ગુજરાતી ગઝલસંપદા/ રાજેન્દ્ર શુક્લ

Revision as of 11:30, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| રાજેન્દ્ર શુક્લ |}} <center> '''1''' </center> <poem> લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું!<br> આપની નજરો જે ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું!<br> શાંત જળમાં એક પણ લહરી નથી, કોઈ થોડુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાજેન્દ્ર શુક્લ
1

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!

2

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઈ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઈ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઈ પણ ટૂકે જઈ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઈ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

3

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક!

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાવ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક!