ગુજરાતી ગઝલસંપદા/ શોભિત દેસાઈ


શોભિત દેસાઈ
1

કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
એ અહીં આસપાસ લાગે છે.

સાવ લીલો ઉજાસ લાગે છે,
ઓસની નીચે ઘાસ લાગે છે.

જે દિવસભર રહ્યો છે નિર્જન એ,
રાતરાણીનો વાસ લાગે છે.

ગત જનમમાં કૂવો હશે શું અહીં?
આવીને કેમ પ્યાસ લાગે છે?

કોયલોના આ તરબતર ટહુકા,
મારાં કાવ્યોના પ્રાસ લાગે છે.

શાંત ઊંડા નદીના પાણીનો,
સાચું કહું તો રકાસ લાગે છે!

પ્હાડ પર વેરવિખેર તડકો છે,
ખીણ તેથી ઉદાસ લાગે છે.

2

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું,
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો,
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા,
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા,
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં,
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.