ગુજરાતી ગઝલસંપદા/ સ્નેહી પરમાર

Revision as of 14:54, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સ્નેહી પરમાર |}} <center> '''1''' </center> <poem> કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં, ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.<br> હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂસ્યુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ્નેહી પરમાર
1

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

2

વાત અસલ, કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે

એનાથી મોટો શો વૈભવ!
તડકો સીધો ઘરમાં આવે

ભીતર ભીનું સંકેલો ત્યાં
આંખોમાંથી પડમાં આવે

સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે

તો માથે મૂકીને નાચું
ઘટ-ઘટમાં તે ઘટમાં આવે

પકડ્યો છે પડછાયો સાધુ!
અજવાળું શું બથમાં આવે.