ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જનક ત્રિવેદી/બાવળ વાવનાર

બાવળ વાવનાર

જનક ત્રિવેદી

અમારા વહાલા એચ.પી. – આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. જાવિયા, મારું જો તમે સાંભળો તો આજે મારે તમને બે વેણ કહેવાં છે. આમ તો તમે કોઈનું દોઢડહાપણ સાંખી લો એવા નથી. પણ તમને હું જાણું ને, તમે મારી વાત સાંભળશો જ.

તો, વહાલા સાહેબ, આડત્રીસ વર્ષની નોકરીમાં તમે ઓછામાં ઓછાં ચાલીસ સ્ટેશન ફેરવી નાખેલાં. તમારી સર્વિસ કેરિયરનો આ ગ્રાફ છે. બહુ ખાડા-ખડિયાળો છે તમારો ગ્રાફ. સરખામણીએ તમારા જેટલી નોકરીવાળા કેટલાયે સ્ટેશન માસ્તર બહુ બહુ તો ચાર પાંચ સ્ટેશને નોકરી કરી રિટાયર થયા. કેટલાક તો એક જ સ્ટેશને પચ્ચીસ-પચ્ચીસ વરસ ચીટકી રહેલા. ઘણાએ પ્રમોશન જતાં કરી સારાં સ્ટેશન છોડ્યાં નહોતાં. અથવા કાયદા મુજબ એમની બદલીના ઑર્ડર પણ નીકળેલા. પણ હરવખત તે કેન્સલ થઈ જતાં અને તેમને ત્યાં જ પ્રમોશન મળી જતાં. કેટલાક વળી યુનિયનના કાર્યકર બની સારું સ્ટેશન પકડી રાખતા, પરંતુ એ તો ‘આવડત’ની વાત કહેવાય. એમના રસ્તા તમારાથી અલગ હતા, જે ‘વહેવારુ સમજદારી’ના રસ્તા કહેવાય છે.

પરંતુ, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. જાવિયા, તમારામાં આવી વહેવારુ સમજણનો તદ્દન અભાવ હતો. તમને એવું ક્યારેય આવડ્યું જ નહીં. તમે જિંદગી આખી સામે પવને દોડતા રહ્યા. વહેવારુ થવાની શિખામણ તમારા અવળચંડા દિમાગમાં ક્યારેય ઊતરી જ નહીં. અધિકારીઓ સાથે તમારે આડવેર, ઇન્સ્પેક્ટરો સ્ટેશન માસ્તર એચ. પી. જાવિયાની નજર બહાર કશું જાય નહીં. તમે પાટા વચ્ચે આડા ઊભા રહી જાઓ ને ઊધડો લઈ નાખો… પરમિશન વગર લૉરી કેમ ચડાવી? આ લાઇન ઉપર ગાડી આવે છે, કે શંટિન્ગ થાય છે તેની તમને ખબર છે? એક્સિડન્ટ કરવો છે? હાથકડિયું પેરવી છે?… કાયદા-બાયદા સેફ્ટીના ભણો છો કે સાવ હાલી જ નીકળ્યા છો…! અબઘડી જીઆરપીને મેમો આપું છું. સેફ્ટી ઑફિસરને તાર કરું છું… રેલવેને રાંડરાંડનું ખેતર સમજી બેઠા છો? ગુનામાં આવી ગયેલો પાટાનો ઇસ્પેક્ટર તમારી ઝડકીથી પરસેવે રેબઝેબ થઈ જાય. માફી માગે. જોકે બોલ્યા હો તેવું તમે કર્યું હોય એવો દાખલો નથી.

તમે તો એચ. પી. સાવ સાચા ઝેર જેવા. તમારો શબ્દેશબ્દ રેલવેના હિતમાં જ હોય. પણ કહો તો એચ. પી. રેલવેનાં હિતની કોને પડી છે, હેં?! રેલવે જાય જહન્નમમાં… કોઈને શું…?! તમે રેલવેના હિતનો ને વફાદારીનો ઝંડો લઈને દોડતા હતા ને વેરીઓ ઊભા કરતા હતા. પેલો પાટા ઇન્સ્પેક્ટર તમારા વિશે ખરાબ અભિપ્રાય બાંધી ચાલતો થાય. તમને એના લાભાલાભ અથવા દૂરગામી પરિણામોનો સારી પેઠે અંદાજ હતો જ. પરંતુ લાભ-ગેરલાભની વાત વિચારનાર એચ. પી. હોય જ નહીં.

તમને અંગ્રેજોના વારસદારોની એ જમાત તરફ ભારોભાર નફરત. એવો એકાદ નજરે ચડતાં તમારી નફરત ને કટાક્ષની ધાર નીકળતી. અંગ્રેજોના પૈદાઈથી બાબુ’ શબ્દનો ઇતિહાસ તમે અંગ્રેજી શાસનના વારસદાર બાબુસાહેબોને કહેતા. તમે જ કહો, એચ. પી. તમારી તાજી કંકરાવેલી જીભનો સ્વાદ ચાખનાર કોઈ ‘બળું’ તમારું કામ કરે ખરો?! આ બે સ્ટેશન વચ્ચે વગડામાં વસતા રાંક ફેલવાળાઓને સામંતી માનસપુત્રો પીડવાની એક પણ તક જતી ન કરતા, ત્યારે એચ. પી. તમે ધાગધાગા થઈ જતા. એમને તો સત્તાનો પાવર અને તોર હતા. પણ એચ. પી., તમને શેનો પાવર હતો?… તમારાં યુનિયનના લાલ ઝંડાનો ને?! – આવું કોઈ પૂછે તો તે તમને લાલ ઝંડાનું અપમાન લાગતું. તમને રેડ ક્લંગનો ભારે પાવર… તમે શું એને ખાખી લાલ લૂગડાનો કટકો જ સમજો છો? આ ઝંડો, ફ્રાન્સ, ચીન, રશિયા અને જગત આખાના શ્રમિકોના લોહીમાં ઝબોળાઈને ભારતના મજદૂરોના હાથમાં આવ્યો છે, સમજ્યા! સામ્રાજ્યવાદી અંગ્રેજો પણ એને લહેરાતો અટકાવી શક્યા નહોતા. દુનિયાના તમામ મજૂરોના લોહી-પરસેવાનો રંગ એક જ છે, લાલ. એ શ્રમજીવીને પીડનાર અમારો દુશ્મન. આ સર્વહારાઓને તમે શું સમજો છો.. ખાલી અભણને અજ્ઞાન ગેંગમેન… સાંધાવાળો…?! અભણ, અજડ, અજ્ઞાની, સ્વાર્થી અને હૈયાફૂટાઓ તો છીએ આપણે ઉજળા લૂગડાવાળા… હાક પડ્યું મોઢાં સંતાડનારા ગદ્દારો આપણે… ચામડી સલામત રાખવા ગોઠણિયાભેર થનારા આપણે બધા ખુરસીધારીઓ…!

