ગુજરાતી ગઝલસંપદા/ મહેશ દાવડકર


મહેશ દાવડકર

જોઈ લઉં આરપાર મારામાં,
ક્યાં થયો ફેરફાર મારામાં?

આ સકળ વિશ્વ ભીતરે પણ છે,
થઈને જો તું પસાર મારામાં.

હોય તારું સ્મરણ તો લાગે છે,
રણઝણે કો’ સિતાર મારામાં.

હું મને એ ક્ષણે મળી લઉં છું,
હોય જ્યાં સૂનકાર મારામાં.

વેદનાઓ અતિથિ થઈ આવે,
હુંય દઉં આવકાર મારામાં.

ખીલતું પદ્મ જેમ કાદવમાં,
એમ ખીલે વિચાર મારામાં.

ક્યાંક હોવાપણું વિખેરાશે,
આંધી છે જોરદાર મારામાં.