ગુજરાતી ગઝલસંપદા/ મનીષ પરમાર


મનીષ પરમાર

ક્યાં ખરેલાં ફૂલની ઇચ્છા લખું છું?
શ્વાસ પર હું મ્હેકના રસ્તા લખું છું.

હુંય પંક્તિ થૈ અને મનમાં ઊભો છું,
સાંભરેલી સાંજ પર મત્લા લખું છું.

રંગ વેરાયો હતો અંધારમાંથી,
આથમેલી રાતના તડકા લખું છું.

આગના અક્ષર હવે ડૂબી ગયા છે,
રોમરોમે ઊઠતા ભડકા લખું છું.

પાનખર હો કે બહારો હો ફરક શો?
એ બધા બરબાદના નકશા લખું છું.