ગુજરાતી ગઝલસંપદા/ હરેશ ‘તથાગત’


હરેશ ‘તથાગત’

ખાલી કરી, પાછો ભરી, ખાલી કરું છું હું મને
બસ, સાવ અમથો કોઈ વેળા સાંભરું છું હું મને.

પાટો સખત બાંધી લઉં છું બેય આંખો પર પછી,
એવું બધું ભૂલી જઈ દર્પણ ધરું છું હું મને.!

ધમકી મને મોકલું છું હર પળે એકાદ-બે
ને હર પળે પગમાં પડીને કરગરું છું હું મને!

છૂટી જવાના યત્નમાંયે હું જ હોઉં છું સદા,
ને એય સાચું કે હંમેશા આંતરું છું હું મને!

ચ્હેરો તમસનો ઉપસે છે કોણ જાણે કેમ ત્યાં?
પ્રત્યેક વેળા આમ જોકે ચીતરું છું હું મને!