ગુજરાતી ગઝલસંપદા/ હેમંત દેસાઈ

Revision as of 11:24, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હેમંત દેસાઈ |}} <poem> કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે; પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે!<br> જગતના મંચ પર હું ફૂલશો ઊભો, કદી કિન્તુ, ઊઘડવું કષ્ટ લાગે, ફોરવું નિસ્સારતા લાગે!<br...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હેમંત દેસાઈ

કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે;
પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે!

જગતના મંચ પર હું ફૂલશો ઊભો, કદી કિન્તુ,
ઊઘડવું કષ્ટ લાગે, ફોરવું નિસ્સારતા લાગે!

ન તોડું મૌનની આ વાડ, – પણ શેં કેદ પણ વેઠું?
નથી શ્રદ્ધા છતાં શબ્દો મને વિસ્તારતા લાગે!

અકિંચન છું પરંતુ રાજરાજેશ્વર સમું જીવતો,
નગરના લોક શું રસ્તાય સૌ સત્કારતા લાગે!

કદી ના કોઈ આલંબન લઉં, વિહરું સ્વયં નિત્યે,
છતાં દુર્ભાગ્ય કે મિત્રો મને શણગારતા લાગે!

કશામાં હું નથી એવી ચઢી મસ્તી, નશામાં છું,
હું ડૂબું છું, મને કો હાથ દરિયો તારતા લાગે!

ઊઠી જાઉં થતું કે મ્હેફિલેથી જામ ફોડીને;
વિખૂટા સાથી જન્મોજન્મના સંભારતા લાગે!