ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/શ્રાવણી મેળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 81: Line 81:


પાછળ, દૂર હેલે ચડેલા જોબનપૂરનો ઘુઘવાટ સંભળાતો હતોઃ
પાછળ, દૂર હેલે ચડેલા જોબનપૂરનો ઘુઘવાટ સંભળાતો હતોઃ
 
{{center|
લ્યા વાલમા,
લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ્ય મા.
ગાણું અધૂરું મેલ્ય મા.
Line 87: Line 87:
’લ્યા વાલમા,
’લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ્ય મા.
હોઠે આયેલું પાછું ઠેલ્ય મા.
ગાણું અધૂરું…}}ગાણું અધૂરું મેલ્ય મા,
ગાણું અધૂરું…}}ગાણું અધૂરું મેલ્ય મા,}}





Revision as of 07:03, 17 June 2021

અંબી અને એની ગોઠણ સોના મેળામાં એકબે આંટા મારી આવી ફરી પાછાં ચગડોળમાં બેઠાં હતાં. કશે દિલ ગોઠતું નથી એમ કહીને અંબી સોનાંને અહીં ઘસડી લાવી હતી.

‘તો દોડીને મેળે શીદ આવ્યાં, ગોઠતું નથી તો?’ સોનાંએ રીતસર ચીડવવાનું જ શરૂ કર્યું.

‘ચગડોળમાં બેસવા વળી.’

જવાબ ઉડાઉ હતો. ખરો જવાબ તો હતો એનો દીર્ઘ દબાવેલો નિઃશ્વાસ. અને સોનાંની સરત બહારની એ વાત ન હતી.

‘તો હું કાંઈ રોજરોજ મેળે સાથે આવીને તારી જોડે ચગડોળમાં બેસવા નવરી નથી.’ સોનાંએ તો ચગડોળમાં પોતાની જોડે બેસનારો બે મેળા ઉપર ગોતી કાઢેલો.

અંબી જરી મૂંગી રહી. અને પછી કોણ તારી જોડે બેઠું જ છે, કહી સોનાંની સામે પીઠ કરીને બેઠી. ચગડોળ નીચેઉપર, ઉપરનીચે ઘૂમવા માંડ્યો એટલે આજુબાજુના માનવસમુદાયના ખદબદતા ઉકરડા તરફ ઘૃણાથી જોતી રહી. પોતે એ ધરતીથી અલગ, એ ધરતીથી ઊંચે, જાણે કોઈ બીજા જ ગ્રહ પર વસતી, એવું ચગડોળ પર હોવાથી એને લાગતું ન હોય.

સોનાંએ પોતાના ગુનાની માફી લાડની એક ચોંટીથી માગી જોઈ. પણ એમાં ન ફાવી એટલે થાકીને માત્ર વનવધૂઓને જ વરી છે એવી ભરી ભરી હલકથી એણે ગાવું આરંભ્યુંઃ

ઝોલો લાગ્યો ગોરીને રૂસણે!

કોણ રિસાયું છે કહેતીક અંબી સોનાંના કંઠમાં કંઠ પૂરવા લાગી. ભૂલી ગઈ કે થોડી વાર પછી સોનાં તો ગાતી થંભી પણ ગઈ હતી ને પોતે એકલી જ ગાઈ રહી હતી. જાણ્યું ત્યારે પોતાના આખાય વર્તનથી એવી તો શરમાઈ કે એક વાર એ ગાવાનું તો તરત જ પડતું મૂકત. એક… એક… ઉપરની બેઠકમાંના પેલા કોઈનો પાવો ગીતની સાથે ને સાથે વાગતો હતો તેનો તાલ તૂટવાનો ડર ન હોત તો.

ગીત ચાલતું રહ્યું. પાવો ચગતો રહ્યો. ને ચગડોળ જ જાણે ચગડોળે ન ચડ્યો હોય એવું બની રહ્યું.

ત્રણ ડુંગરની વચાળમાં શ્રાવણના છેલ્લા રવિએ વરસોસરસ મેળો ભરાતો. ને વરસોવરસ, ડુંગરાનાં દૂઝણાં સાવજચાખ્યાં પાણી પીનારા નવલોહિયા નવનવા વનકિશોરો એકલા મેળે આવતા તે બેકલા પાછા જતા. વનકન્યાઓ ટોળેબંધ ચાલી આવતી. લાવતી એક અણબોટ હૈયું અને તાજી વાદળીની માદક લાવણ્યમયી નિર્ભરતા. મેળામાં સૌ ગાતાં, નાચતાં ને મનનું માનવી મળી જાય એટલે એકબીજાનો હાથ ઝાલી રસ્તે પડતાં.

વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણ ત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પર પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો.

દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. બાપુકાં ખેતરના શેઢાની બાબતમાં ઝઘડો લાગેલો. વાત કચેરીએ ચડી. એ તો શાહુકાર ભલું માણસ તે ખરે ટાંકણે બાંય ઝાલી, થોડીક વીસોની હરફરથી એણે કાના તરારનાં વંશપરંપરાનાં ખેતર અને બાપદાદાની શાખ સાચવી આપ્યાં. એનાં દામ ચૂકવવાં બાકી હતાં તે કલદાર પૂરા નહિ ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનો ને દેવો વરસોવરસ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે ‘વિયાજડામાં ડૂલ’ થઈ જતું. એમાં વચ્ચે એક વરસ દુકાળનું આવેલું. માંડ બે જણા આયખું ખેંચતા. દેવાની મા ક્યારની ગામેતરું કરી ગઈ હતી. એક બહેન નાની હતી તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી જતા આખું વરસ જોતો અને મેળો આવ્યે મૂંગો મૂંગો નસીબને નિંદી બેસી રહેતો. અને નાનાં નાનાં છોકરાં ગાતાં હોય તેમની સાથે હસવા કરતો હતોઃ

મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.

ચગડોળ બંધ રહ્યું ને માણસો નીચે ઊતરતા માંડ્યાં. દેવો ન ઊતર્યો. ક્યાં એને નાચવા જવું હતું? ચગડોળના થોડા આંટા ખાઈ પાછા કોઈ બહુ ન જાણે એમ ખેતરે પહોંચી જવું હતું. એ એનો પાવો વગાડતો રહ્યો. નીચેની બેઠકમાંનું ગીત પણ ચાલુ જ હતું. અંબીને ઢંઢોળીને સોનાંએ પૂછ્યું, ‘જઈશું ને?’

‘ક્યાં?’ – ગાતી અટકીને અંબી બોલી, ક્યાંથી આ ધરતી પર પાછાં જવાનું આવ્યું એવી સ્પષ્ટ મૂંઝવણથી.

જવાબ આપવા રહ્યા વગર સોનાં તો નીચે ઊતરવા જ માંડી. ‘લે, હું પૈસો આપીશ આ ફેરાનો,’ એમ કહી અંબીએ એને ખેંચી રાખી. ‘મોટી પૈસાવાળી!’ એમ બોલી એને ચીડવવા સોનાં ફરી ખોટું ખોટું ઊતરવાનું કરે છે, ત્યાં પૈસો ઉઘરાવનારને જલદી પતાવવા અંબીએ પોતાની નાની પોટલી ફેંદતા ફેંદતા કહ્યું કે, ‘પૈસાવાળી નહિ ત્યારે? અંબી કાંઈ કોઈના જણ્યા પર જીવવાની ઓછી છે?’

ત્યાં તો ઉપરથી એક બેઆની આવતી અંબીના ખોળામાં પડી. પૈસા તો સોનાંએ આપી પણ દીધા હતા. એમની બેઠક નીચેથી થોડી ઊંચે પણ ચડી ગઈ હતી. સોનાંએ બેઆની ઉપાડીને મોઢામાં સંતાડી દીધી ત્યારે ક્ષણ પહેલાં જ બતાવેલી ખુમારી ભૂલી જઈને અંબીએ એ કઢાવવા કંઈનું કંઈ કર્યું. મળી ત્યારે હથેળીમાં રાખી ગાલ પર દબાવીને બોલી, ‘જોને, બેઆની સેરવી પણ પાવામાં જરીકે ભૂલ પડવા દીધી છે?’

‘અરે ગાંડી, તેં માન્યું કે એણે,’ ઉપર આંગળી કરી સોનાં બોલી, ‘એણે બેઆની નાખી? જોતી નથી એની તો બેય હાથની આંગળીઓ પાવા પર છે?’

‘મારે પણ આંખો છે,’ એમ કહી સોનાંની આંખો બે હાથ વડે દબાવી અંબીએ ઊંચે જોયું. દેવાની બેઠકમાંનો કોઈ નાનો તોફાનિયો આ નવી જ જાતની વીજળીના ઝબકારાથી પલક માટે આંખ મીંચી ગયો.

સોનાં આંખો પરથી હાથ છોડાવી લાડપૂર્વક ફરિયાદ કરતી હતી, ‘આપણે હવે તારી જોડે મેળે આવવાનાં નથી.’

‘આપણે પણ આવવાનાં નથી.’

‘ન આવવું પડે તો સારું.’

પણ સોનાંનું પૂરું સાંભળ્યા વિના જ અંબીએ ચગડોળની સાથે ગાવું શરૂ કર્યુંઃ

અમે ગ્યાંતાં શાવણને મેળે; કુવેલડી બોલે સે.

અંબી ગાવા માંડી ત્યારે એને સાંભળવાની લાલચમાં સોનાં પોતે ગાવાનું ભૂલી જતી. અંબીના કંઠમાંથી અને દેવાના પાવામાંથી એકરસ અવાજ આવતો હતો. સાંભળીને સોનાં મલક મલક થઈ રહી.

ચગડોળ ફરતું થંભ્યું. પાવાવાળો નીચે ઊતર્યો. સોનાં બોલી, ‘શીદને ઊતરે છે?’ લે આ ફેરાનો પૈસો હું આપીશ.’ અંબી તો ક્યારની ભોંય પર ઊતરી પણ ગઈ છે. બેઠેલાં માણસો ઊતરતાં જાય છે ને નવાં બેસતાં જાય છે. એ વખતે મોટો તોતિંગ ચગડોળ થાકીને હાંફતું જાણે ધીરું ધીરું ચાલે છે. પણ આ ધરતીને શું થયું છે? ધરતી શની ચાકડાની માફક ઘમ્મર ઘમ્મર ફરી રહી છે? આમ આખી વેળા ચગડોળમાં બેસી રહેતાં કંઈ ન થાય એવી અંબી અસ્થિર પગલે બોલી, ‘સોનાં, મને ફેર ચડે છે!’ અને સોનાં ઊતરીને પડખે ઊભી હતી એની સામું જોયા પણ સિવાય, એની આગળ પેલો પાવાવાળો હતો એના ખભા પર હાથ ટેકવી જરી સ્થિર ઊભી.

પાવાવાળાએ પડખે જોયું. જોઈ જ રહ્યો.

‘અંબીને સંભાળજો. પારેવા જેવી છે.’

સોનાંએ ભાળવણી કરી.

‘જીવ સમાણી જ તો.’ દેવો અંબીને લઈ પોતે શું કરી રહ્યો છે તે જાણી શકે તે પહેલાં ચાલવા મંડ્યો.

અંબીએ સહેજ પાછળ જોયું. જરી થંભી. સોનાં ને બંને મૂંગાં મૂંગાં ભેટી રહ્યાં.

‘મળીશું વળી કોક વાર મેળે.’ દેવો એક આટલું સોનાં તરફ જોઈ બોલ્યો.

‘હવે તે કોણ મેળે આવવાનું છે? સોનાં, મારે ઘેર નહિ આવવાની કે?’ અંબી બોલતી હતી અને સોનાં એનાં પોપચાં પાલવ વડે લૂછતી હતી. ‘અમે એક વાર ઘર બરોબર થાળે પાડીને તને લેવા આવીશું.’ અંબી સોનાંને નાની બાળકીને પટાવવાની ન હોય એમ કોડે કોડે કહેતી હતી.

મેળો ભરચક જામ્યો હતો. માનવી સુમાર વિનાનું હતું. દૂરદૂરનાં સંબંધી કે ભાઈબંધ મળી જતાં તો ભર મેળામાં પણ એકમેકને ભેટ્યા વગર ડગલું આગળ ન વધતાં. આદમીઓ કામઠા તલવારવાળો હાથ આડો રાખી એક હાથે સ્ત્રીઓને ભેટતા. પોતાની બોલીમાં ટૂંકા પ્રશ્નોથી જાપ્તા(સલામતી)ના સમાચાર પૂછી આગળ જતા. કંઈ વેચવા-ખરીદવાનું હોય તો તેય પતાવી દેતા.

બીજી બાજુ ઉગમણી મેરના પેલા મોટા પથ્થરની – જેને કોઈ દેવ તો કોઈ રાક્ષસ (કારણ કે એને નામે કેટલાક મેલા વિધિઓ પણ થતા) તો કોઈ વનવીર કહેતા એની – આસપાસ ગાવા-નાચવાની ત્રમઝૂટ બોલતી હતી. અધખીલ્યાં રૂપને તરેહતરેહની માળાઓ વડે અને બોરગૂંથ્યા માથા પરથી ફરકતી છુટ્ટી ઓઢણી વડે ઢાંકતી-ન-ઢાંકતી વનબાલાઓ પગના મસ્ત ઠેકાથી નાચતી હતી. મેઘગર્જના સાથે પર્વતની ઝાંઝરીઓનો કલનાદ ભળે એવો એમનો મીઠો કંઠ જુવાનિયાઓના વીરત્વઘેરા અવાજ સાથે ભળતો હતો. ભૂમિતિના સુરેખ વર્તુલ આકારમાં નહિ. પણ શ્રાવણી ઘોડાપૂરનાં અફાટ મોજાંની ગતિએ જરી આગળ ધપતાં, જરી પાછાં નમતાં એમ સૌ નાચતાં હતાં. એકબીજાથી ગંઠાવાનું નક્કી કર્યા પછી પણ ઉલ્લાસી જોડાંઓ યૌવનના એ નિર્દંભ નિર્બંધ નૃત્યમાં બને એટલું ઘૂમી લેતાં, મોટાંઓ જોઈને જોબન સંભારતાં. નાનાંઓ ઝટઝટ મોટાં થવા મન કરતાં.

અંબી-દેવો દૂરથી જ મંગલ દૃશ્ય આંખો ભરીને જોઈ લઈ જરી હાટડીઓમાં ફેરો લગાવી રસ્તે વળ્યાં. એમને નાસવામાં શી બાકી હતી? ધરતીથીય અધ્ધર આકાશમાં એ તો રમણે ચડેલાં.

જોકે તોય સહજ સ્ત્રીસ્વભાવ પ્રમાણે અંબીએ તો એક વાર સૂચના કરી જોઈ હતી કે જતાં જતાં સૌ ભેગાં જરી ગાતાં જઈએ.

‘જો ભાઈ, તારે ગાઈને બીજા કોઈને વળી ગાંડો કરવો હતો તો મને ચગડોળે શીદ ફેરવ્યો?’

અને દેવો આગળ થયો.

પાછળ, દૂર હેલે ચડેલા જોબનપૂરનો ઘુઘવાટ સંભળાતો હતોઃ

લ્યા વાલમા, ગાણું અધૂરું મેલ્ય મા. હૈયે આયેલું પાછું ઠેલ્ય મા ’લ્યા વાલમા, હોઠે આયેલું પાછું ઠેલ્ય મા. ગાણું અધૂરું…

ગાણું અધૂરું મેલ્ય મા,}}


વેપારીઓનાં નસીબ સારાં તે દિવસ કોરો હતો. દિવસ થોડો નમ્યે, આછી ઝરમર શરૂ થઈ. અંબી-દેવો ચારેક ખેતરવા છેટે ગયાં હશે ત્યાં વરસાદે જરી જોર પકડ્યું. એક ઝાડ નીચે બંને થોડી વાર જઈને ઊભાં. દેવો ઊભો ઊભો, અંબી ગાય એવી એની જોડે શરત કરીને, બેય પાવા લહેરથી જરી ડોલતો ડોલતો બજાવતો હતો. પણ અંબી તો ચૂપચાપ એના ગીત ઘૂંટતા ગળામાં હાથ ભેરવી એના બેસતા-ઊપસતા ગાલના ચાળા પાડતી હતી. બે પાવામાંથી ગીત એકસુરીલું આવતું હતું એમ અંબી-દેવાનાં બે હૈયાંમાં એક જ રસ ઘોળાતો હતો.

એ જ વખતે છત્રી ઓઢીને કોઈ પાઘડીવાળો બોજાથી નમી પડતા એક ટટ્ટુ પર બેસીને રસ્તા પર આવતો હતો. એણે આંખ ઝીણી કરીને ઝરમરતા વરસાદની આરપાર ઝાડ તળેનું દૃશ્ય ધરાઈને એક વાર તો જોઈ લીધું ને કંઈ જોયુંજાણ્યું ન હોય એમ છત્રી મોઢા આગળ નીચે નમાવીને મનથી જ બોલ્યોઃ ‘હં, એમ કે?’

દેવો વગાડવું બંધ કરી અંબીના ચાળા પાડવા ફૂલેલા મોઢા પર ધીમેકથી પાવા અડાડી એને વધુ સજા કરવાની તૈયારીમાં હતો ત્યાં એને કાને કંઈ ધબકારાનો અવાજ આવ્યો.

ચોંકીને આડુંઅવળું જુએ છે તો રસ્તા પર થઈને ટટ્ટુ ઉપર વેપારી જેવું કોઈ જતું હતું. ઓળખવામાં એને મુશ્કેલી પડી નહિ. એના ધીરનારનું જ એ ટટ્ટુ હોઈ શકે. ગયા ઉનાળામાં એના સ્તો પૂંછડાના શેઠે ચમરી ગૂંથાવવા માટે દેાવ પાસે વાળ કપાવેલા.

થોડાં જ ડગલાં છેટે પોતાની પડખે થઈને શેઠ પસાર થયા હશે, પણ અંબી આડે દેવો એને શેનો જુએ?

‘કોણ છે એ?’ ટટ્ટુ થોભાવીને એ બોલ્યા, અને જવાબની રાહ જોયા વગર જ હુકમ કરવા ટેવાયલા અવાજથી કહ્યું, ‘આ જરી પડી ગયું છે તે આપ ને જરી.’

જતી તો હતી અંબી, પણ એને વારીને દેવો આપવા ગયો. એને જોઈને ‘કોણ દેવો કે?’ એટલું અજાણ્યા થઈને શેઠ બોલ્યા.

છોકરાઓને દુકાન સોંપી પાછા ફરતાં રસ્તામાં ચડ્યે ઘોડે છેલછેલ્લું કોઈ ઓળખીતા ગરજુ પાસેથી પડાવેલું મજૂરીના વાણનું પિલ્લું હાથમાં છૂટું પકડેલું હતું. તે એમણે જાણીજોઈને જ – પથરાળ રસ્તો એટલે બગડવાનો જરીકે ડર ન હોઈ – દેવાનું બચ્ચાનું લગીર ધ્યાન ખેંચવા નીચે પડવા દીધું હતું. દેવો પિલ્લું આપવા જાય છે ત્યાં ઝાડ તરફ નજર કરીને બોલ્યા, ‘કેમ ચાર હાથ કરી દીધા એટલામાં?’

દેવો આચાર પ્રમાણે જેશીકિશ્ના (જયશ્રીકૃષ્ણ) કરીને સ્મિતપૂર્વક બોલ્યો, ‘કેમ વીરચનકાકા, ‘એટલામાં’? હું તો તમારા જગુ-સમાણો થાઉં.’

એમ કહી એણે પોતાનો કેસ વાજબી છે એમ આડકતરી રીતે સૂચન કર્યું. જગુ વીરચંદ શેઠનો સૌથી મોટો દીકરો. તે પછીના ગોપાલના, અને તેને કેડેના નાનુનાય તે ઓણ વૈશાખમાં, વિવાહ થઈ ગયા હતા. શેઠ પોતાને મૂળને ગામ સાથે ચોકિયાતો લઈ ગયેલા એમાં દેવો પણ ક્યાં નહોતો ગયો?

‘હા. પણ જગુનો બાપ કાના તરારની પેઠે દીકરાને કૂવાનાં પાણી સામે આખું વરસ તાકીને બેસી રહેવા દેતો નથી તો! તમે બે જણાથી તો કંઈ વળ્યું નહિ ને હવે તું તારું આગવું કરીને ઊભો રહ્યો, ત્યાં, ડોસો બિચારો એકલો ક્યાંથી દેવાં ભરવાનો હતો, ને બાપદાદાનાં ખેતરાં રાખવાનો હતો? એ તો ચડી ગયાં ચોપડે ક્યારનાં!’

સાંભળ્યું ત્યાં દેવાનાં હાડકાંની અંદર એક ધ્રુજારી પસાર થઈ ગઈ. ‘દેવું કંઈ અમારે જ એક નવાઈનું ઓછું છે?’ એટલું જરી હસવા કરતો બોલ્યો.

‘ના, ભાઈ, ના. તારે તે દેવું જ ક્યાં છે, લખશેરીને? હું તો બિચારા કાના તરારની વાત કરું છું. હું એક ઓળખું છું કાનાને ને બીજાં ઓળખું છું ખેતરાંને. જા, ભાઈ, જા. તારેમારે શું લાગેવળગે?’

આટલું બોલતાં બોલતાં શેઠે ટટ્ટુને સોટીથી ચમકારીને આગળ ચલાવ્યું હતું. વાત કરવા પૂરતું જરી પોતે થોભે એટલું માન પામવા માટે દેવો હજી અમને મન નાનો હતો. દેવો ટટ્ટુ સાથે ઘસડાતો ઘસડાતો – ટટ્ટુ ઉતાવળું ચાલતું હતું તેથી નહિ પણ એ પાછળથી વડ તરફ ખેંચાતો હતો તેથી – શેઠ કહે તે સાંભળતો હતો. એને થયું કે શેઠે આબાદ ખેતર ઝડપ્યાં. એનું મગજ એ વિચારે ચકરાવા લાગ્યું.

‘ને જગુ-ગોપાળના ચાળા પાડવા તો જાણે જવા દે, પણ તારાથી એક અમથા નાનુનું કર્યુંય તે થવાનું હતું ’લ્યા?’ શેઠ તિરસ્કારથી, દેવાની સામું પણ જોયા વિના, બોલતા હતા. ‘એ નાનુ તો મારો આ આખો મેળો ફેરવે છે મેળો. ને તેં શું કર્યું, દેવા? તેં તો ઊઠીને તારા સગા બાપના બે હાથ ભાંગી નાખ્યા.’ બોલીને શેઠે પોતાની ને દેવાની આડે, વરસાદ બંધ છતાં ઝાપટથી બચવા ધરી હોય એમ છત્રી ધરી.

હતો ત્યાં એકાએક રોપાઈ જઈને દેવો બોલ્યો, ‘એમ કેમ બોલો છો, વીરચન શેઠ?’ એ આવા સવાલ કરવા બેસે એવી એના મગજની સ્થિતિ ન હતી. નીચેથી એક દસ-શેરિયો ઉપાડીને જ વાત કરત પણ તે જ વખતે ‘એને લીધે સ્તો’ એમ બોલવાને બદલે શેઠે સોટીથી વડ તરફ ઇશારો કર્યો. દેવો અંબીને ઘડી પણ એકલી પાડી એ માટે પોતાને મનમાં શાપ આપતો આપતો વડ તરફ વળ્યો.

માંડ બે-ત્રણ વીસો ડગલાં છેટે એ ગયો હશે. પણ એટલું અંતર કાપતાં તો એના આત્મા પર ડુંગર તોળાતા હોય એટલો ભાર એને લાગવા માંડ્યો. એને થયું કે શેઠ શુનું શું કરી મૂકશે. પૈસા ધીરેલા ત્યારે નાનકડો દેવો બાપની જોડે ક્યાં નહોતો ગયો? કાના તરારે છાતી ફુલાવીને, ત્યારે કેવી બડાશ મારેલી કે તરારોની ભૂંઈ (ભૂમિ) તરાર નહિ રાખે તો કોણ રાખશે. શેઠે તો ખાસું કહેલું કે ડોસા, તમને તો હવે વરસો થયાં, ઝઘડાનાં ખોટાં ખરચ શીદ કરો છો? ત્યારે કાના તરારે દીકરા સામે આંખ ભરીને જોઈ લઈ જે કહેલું તે દેવો ભૂલ્યો ન હતો. હજી તો, શેઠ, આ દેવો બચ્ચું છે, પણ બચ્ચું બચ્ચું પણ તરારનું બચ્ચું છે, હોં! હજી ધાવ્યુંચાવ્યું એનું પેટમાં છે. ચપટી વગાડતાંમાં તમારું બધું ભરી દેશે. હવે તો એ ખેતરાં પાછાં પામશું ત્યારે જંપશું. ને તમારા પૈસા? શેઠ, એ પાછા દીધા પહેલાં હું મરવાનું તે ટોલ્લે ચડાવી રાખીશ, ને મારો આ રંગીલો નાનકડો તરાર મેળા સામે પીઠ પર મજૂરીએ મચ્યો રહેશે… દેવાની સામે આવાં અનેક દૃશ્યો ને ભાષણો તરવરી રહ્યાં. પોતે તન તોડીને મજૂરી કરતોપણ હતો. શેઠના નાનુની જાનને રખવાળે ફાંકડો બનીઠણીને જનાર દેવો કોઈ વાર વૈશાખ મહિનાની શરણાઈ વાગતી સાંભળી કૂવાકાંઠે બેઠો બેઠો પાણી ભણી તાકીયે રહેતો હોય તો નવાઈ નહિ. પણ આજે એ કાંઈ મેળો કરવા માટે મુદ્દામ ઓછો આવ્યો હતો? ને આવ્યો હોય તોયે શું? શેઠે પોતાના, દેવાથી ચારચાર છછ વરસ નાના દીકરાને ચાર હાથ કરાવેલા તોયે એમના પોતાના હાથ તો ઊલટા મજબૂત થતા હતા. અત્યારે છોકરાઓને મેળો સોંપી વેળા છતાં એ ઘેર પાછા જતા. અને દેવાને પરણ્યે કાના તરારના હાથ જૂઠા કેમ પડવાના હતા, ભલા? પડવાના હતા એ વાતે સાચી. દેવો ને અંબી પોતાનું જ માંડ પૂરું કરી શકવાનાં. અંબીના સગાઓ દીકરી પેટે કંઈ દાપું પડાવવાના કે નહિ એનુ કંઈ કહેવાય નહિ. શેઠ તો રોકડું માથામાં વાગે એવું પરખાવવાના કે કાના તરાર, તમારાથી દેવું આ ભવે વળવાનું નહિ. ખેતરાં આટઆટલી ગુજર્યા પછી શેઠને ચોપડે ચડી જવાનાં ને જવાનાં. બેય જણા કામ તો બળદિયા બનીને કરતા હતા તોય એમ કેમ, ભલા?… દેવાનું મગજ આ કૂટ પ્રશ્નનો શાસ્ત્રીય ઉકેલ ઓછું જ શોધી શકવાનું હતું?

એ એની અંબીને પડખે જઈને ઊભો.

‘કોણ હતું એ રંગમાં ભંગ પાડવાવાળું?’ કહી અંબી દેવાની આંખોમાં પોતાની આંખો સમાવી એનું સાટું વાળવા કરે છે, ત્યાં દેવાએ વાટ તરફ મોઢું ફેરવી લીધું ને હસીને બોલ્યો, ‘હં, એ તે શું ભંગ પાડવાવાળો હતો?’

વરસાદ બંધ હતો. રસ્તો માણસોથી વહેતો થયો હતો.

માત્ર આકાશને એક ખૂણે વાદળ ઘેરાતાં હતાં.

‘ચાલ. આપણે હીંડશું ને હવે? કેટલે જવાનું છે?’ પૂછીને અંબી હસી પડી. ‘અરે, મેં તો હજી તારા ગામનું સુધ્ધાં નામ પૂછ્યું નથી.’

‘મારું જ ક્યાં પૂછ્યું છે?’

‘તું તો આ ઊભો. નામને મારે શું કરવું છે? પણ ગામ કેટલે છેટે એ જાણવાનું પણ ન સૂઝ્યું! સોનાં મને ઘેલી કહીતે તે અમથી નહિ.’

‘ગામ તે કેટલે બધે દૂર છે?’ દેવો બોલ્યો. ‘અરે ગાંડી, પેલા મારા શેઠનું મુડદાલ ટટ્ટુ તે દીવા વખત પહેલાં પહોંચી જશે તો આપણે તે શા ભવ જવાના હતા?’ પણ આ ખબર એણે અંબી કરતાં પોતાની જાતને જ જાણે ન આપી હોય એમ ચમકી ઊઠ્યો.

‘તારો શેઠ કે?’ અંબી એને પૂછતી હતી. ‘તો મને કેમ પિલ્લું આપવા જવા દીધી નહિ? એ બહાને જેશીકિશ્ના થાત.’

દેવાને પણ થયું કે એ આપવા ગઈ હોત તો સારું. તો અત્યારે એનું માથું ઘમ્મર ઘમ્મર વલોવાતું હતું તે વેળા ન આવી હોત. છાતી મજબૂત કરીને જરી હસીને બોલ્યો, ‘તો બિચારા શેઠ જરી મેળાનું કામ મને સોંપતા ગયા તે તારી આગળ ઓછા કહેવાના હતા?’ દેવો વાત જોડી કાઢવાની પોતાની શક્તિ પર જરી મલકાયો પણ ખરો. ‘બહુ ભલો જીવ હોં કે!’

‘શું કામ સોંપતા ગયા છે વળી? આપણે તો કંઈ એવું કામબામ કરવાનાં નથી.’ કોડીલી અંબી લાડભર્યા અવાજે બોલી.

દેવાને શેઠનું વાક્ય યાદ આવ્યુંઃ ‘તેં તો તારા બાપના બે હાથ ભાંગી નાખ્યા.’ શેઠે વડ તરફ કરેલી સોટી પણ એણે આંખ આગળ જોઈ. પણ હસીને એ બોલ્યો, ‘સોનાં કહે છે તેમ ખરેખર ઘેલી જ હોં કે! બાપડા શેઠ કેટલી તારી તો શાબાશી બોલતા હતા! એક જોઈ છે ફક્ત એમાં તો! કેટલો આપણા પર એમનો હેતભાવ છે? કેટલું તો મને ટટ્ટુ સાથે ચલાવ્યો ને પૂછ્યાં કર્યું!’

‘પણ શું છે એ તો કહેતો નથી.’

‘પલંગના રંગીન પાયા ખરાદીની દુકાને જ રહી ગયા તે એમના દીકરાને દુકાન પર પહોંચતા કરવાના, એટલું.’

‘તો તો એક શરત.’ અંબી એકદમ ખુશ થઈ જઈને બોલી, ‘આપણે એ વેચાતા લઈ લઈશું. શેઠ તો આપણા જ છે ને?’ બોલીને ડાબા હાથમાંની બચકી એણે જમણા હાથમાં લીધી.

દેવો ‘વાહ રે!’ એટલું ધીમા નિઃશ્વાસ સાથે બોલ્યો.

‘કેમ?’ અંબીએ એની સામે જોયું.

‘મને થાય છે કે તું રાજદરબારમાં જનમી હોત તો સારું.’ દેવો એની સામે જોઈ રહ્યો. પોતાને માટે એ નિર્માઈ જ ન હોય એવી નજરથી.

એને હેતથી ધબ્બો લગાવીને અંબી બોલી, ‘તો તો મારા આ લાડકાને ગોતી કાઢવામાં મને શી શી વપ્પત પડત!’

‘ના, ના. કહું છું, રાજકુમારને પરણી હોત તો કેવું? તને એ અછોઅછો વાનાં કરત.’ દેવો ખરેખર ગંભીર બનીને બોલતો હતો. ‘મારી પાસેથી તો તને શું મળશે?’

‘રાજકુમાર મને શું કરી દેવાનો હતો? હું કાંઈ એનું આપ્યું લઉં એવી ઓછી છું?’ કહીને એણે હાથમાંની બચકી છાતીએ લગાવી. બોલી, ‘આ અંબી કંઈ બાજીને ખોબે પાણી પીતી નથી.’

દેવો હસવા કરતો બોલ્યો, ‘એ બધી લઢવાડ તો પછી છે ને?’

‘હા. આપણે લઈ તો આવીએ એક વાર.’ કહીને અંબી જ આગળ થઈ. એણે દેવા સામું જોયું અને બોલી, ‘કેમ એટલામાં પાવા વગાડવાનું તો તું ભૂલીયે ગયો કે? વાહ! આવા જ બધા છોકરા મેળે આવે છે કે?’

