ગુજરાતી ગઝલસંપદા/ સૈફ પાલનપુરી


સૈફ પાલનપુરી
1

કોઈનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે,
સ્મિત ને આંસુ બન્નેમાંથી જોઈએ કોનો વારો છે?

મારા લગતી કોઈયે બાબત એમાં તો મેં જોઈ નહીં,
જીવું છું પણ લાગે છે કે બીજાનો જન્મારો છે.

એજ વખત બસ હોય છે એનું પૂરતું ધ્યાન અમારા પર,
એટલે અમને એના કરતાં એનો ગુસ્સો પ્યારો છે.

મારી સામે કેમ જુએ છે મિત્રો શંકાશીલ બની,
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ મુંઝારો છે.

કોઈ તો એવી રાત હો જ્યારે મરજી મુજબ જાગી લઉં,
કોઈ તો એવો દિવસ હો કે લાગે દિવસ સારો છે.

‘સૈફ’ જીવનનો સાથ તો છે બસ પ્રસંગ પૂરતો શિષ્ટાચાર,
વાત અલગ છે મૃત્યુની હંમેશનો એ સથવારો છે.

2

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતાં;
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં?

થોડાક ખુલાસા કરવા'તા; થોડીક શિકાયત કરવી'તી
ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો'તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંજિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો?
એવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા!