પથરાની પીડા જે સમજે એ સમજે

સ્થાન મળે ના સૌને કાયમ ગમતા કોઈ કપાળે
કંકુ ને ચોખાની પીડા જે સમજે એ સમજે

જાણે–અજાણે કોઈએ પાડ્યો છે દુનિયા નામે
પૃથ્વીના ડાઘાની પીડા જે સમજે એ સમજે

ખુદના દુ:ખનો બેય કિનારા પીટે છે ઢંઢેરો
પણ આ વચગાળાની પીડા જે સમજે એ સમજે

થાય વિષય એ સૌના કુતૂહલનો મ્યુઝિયમમાં
એવા પરપોટાની પીડા જે સમજે એ સમજે

મંચ મળે, માઈક મળે, શ્રોતાય મળે એને, પણ
કોરસમાં ગાવાની પીડા જે સમજે એ સમજે