દેવાએ બે હાથે પાવા વગાડવા શરૂ કર્યાં. આખું વાતાવરણ સંગીતથી ધોવાઈ ઊજળું ઊજળું ભાસવા લાગ્યું. શ્રાવણનાં સરવડાં પછીનો મધુરો તડકો વાદળનાં બાકોરાંમાંથી અરધો અરધો ઘડી રેલાઈને, ઘડી ભૂંસાઈને ને વળી પાછો રેલાઈને ઉલ્લાસમય પ્રકાશની ક્ષણિકતા જાણે કે દર્શાવતો હતો.

દેવાએ એ સાંજે પાવા વગાડ્યા છે એવા ભાગ્યે જ કોઈએ ક્યારેય વગાડ્યા હશે. સુખી લોકોએ પાવા વગાડ્યા હશે. દુખિયાઓએ પણ વગાડ્યા હશે. પણ એક પાવામાં ઉલ્લાસ અને બીજામાં કરુણતા આજે દેવો રેડતો હતો એનું રસાયણ તો અપૂર્વ જ હતું. આજે એના જીવનની પહેલી ભરી ભરી ક્ષણ હતી. એ ટકવાની નથી એ ખાતરી પણ એના મનને પાકી હતી. હતો એટલો જીવ ઓગાળીને પાવા વાટે એ અત્યારે રેડતો હતો.

ને અંબી, પાવાઘેલી અંબી! કોઈ તળાવડાને કાંઠડે ટેકરી પર નાનકડું પોતાનું ઝૂંપડું છે. ચોપાસ ખેતરો મોલથી લળી રહ્યાં છે. પોતે ખેતરથી કામ કરીને થાકીપાકી ઘેર આવે છે, નાનાં નાનાં ભૂલકાં હેતભર્યાં વીંટળાઈ વળે છે, ને પેલું સૌથી નાનું તો એને જરી શ્વાસ પણ ખાવા દીધા સિવાય કોટે આવતું બાઝી પડે છે… આવું આવું ચિત્ર એ પોતાના લોહીના અણુઅણુમાં રમતું જોઈ રહી, ગવાતું સાંભળી રહી. કોઈ નવી જ આશાથી ફરકી રહી.

પેલા તોતિંગ ચગડોળ કને આવ્યાં ત્યારે દેવો પાવા જરી થંભાવીને બોલ્યો, ‘આવ્યાં છીએ ત્યારે બેસતાં જઈએ ફરીવાર.’

‘હા, હું તો કાંઈ ગાંડી થઈ ગઈ છું કે શું? ભૂલી જ ગઈ કે આપણે ચગડોળે એકે વાર જોડે તો બેઠાં જ નથી.’

બેઠા પછી અંબી બોલી, ‘આ વખતે તો હું પાવા વગાડવાની.’ પાવા લેતાં એણે બચકી દેવાને સાચવવા આપી. ચગડોળ ચગ્યો એટલે એણે વગાડવા પ્રયત્ન કરી જોયો. પણ ફાવી નહિ એટલે ‘કેમ એટલામાં પાવા ઢંગ વગરના થઈ બેઠા?’ કહી મૂંઝાઈને દેવાની સામું જોવા લાગી. આત્યંતિક સુખની લાગણીમાં દેવો મૂંગોમૂંગો બેસી રહ્યો હતો. એના ચહેરા પર પ્રેમ, હોલવાતાં પહેલાં દીવો કરે છે તેમ, ભરપૂર પ્રકાશી રહ્યો હતો. એ પ્રકાશથી અંજાતી અંબીની આંખો, ચગડોળના અનેક આંચકામાંથી એક સાચવી લઈને દેવાએ ચૂમી લીધી. દુનિયાથી અધ્ધર ક્યાંય બંને જણાં ઊડી રહ્યાં હતાં. નહોતું પાવા વગાડવાનું કોઈને સૂઝતું. નહોતું ગાવાનું સાંભરતું. ચગડોળ ભરપૂર ઘૂમતો હતો. ચોમેર મેળો ચગ્યે જતો હતો. અહીં અંબી અને દેવો બધા કોલાહલોથી અલિપ્ત બેઠાં હતાં; અર્ધજાગ્રત, અર્ધસ્વપ્નિલ. માત્ર વચ્ચે વચ્ચે કોક વાર ચગડોળના આંચકાઓ વચ્ચે બંનેનાં અશબ્દ મુખ એકમેકથી મૂંગી વાત કરી લેતાં.

નીચે ઊતર્યાં ને દુકાનો ભણી વળ્યાં. અંબી એની જોડે એ વેળાએ ચાલતી હતી એ જોવા જેવું દૃશ્ય હતું. પહેલાંની અંબી ક્યાં ને આ ક્યાં? વારેઘડીએ ડગલું સાચવી લેવા દેવાને ખભે હાથ ટેકવતી અંબી અનેક સ્વપ્ન અને અગણ્ય આશાઓથી પલ્લવિત થતી હતી. ઊંટો સુડોળ એનો બાંધો શ્રાવણના પ્રફુલ્લ સાગની પેઠે ઝળાંઝળાં થતો હતો. એક જુવાનની પડખે હાથમાં બે પાવા લઈ નવી જ ભભકથી ચાલતી અંબી જંઈજંઈનું જોખનાર બિચારા દુકાનદારોનું સુધ્ધાં ધ્યાન ખેંચતી હતી. એની ડોકની મરોડમાં અખૂટ આત્મવિશ્વાસ હતો, આંખમાં આશાનું સાફલ્ય હતું, અંગેઅંગમાં ભવિષ્ય પર માલિકી મળવાથી ઊપજતી ખુમારી હતી. કેમ ન હોય? સોનાંને બાદ કરતાં એને દુનિયામાં એક-ઘડી-પહેલાં સુધીમાં કોણ હતું? અને અત્યારે? અત્યારે તે દેવાની પડકે આખી દુનિયાની એ માલિક છે. અને એને સોનાં સિવાય વહાલ પણ કોણે કરેલું? બાપ તો એની સાંભરમાં પણ ન હતો. મા બે વરસ પહેલાં મૃત્યુ પામેલી. ચૈત્રવૈશાખની મજૂરીઓ વચ્ચે એને છાંયો દેનારીલીલી લીમડી હોય તો તે એક સોનાં. એને જીવાડી રાખનારું કોઈ હોય તો તે સોનાં જ. એના અભિમાની સ્વભાવને પણ સોનાં વિના બીજું કોણ જાળવી લેનાર હતું? અંબી ઘાસ-લાકડાંના ભારા વેચે. ખેતરે – ચણતરે કામ પર જાય. સોનાંના રોટલાની કોરને કદી અડે નહિ. સોનાંની સોબતમાં એના હાથમાં બીજાં લોકોના પ્રમાણમાં બચત પણ ઠીક એકઠી થઈ હતી.

