ગુજરાતી ગઝલસંપદા/ લિપિ ઓઝા

Revision as of 15:30, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| લિપિ ઓઝા |}} <poem> બેઠો છે દરબાર ભરી ડર, માદળિયામાં! કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?<br> હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે કોણ રડે બેસીને અંદર માદળિયામાં?<br> ડચકાં ખાતા પણ રાખ્યુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લિપિ ઓઝા

બેઠો છે દરબાર ભરી ડર, માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?

હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?

ડચકાં ખાતા પણ રાખ્યું સજ્જડ મુઠ્ઠીમાં
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં

સંજોગોને માફકસર વેતરવા માટે
શુ લાગે છે, હોય છે કાતર માદળિયામાં?

ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આપે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં

રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું
બનતા જાય અભરખા પથ્થર માદળિયામાં

ગાંઠ ખુલે તો પાછા એ ભૂતાવળ બનશે
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં

નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં