ગુજરાતી ગઝલસંપદા/ હરદ્વાર ગોસ્વામી


હરદ્વાર ગોસ્વામી

લાખ ઇચ્છાઓને અવઢવ થાય છે,
એક સપનું ત્યારે સંભવ થાય છે.

ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ,
શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે.

દ્વાર દિલના ખોલવાં પડશે હવે,
પાંપણે કોઈના પગરવ થાય છે.

પથ્થરોના દિલને પહોંચે ઠેસ તો,
ડુંગરોના દેશમાં દવ થાય છે.

કેમ ચાહું કોઈ બીજાને, ગઝલ?
એક ભવમાં દોસ્ત, બે ભવ થાય છે.