પણ આ નવા માનવીની સોબતમાં? અત્યારે તો અંબીના ઘડી પહેલાંના ખાલી ખાલી ખાબોચિયા જેવા હૈયામાં આભમાંય ન માય એવડો મહેરામણ ઊછળી રહ્યો હતો. જીવન એને ભર્યું-ભર્યું લાગતું હતું. ઊણપ જેવી ચીજ હવે એ જાણતી ન હતી. સ્વાશ્રયી અને મહેનતુ અંબી આજ સુધી કોઈ પણ એક વ્યક્તિની ઓશિયાળી ન હતી ને છતાં જાણે સારી દુનિયાની ઓશિયાળી હતી. તેને અત્યારે? અત્યારે તો આખી દુનિયાની એ માલિક હતી.

દુકાનો આવી ત્યાં પહેલી જ દુકાનથી, અરે આ તો લેવાનું જ રહી ગયું હતું. પેલા વગર તો ઘડીયે ઘર નહિ ચાલે ને આટલું તો ઉપાડતાં જઈએ એમ યાદ કરી કરીને, લેવાની ચીજો ગણાવી ગણાવીને ભાવતાલ જ સીધી પૂછવા માંડી.

‘હવે એ તો બધો મેળો આખો લઈ જઈશું પછીથી. મારે તો તું આવે એટલે આખો મેળો આવ્યો.’ બોલતા શબ્દોને તરત જ ભૂલી જવા કરતો દેવો આગ્રહ કરવા લાગ્યો, ‘લે, આ નવી ભાતની બંગડી બે લઈ લે, એટલે આપણું બેનુંય મન રાજી.’

અંબી બંગડીઓ તપાસવા લાગી. દેવો એની નમણી મૂર્તિ પરથી પરાણે મીટ ખસેડી આજુબાજુ અકળામણથી જોતો. અંબીએ એક વાર એને એમ ચોમેર જોતો પકડ્યો અને પોતે પણ એના ચાળા પાડવા ‘કોઈને ગોતે છે?’ કરી ડોક ફેરવીને જોયું. ‘અરે, સોનાં જ તો!’ કહેતી, ‘બોલવું. અમે બે સાથે પહેરીએ.’ કરતી દેવાના હાથમાંના પાવા લઈ તીરની પેઠે મેળામાં માર્ગ કરતી સોનાં તરફ દોડી.

સોનાંના મોઢા પર પાવા અડાડી અંબી એની આગળ નવી આંખો ચમકાવતી ઊભી રહી. સોનાં એને જોઈ જરી નવાઈ પામી પણ પોતાની સુખી ગોઠણની એક વાર ઠેકડી તો એણે કરી જ લીધીઃ ‘તું તો ઘેલી પાવાને જ પરણી લાગે છે કે શું? તમને ગમે પણ અમને વાગ્યું એનું શું?’ કહીને વાગ્યાને ઠેકાણે પંપાળી રહી.

દેવાના હૈયામાં પેલું નૃત્યગીત મેઘગર્જના જેવું ગાજતું હતુંઃ

હૈયે આયેલું પાછું ઠેલ્ય મા
’લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ્ય મા.
ગાણું અધૂરું મેલ્ય મા
’લ્યા વાલમા,
ગાણું અધીરું મેલ્ય મા.

રસ્તે એક વાર ચગડોળ તરફ શૂન્ય નજરે જોઈ લીધું એ જ. બાકી ઊંધું ઘાલીને પાણીના રેલાની માફક એ ચાલ્યો જતો હતો. પેલું મુડદાલ ટટ્ટુ ગામ પહોંચી જાય તે પહેલાં તો પોતે પહોંચવું જોઈએ જ. ટટ્ટુનો અસવાર જઈને કાના તરાર આગળ વધામણી ખાય ને ખખડી ગયેલા ડોસાના જીવતરને ધૂળભેગું કરવા જાય ત્યાં જ ઘરની અંદરથી ખડખડાટ અટ્ટહાસ્ય કરતા બહાર આવવું એટલી અત્યારે દેવાની, જો કંઈ હોય તો, મહેચ્છા હતી.

ચપોચપ પગ ઉપાડતો એ ચાલતો હતો. આકાશ અર્ધા જેટલું ઘેરાઈ ચૂક્યું હતું.

થોડેક ગયો ને ભયાનક ત્રાટકા સાથે વરસાદ તૂટી પડ્યો. કોઈ ઓળખીતું મળે તો એની સામું પણ જોયા વિના દેવો એનો સંગાથ તરછોડીને આગળ ચાલ્યો જતો હતો. ક્યાંઈ ક્યાંઈ ઉભાટે પણ જાણીજોઈને અથવા અર્ધ ઘેલછામાં ચડી જતો.

એક ત્રિભેટા ઉપર રસ્તાથી સહેજ બાજુ પર કોઈ દેખે નહિ એમ બેસી રહ્યો; ઘેર જવાનું હોય જ નહિ એમ ચોંટી રહ્યો. કંઈ અણસારો પામે કે ‘આવી! એ આવી!’ – કરી કૂદીને ઊભો થઈ જતો. અહીંથી એના ગામનો રસ્તો ફંટાતો હશે એમ કલ્પના કરી મેળાથી આવતી વાટ પર ટગર ટગર જોઈ રહ્યો. મનમાં થતું હતું કે લાવ, પાછો જાઉં. પણ કોઈ સામું મળે ને પૂછે કે ‘શું રહી ગયું પાછળ ભાઈ? મેળો ભૂલી આવ્યો કે લાડી?’ તો તો બળીને ખાખ જ થઈ જવાય ને! છતાં અત્યારે એના મનની સ્થિતિ વધારે સારી ન હતી, કોઈ સામું મળ્યું નહિ ત્યાં સુધી એ પાછો ચાલ્યો પણ ખરો.

પણ પેલી ગમ ઉગમણી મેરની હશે તો? તો અહીં આ રસ્તો શીદ આવે?… પણ તો તો સારું. એ ગમ આકાશ કોરું છે ને સુખે એ પાછી જશે… લાવ, તો આપણે જ ઉગમણે મલક જઈએ. પણ એમ ઓછું જવાય છે? જમીન-જાયો ખેડુ જમીનમાં જ ઝાડની જેમ રોપાયેલો છે. ઝાડથી કંઈ હરાયફરાય છે? ભલે ને પછી કોઈ એને આવીને રોજ વેડ્યા જ કરતું હોય.

