ગુજરાતી ગઝલસંપદા/ હેમેન શાહ


હેમેન શાહ
1

એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.

સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.

ધૂળિયો રસ્તો, ખભા પર શેરડીની ગાંસડી,
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.

છે ઘણા નાના તફાવત, માત્ર દૃષ્ટિકોણના;
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.

રાહ તારી જોઉં છું દર્પણના સીમાડા ઉપર,
આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.

શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં
બેસી ગણતો હોય ઈશ્વર લાખ ટુકડા કાચના.

કંઈક વસ્તુઓ ફકત દેખાવથી બનતી નથી,
ક્યાં રચી શકતા સમંદર લાખ ટુકડા કાચના?

જિંદગીને સ્થિર કશો આકાર કઈ રીતે મળે?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના.


2


રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.

પાણી લઈને હઠ, ઊભાં છે
ખેતર સૂકાં ભઠ ઊભાં છે.

કાચાં, લીલાં પાન ખરે છે,
ઠૂઠાં સાવ જરઠ ઊભાં છે.

કોઈ ફરકતું ચકલું ક્યાં છે?
લોકો હકડેઠઠ ઊભા છે.

પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
ત્રણસો ને ચોસઠ ઊભા છે.