ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચંદ્રકાન્ત બક્ષી/એક સાંજની મુલાકાત

એક સાંજની મુલાકાત

ચંદ્રકાન્ત બક્ષી




એક સાંજની મુલાકાત • ચંદ્રકાન્ત બક્ષી • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ

ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાખ્યું ને નવા ફ્લૅટમાં આવી ગયાં. ફ્લૅટ ભોંયતળિયે હતો. એમાં ત્રણ રૂમ અને કિચન-બાથરૂમ હતાં. બહાર નાનું ચોગાન હતું અને એને ફરતી દસેક ફૂટ ઊંચી ઈંટની દીવાલ હતી, જે તાજી વાઇટવૉશ કરેલી હતી. દીવાલની પાછળથી છૂટાંછવાયાં ઝાડ અને નીચાં મકાનોનાં કાળાં પડી ગયેલાં છાપરાં તથા બદલાતું આકાશ દેખાતાં. બારીઓમાંથી ચોગાન દેખાતું અને એમાં જાતજાતનાં ફૂલો ઉગાડવામાં આવતાં.

અમારી ઉપર અમારો બંગાળી મકાનમાલિક અક્ષયબાબુ એની સ્ત્રી અને ત્રણ બાળકો સાથે રહેતો. એ કોઈ ગવર્નમેન્ટ ઑફિસમાં ક્લાર્ક હતો. એની પત્ની શોભા કાળી હતી અને બહુ ખુલ્લા દિલથી હસતી ને રાતના અંધારામાં ચોગાનના ફૂલના છોડોમાં ફરતી. ત્રણ બાળકો બાલીગંજ તરફની કોઈ હાઈસ્કૂલમાં ભણતાં.

જ્યારે હું મકાનની તપાસે એક દલાલની સાથે આવેલો ત્યારે મારી પહેલી મુલાકાત શોભા સાથે થઈ હતી. મકાન જૂનું હતું અને અમારો ફ્લેટ વાઇટવોશ થતો હતો. દલાલે મને બહાર ઊભો રાખી અંદર જઈને વાત કરી લીધી અને પછી મને બોલાવ્યો. વાંસના બાંધેલા મચાન પર બેસીને રંગમિસ્ત્રીઓ ડિસ્ટેમ્પરના કૂચડા ફેરવતા હતા. રૂમ ખાલી હોવાથી મોટો લાગતો હતો અને દીવાલોમાંથી ભીના રંગની, ચૂનાની ને માટીની મિશ્રિત વાસ આવતી હતી.

‘તમે જગ્યા લેશો?’ નમસ્કારોની આપ-લે થયા બાદ એણે પૂછ્યું.

‘હા.’

‘તમે બે જણાં છો?’

‘હા.’ દલાલે વચ્ચે કહ્યું: ‘પતિ-પત્ની બે જ જણાં છે. બીજું કોઈ નથી. તમારે કોઈ જ જાતની ખટપટ નથી અને માણસો સૌ સારાં છે.’

હું ચૂપ રહ્યો અને બહારના ચોગાન તરફ જોઈ રહ્યો. શોભા મારું નિરીક્ષણ કરી રહી હતી એ હું સમજી ગયો.

જગ્યા અમને પસંદ હતી. આરંભિક વિધિઓ પતાવીને અમે બે દિવસ પછી લોરીમાં સામાન ખસેડી લીધો. અઠવાડિયા પછી સારો દિવસ જોઈને અમે રહેવું શરૂ કર્યું.

હું રોજ સવારે આઠ વાગ્યે નાહીને ગરમ નાસ્તો કરીને જતો. બપોરે એક વાગ્યે આવતો અને જમીને એક કલાક આરામ કરીને ફરી ચાલ્યો જતો. રાત્રે પાછા ફરતાં મને સાડાનવ વાગી જતા અને જમીને મારી પત્ની સરલા સાથે થોડો ઝઘડો કરીને સૂઈ જતો!

મારી અને શોભાની મુલાકાત બહુ ઓછી થતી, પણ એ મારા જવા-આવવાના સમયનો બરાબર ખ્યાલ રાખતી. એક રવિવારે સવારે હું પલંગ પર પડ્યો-પડ્યો એક ચોપડી વાંચતો હતો ત્યારે એણે બારીની જાળી પાછળ આવીને કહ્યું: ‘મિ. મહેતા! તમને ફૂલોનો શોખ ખરો?’

હું ચમક્યો. મેં ચોપડી બાજુમાં મૂકી અને બેઠો થઈ ગયો. રસોડામાંથી સ્ટવ પર ગરમ પાણી થવાનો અવાજ આવતો હતો. સરલા રસોડામાં હતી. મેં કહ્યું: ‘ખાસ નહીં.’

એ હસી ગઈઃ ‘તમારાં શ્રીમતીને તો બહુ શોખ છે. રોજ સાંજે મારી પાસેથી બે-ચાર જૂઈનાં ફૂલ લઈ જાય છે.’ હું જોઈ રહ્યો.

એટલામાં રસોડામાંથી સરલાનો અવાજ આવ્યો. શોભા બારીમાંથી ખસી ગઈ અને હું ઊભો થઈ ગયો. બધું એક સ્વિચ દબાઈ હોય એટલી ઝડપથી બની ગયું.

મારી અને શોભાની મુલાકાત બહુ જ ઓછી થતી. હું રવિવાર સિવાય આખો દિવસ મારી દુકાને રહેતો. બપોરનો થોડો વિરામ બાદ કરતાં હું સવારના આઠથી રાતના સાડાનવ સુધી ઘરની બહાર રહેતો. સવારે શોભા નીચે ઊતરતી અને મારા ગયા બાદ સરલા સાથે વાતો કરતી. રાત્રે સરલા મને રોજની વાતોનો રિપૉર્ટ આપતી અને હું બેધ્યાન રહી સાંભળતો.

થોડા દિવસો આ રીતે વીત્યા બાદ મને લાગ્યું કે મારામાં શોભાને પણ કાંઈક આકર્ષણ થઈ રહ્યું હતું એ અસ્વાભાવિક ન હતું, પણ એનો સ્પષ્ટ સ્વીકાર કરવા હું તૈયાર ન હતો. શોભા કાળી હતી, વયસ્ક હતી, ત્રણ બાળકોની મા હતી. હું અનાયાસે વિચારોમાં ઊતરી જતો, પણ એનામાં આકર્ષણ ખરેખર હતું. એના શરીરમાં ત્રણ બાળકો થઈ ગયા પછી પણ સરલા કરતાં વિશેષ સુરેખતા હતી. એ હસી ઊઠતી, મજાક કરતી જોતી — બધું જ ગભરાટ થાય એટલી નિર્દોષતાથી. એની ઊંચી, ભરેલી છાતી પરથી હું પ્રયત્ન કરીને તરત જ નજર હટાવી લેતો અને મને ગુનેગાર જેવી અસર થતી. કોઈ-કોઈ વાર મને એવો ખ્યાલ પણ આવતો કે કોઈ દિવસ સરલા ઘરમાં નહીં હોય અને એ એકાએક મારા ઓરડામાં આવી જશે અને બારીઓ બંધ કરી દેશે અને સાંજ હશે. અને હું પ્રયત્નપૂર્વક વિચારોને અટકાવી દેતો. મેં સરલાને આ વિશે કોઈ દિવસ કહ્યું ન હતું અને એ જ્યારે વાતવાતમાં શોભા વિશે વાત કરતી ત્યારે હું લાપરવા સ્વસ્થતાનો ડોળ રાખીને પણ પૂરા ધ્યાનથી એની વાત સાંભળી લેતો.

સરલા અને હું દર શનિવારે રાત્રે અથવા રવિવારે સવારે ફિલ્મ જોવા જતાં અને લગભગ અચૂક. અમે બહાર નીકળતાં ત્યારે એ બારીએ બેઠેલી હોય. સરલા પાસે એ મારી પ્રશંસા કરતી અને સરલા મને બધું કહેતી. એક દિવસ અમે ફિલ્મ જોવા જતાં હતાં ત્યારે રસ્તામાં સરલાએ કહ્યું: ‘શોભા બહુ હોશિયાર સ્ત્રી છે. એ ઉપર રહે છે, એટલે મને આ જગ્યામાં બિલકુલ ડર લાગતો નથી.’

‘ખરી વાત છે. છે તો વાઘણ જેવી. એ હોય પછી ગભરાવાનું નહીં.’

‘કોણ કેટલા વાગ્યે આવ્યું, ક્યારે ગયું — બધાંનો ખ્યાલ રાખે છે. તું કયા બસ-રૂટમાં જાય છે અને ગયા રવિવારે તેં શું પહેર્યું હતું એની પણ એને ખબર છે!’

‘એમ? તને કહેતી હશે!

‘હા. મને કહે છે કે સરલા, તેં છોકરો સરસ પકડ્યો છે!’

મેં સરલાની સામે જોયું. મારી આંખો મળતાં જ એ હસી પડી.

‘એની વાત ખરી છે. મેં ઉમેર્યું: ‘તેં છોકરો સરસ પકડ્યો છે!’

‘ચાલ હવે, પરણવાની ઉતાવળ તો તને આવી ગઈ હતી. મેં તો પહેલાં ના જ પાડેલી…’

‘પછી થયું કે વધારે ખેંચવા જઈશ તો હાથથી જશે, એટલે હા પાડી દીધી!’ મેં કહ્યું.

સામેથી આવતી ખાલી ટૅક્સીને ઊભી રાખીને અમે બંને હસી ગયાં.

દિવસો પસાર થતા ગયા. કોઈ-કોઈ વખત હું દુકાને જવા બહાર નીકળતો અને શોભા ચોગાનમાં ઊભી-ઊભી મને જોયા કરતી. સરલાની હાજરીમાં એ મારી સાથે હસીને વાત કરતી. ત્યારે અમે બંગાળીમાં વાતો કરતાં અને સરલા બંગાળી સમજતી નહીં. અક્ષયબાબુ સાથે મારે ખાસ વાત થતી નહીં. એ માણસ ઑફિસ સિવાયનો આખો દિવસ ઘરમાં જ બેસી રહેતો. કોઈ-કોઈ વાર ઉપરથી કંઈક રવીન્દ્રસંગીત ગાવાનો અવાજ આવતો અથવા સવારે બજારમાંથી શાકભાજી લેવા જતો ત્યારે દેખાતો.

સરલાએ એક વાર મને પૂછેલું: ‘આનો બાબુ કંઈ કરતો લાગતો નથી. વિધવાની જેમ આખો દિવસ ઘરમાં બેસી રહે છે.’

‘ક્યાંક નોકરી કરે છે અને આપણું ભાડું મળે છે, ગાડી ચાલે છે, પણ માણસ બિચારો બહુ શાંત છે.’

પણ આ બેનું જોડું કેવી રીતે બેસી ગયું? શોભાનો બાપ તો પૈસાવાળો છે, ઝવેરાતની દુકાન છે ને એ નાનપણથી કૉન્વેન્ટમાં ભણી છે.’

‘કૉન્વેન્ટમાંથી બિચારી જનાનખાનામાં ભરાઈ ગઈ…’ મેં કહ્યું.

‘જનાનખાનામાં કાંઈ ભરાઈ નથી.’ સરલાએ કહ્યું: ‘એના પતિને ભરી દીધો!’ અને અમે બંને હસ્યાં.