પેલા ટટ્ટુ કરતાં પણ પોતે જવાનજોધ આદમી મોડો ઘેર પહોંચવાનો એમ યાદ કરતાં દેવો ઊઠ્યો. રઘવાયાની પેઠે રસ્તો જડ્યો ન જડ્યો તેની પરવા કર્યા વગર ચાલવા મંડ્યો. એ બેસી રહ્યો એટલી વાર વરસાદ કંઈ બેસી રહ્યો ન હતો. રસ્તાઓ નાના વહેળાની જેમ એના પગ આગળ આગળ દોડતા હતા.

ગામ આગમચની નદી આગળ આવીને ઊભો ત્યારે અંધારું ગાઢું જામી ગયું હતું. નદીના પ્રવાહનો પ્રચંડ અવાજ સંભળાતો હતો એટલું જ. પણ પોતાના હૈયામાં જે અંધકાર ફેલાયો હતો એની આડે દેવાને કાંઈ દેખાય એમ ન હતું. એના ઘટમાં જે ઘુઘવાટ થતો હતો તે એને નદીના અવાજને સાંભળવા દે એમ ઓછો હતો? નાનો અમથો વહેળો ઓળંગવાનો હોય એમ થેપાડું (ધોતિયું) પણ ઊંચું લીધા વગર એ નદીમાં ઊતર્યો.

તણાવા મંડ્યો ત્યાં એને એકાએક અંતરમાં ટાઢક વળી. હાશ! એ જ એને જોઈતું હતું. મેળાની ને ઘરની વચ્ચે સૌ ભાઈબંધનું ભાઈબંધ મોત ખરી વખતે આશરો દેવા બેઠું હશે એની તો એને કલ્પના જ નહિ. ભલા ભલા ઘોડાપૂરમાંથી તણાતા જીવને બચાવી લાવનાર, માછલાની પેઠે તરનારો, દેવો લાકડાના હાથપગ હોય એવો થઈ રહ્યો.

પણ જીવવા ન જીવવાના નિર્ણયો એમ સાવ માણસની મોજ પર આધાર રાખી બેઠા છે ને?! દેવાને ખબર પણ ન રહી ને એના હાથપગ ક્યારના વીંઝાવા મંડી ગયા હતા. છતાં એ હતો એ બેધ્યાન જ. આ માથાબાંધ્યાનો ફાળ તણાઈ ગયો! છો ગયો. માથું હશે તો બાંધવો છે ને? હાથમાં એક બચકી હતી તેય છો જતી. અથવા તો છોને રહેતી જ. ઘણું કરશે તો ડુબાડશે એ જ ને? તો તો સારું જ તો. છતાં હાથમાં ઊંચી પકડી પાણી બહાર રાખી એ પાણી કાપતો હતો. જાણે એ આધાર રૂપે તુંબડી ન હોય!

સામે કિનારે જીવસમેત પહોંચ્યો ત્યારે પોતાની તરવાની આવડત પર ગાળો વરસાવવાની એને અનહદ ઇચ્છા હતી તોય એટલા હોશ ન હતા. હાથમાંનો લૂગડાનો ગોળો નીચે ફગાવી પથ્થર પર ચત્તોપાટ પડ્યો.

જાગ્યો ત્યારે વાતાવરણમાં કંઈ ઝાઝો ફેર પડ્યો ન હતો. માત્ર ગરીબીમાં જવલ્લે જ જોવામાં આવતા રૂપાનાણા જેવો ક્યાંક શ્રાવણી આકાશમાંથી કોઈ રડ્યોખડ્યો તારો ડોકિયાં કરતો હતો. ઊઠીને બે ડગલાં ચાલતાં જ બેસી ગયો ને પેલો લૂગડાનો ડૂચો માથા નીચે લગાવી લંબાવી ગયો. આવજો સવાર ઢૂકડી! પણ વળી કોણ જાણે ઊભો થઈને એમાંથી કંઈ ઓઢી શકાય એવું હોય તો બત્રીસા ખખડાવવાનું બંધ કરી શકાય એવી આશાથી એને પડ્યા પડ્યા જ બે હાથે વીંખવા લાગ્યો. બેચાર ઝાટકે કપડાના લીરામાંથી એની છાતી ઉપર ને આજુબાજુ પથરા પર કંઈક પડવાથી ખણખણ અવાજ થયો. બેઠો થઈ જઈને ચોમેર જુએ છે તો આકાશના તારા ખરીને નીચે આવ્યા ન હોય એમ ધોળા સિક્કા વેરાયા હતા.

દેવાની ભ્રમિત મનોદશામાં પણ આટલું સમજાઈ ન શકે એવું તો હતું જ નહિ. આ તો અંબીની બચત! અંબી પડખે હોય તો રણમાંથી છૂટવું એ કંઈ મોટી વાત હતી? એ ઝબકારે આજનો આખોય મેળો એની આગળ તરવરી રહ્યો.

જમીન પરથી, હાથમાં આવ્યા એટલા સિક્કા ઉપાડીને મૂઠી વાળી બોલ્યોઃ ‘વીરચનકાકા, તારી આ જમગોળી. ટટ્ટુ પછાડે ભરાઈ જજે વેળાસર, નહિ તો…’

ભ્રમિત જેવો મોડી રાતે ઘેર પહોંચ્યો. બારણું ઠાલું અડકાડી રાખેલું હતું. ઉઘાડીને અંદર ગયો. જોડાજોડ બે ખાટલા પાથરી રાખેલા હતા. જુએ છે તો પાછળ વંડાની ચોપાડમાં એક બાજુ પથારી કરીને કાનો તરાર ઊંઘી ગયા હતા. ‘બિચારા રાહ જોઈ જોઈ થાકીને સૂઈ ગયા હશે. પણ ભલા જીવે અમારે બેને માટે…’ એને બેના વિચારે એનું મગજ હાથમાં ઝાલ્યું ન રહ્યું. ખૂણામાંથી કુહાડો ઉપાડીને કારી ઘોર રાત્રિમાં એ વીરચંદના ઘર તરફ ધસ્યો.

બીજે શ્રાવણે એ જ તોતિંગ ચગડોળ આગળ સોનાંની પડખે અવાક ઊભી ઊભી અંબી શૂન્ય નજરે એને ચક્કર લેતો જોઈ રહી હતી.

ને દેવો? રાજની તુરંગમાં, બનવાજોગ છે કે એ પણ અત્યારે બળદને ઠેકાણે માણસોમાં જોતરાઈને ગોળ ગોળ ફરતો, રેંટની ગતિ તરફ જોતો જોતો, પોરના મેળાની યાદ તાજી કરતો હશે.

સપ્ટે. ૧૯૩૬