ગુજરાતી ગઝલસંપદા/ મિલિન્દ ગઢવી

Revision as of 15:29, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મિલિન્દ ગઢવી |}} <poem> રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા<br> આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા<br> ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મિલિન્દ ગઢવી

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા

આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા

ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા

છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા

તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા

ઊગ્યાં કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ જ્યાં એકવાર લીલાં છોડમાં હાંફી ગયા