‘તને ખબર છે, આપણા ફ્લેટનું રંગ-રિપેરિંગ બધું એણે જાતે કરાવ્યું છે! પક્કી બિઝનેસ-વુમન છે! બંગાળીઓમાં તો આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળે!’ સરલાએ જવાબ આપ્યો નહીં. કૈં વિચારમાં હોય એવું પણ લાગ્યું નહીં.

દિવસો જતા તેમ તેમ શોભાએ મારા વિચારો પર સખત પકડ જમાવવા માંડી. મને દિવસ-રાત એના જ વિચારો આવતા. એ પણ મારી સાથે વાત કરવાની તક શોધતી ફરતી એ હું સમજી ગયો હતો, પણ બેવકૂફી કરે એવી સ્ત્રી એ ન હતી. બાગમાં ફૂલો લેવા એ ઊતરતી અને હું છુટ્ટીના દિવસે પલંગ પર પડ્યો હોઉં અથવા શેવિંગ કરતો હોઉં ત્યારે એની આંખોમાં હું મને મળવા આવવાની, એકાંતની ઇચ્છાને જોઈ શકતો. સરલા આખો દિવસ ઘરમાં જ રહેતી. શોભાને એનાં બાળકોમાંથી સમય મળતો નહીં અને હું ઘણોખરો વખત દુકાને રહેતો. એક દિવસ સવારે એણે મને કહ્યું: ‘તમે તો બહુ મજૂરી કરો છો, મિ. મહેતા!’

શું થાય? મેં કહ્યું: ‘તકદીરમાં લખાવી છે તે…’

‘તમારા જેવું તકદીર તો…’ એ રહસ્યભર્યું હસી: ‘બહુ ઓછા માણસોનું હોય છે.’ હું પણ હસ્યો.

‘મારે એક વાર તમારી દુકાને આવવું છે.’ એણે કહ્યું.

હું સખત ગભરાયો. દુકાનની દુનિયામાં હું શોભાને ઘૂસવા દેવા માગતો ન હતો. મેં તરત કહ્યું: ‘તમારે કંઈ જોઈએ તો મને કહેજો, હું લેતો આવીશ. દિવસમાં ચાર વાર તો આવ-જા કરું છું. એટલે દૂર તમે ક્યાંથી તકલીફ લેશો? વળી હું કદાચ બહાર ગયો હોઉં, મળું કે ન મળું.’ શોભા મારી સામે જોઈ જ રહી.

સરલાની હાજરીમાં મેં શોભા સાથે વાતો કરવી ઓછી કરી નાખી હતી. એ પણ સમજીને સરલાની હાજરીમાં મારી સાથે વાત કરતી નહીં. સરલા સાથે એને સારો સંબંધ હતો. મારી ગેરહાજરીમાં બંને બહુ વાતો કરતી. કોઈ વાર હું આવી જતો ત્યારે એ કહેતી: ‘ચાલો, હું જઉં છું. હવે તમે બંને વાતો કરો.’ અને તે તરત ચાલી જતી.

ઘણા દિવસો થઈ ગયા હતા. શોભા એકદમ પાસે હતી અને છતાંય કેટલી દૂર હતી. મને એની સાથે દિલ ખોલીને વાત કરવાની તક મળતી ન હતી. એ હંમેશાં પ્રયત્નશીલ રહેતી, મારી પાસે આવવા, પણ ઘરમાં એકાંત મળતું નહીં. સરલા હંમેશાં ઘરમાં જ રહેતી. એવું ભાગ્યે બનતું કે સરલા બહાર ગઈ હોય અને હું એકલો હોઉં. હું ફક્ત એ દિવસની કલ્પના જ કરીને સમસમી જતો. શોભાના વિચારોમાં હું એકદમ ગરમ થઈ જતો અને છેવટે નિરાશ થઈને વિચારતો કે કદાચ એવો પ્રસંગ કોઈ દિવસ નહીં આવે, જ્યારે ફ્લૅટના એકાંતમાં મળી શકીશું. અને જેમ જેમ નિરાશા થતી તેમ તેમ ઇચ્છા વધુ સતેજ બનતી. શોભા ગરમ સ્ત્રી હતી. એની આંખોમાં જવાનીનું તોફાન જરા પણ શમ્યું ન હતું અને વજનદાર શરીરમાં હજી પણ ભરતી હતી. હું એના માટે જાણે તરફડી રહ્યો હતો.

મને આડાઅવળા બહુ વિચારો આવતા. રોજ સાંજ નમતી અને રસ્તાઓ પર ઝાંખી ગૅસલાઇટો ઝબકી ઊઠતી ત્યારે હું ઉદાસ થઈ જતો અને મારું અડધું માથું દુખવા આવતું. કોઈ-કોઈ વાર મને ઘરે ચાલ્યા આવવાનું મન થતું અને હું દુકાનની બહાર નીકળીને એકાદ એરકન્ડિશન્ડ હોટેલમાં જઈને બેસી જતો અને કૉફી પીતો. એક દિવસ મને બેચેની લાગવા માંડી અને સાંજે જ હું ઘરે આવી ગયો. સરલા શાક લેવા ગઈ હતી. હું બારણું બંધ કરીને, કપડાં બદલીને પલંગ પર પડ્યો અને બહાર ડૉરબેલ વાગી. સરલા આવી ગઈ હતી.

મેં ઊઠીને બારણું ખોલ્યું. સામે શોભા ઊભી હતી.

તમે આજે બહુ વહેલા આવી ગયા?’ એણે પૂછ્યું.

‘હા, જરા તબિયત ઠીક ન હતી.’ મેં કહ્યું અને મારી તબિયતને હું એકદમ ભૂલી રહ્યો હતો!

‘સરલા હમણાં જ શાક લેવા ગઈ છે. એને હજી અરધો કલાક લાગશે આવતાં. તમને મેં આવતા જોયા એટલે થયું કે મળી લઉં… મને પણ થયું કે તબિયત ખરાબ હશે!’

‘અંદર આવો.’ મેં કહ્યું. મારા કાન ગરમ થઈ ગયા હતા. એ અંદર આવી, ને મેં બારણું બંધ કર્યું. અમે બંને એકબીજાને સમજી ગયાં હતાં. જાણે મારી તક અનાયાસે જ હાથમાં આવી ગઈ હતી.

અમે બંને વચ્ચેના મોટા ખંડમાં આવ્યાં. મારું હૃદય ધડકવા લાગ્યું. શોભા સામે હતી અને સરલાને આવવાને હજી અડધા કલાકની વાર હતી અને —

‘મારે તમારી સાથે એક ખાસ — પ્રાઇવેટ વાત કરવી છે.’ એણે કહ્યું. ‘અંદર ચાલો.’ હું બોલી ન શક્યો. અમે બંને ખૂણાવાળા રૂમમાં આવી ગયાં. સાંજ હતી. અંધારું હતું. મેં બત્તી જલાવી નહીં.

‘અહીં કોઈ નથી?’ એણે દબાતા અવાજે પૂછ્યું.

‘ના, ફ્લૅટમાં આપણે બે જ છીએ.’

એણે જરાક ખસીને વચ્ચેનું બારણું બંધ કરતાં કહ્યું: ‘સામેના મકાનવાળા આપણને જુએ એ મને પસંદ નથી.’

આખા રૂમમાં શૂન્યતા છવાઈ ગઈ.

એણે મને એની પાસે આવવાનો ઇશારો કર્યો. હું ખેંચાયો. મને લાગ્યું. હું ધ્રૂજી ઊઠીશ.

મારી આંખોમાં આંખો પરોવીને એણે કહેવા માંડ્યું: ‘આવી છું કંઈક કહેવા… સાંભળો, લગભગ રોજ સાંજે છ વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે! તમને ખબર છે?’

હું ધ્રૂજી ઊઠ્યો.