બેરહમ તંત્ર સામે હક્ક અને અધિકારો માટે ત્રણ ત્રણ રાષ્ટ્રિય આંદોલનો લડતાં સૌ કરતાં વધુ તાદાદમાં પોતાનાં લોહી રેડ્યા હોય, ફના થયા હોય તો તે આ ગરીબો… તમે શું સમજો એમનાં બલિદાનોની ગાથાઓ. એ બધા અમારાં ગળાનાં હાડકાં છે.. તમે એની ઉપર જુલમ ગુજારો અને અમે તે જોતા રહીએ, એમ…?!

અમારા મત મુજબ તમારે આવો નિરર્થક બકવાસ કરવાની જરૂર નહોતી. ગેંગમેનને એના હક્કના રજા-પાસ માટે લબડધક્કે ચડાવનારા, મોસમમાં મગફળી, ડોડા, પોંક, શાકભાજી નહીં પહોંચાડનાર ગેંગમેનની હાજર હોવા છતાં ગેરહાજરી પુરનાર, રિપોર્ટ, ચાર્જશીટ, બદલીની ધમકીઓથી ડરાવી એની પાસે ઘરનાં કામ કરાવનાર તથા વગડાઉ બેહાલ ઘોલકી જેવાં ક્વાર્ટરમાં એકાદી બારી માટે અથવા રિપેરિંગ માટે, કે પાણીની વ્યવસ્થા માટે કરગરતા ગેંગમેનોની કાકલૂદીઓ પર ધ્યાન આપવાને બદલે એને હડધૂત કરનારા નિર્દય પીડબલ્યુઆઇ, વર્ક્સ ઇન્સ્પેક્ટરો અને એક્ઝિક્યુટિવ સાહેબો સામે ઉપવાસ આંદોલનો, નારા અને ઘેરાવ કરી તેમને મોઢે તરણું લેવડાવવાની, એચ. પી., તમારે જરાય જરૂર નહોતી.

સીપીડબલ્યુઆઇને લાંચ નહીં આપી શકવાથી હક્કની નોકરીથી વંચિત રહી ગયેલા મજૂરોનો પક્ષ લઈ તેમને તેમની નોકરીનો હક્ક અપાવવાની જીવલેણ કાર્યવાહી કરવામાં તમે કેટકેટલા બાબુ સાહેબો, અધિકારીઓને નારાજ કર્યા, દુશ્મનો બનાવ્યા તેનો તમે ક્યારેય હિસાબ કર્યો છે ખરો? તમે કેટલા લાભથી વંચિત રહી ગયા એ કદી વિચાર્યું છે? મજૂરો ક્યાં તમારા સગા થતા હતા કે તમે તમારા કાગળપેન અને તમારું ભેજું અને તમારો અતિ કિંમતી સમય વેડફી માર્યો? (તમારું ભેજું સલામત હોત તો કેટલો ફેર પડી ગયો હોત, મારા વહાલા એચ. પી.!) અને તમારે એ નમાલા લોકોના પાણી-પાણીના પોકાર સાંભળી એટલા બધા વ્યથિત ચક્કા જામ કરવાની શી જરૂર હતી?

આવા તો અસંખ્ય ઉદાહરણો આપી શકાય, જ્યાં તમારે કશું જ કરવાનું નહોતું. તમે જાડી ચામડી ધારણ કરી મૂંગા-બહેરા બની ગયા હોત તો આજે તમારા ફળિયાને રેલવેના સલેપાટોની આખી દીવાલ હોત, ઘરમાં સાગનું ઉત્તમ ફરનિચર શોભતું હોત. તમારા આસિસ્ટન્ટ શાહના ઘરમાં એવું કિંમતી ફર્નિચર ક્યાં નથી જોયું. પણ, વહાલા આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. તમે બધે બાવળ જ વાવ્યા.

આઇઓડબલ્યુને તમે ‘ભ્રષ્ટાચારી’ને બદલે ‘સાહેબ’ કહી બોલાવ્યો હોત, બેસવા ખુરશી આપી હોત. અને તેને ગમતી વાતો કરી હોત તો, વહાલા એચ. પી. કેટલો બધો ફેર પડી ગયો હોત. તમારાં સોસાયટીનાં ઘરની પછીતો જે આજે પણ પ્લાસ્ટર વગરની છે – તેને સિમેન્ટ પ્લાસ્ટર લાગી ગયું હોત. ખાડા-ખડિયાવાળી ફર્શ સરસ મજાની નવી ફર્શ બની ગઈ હોત. કાવડિયાંના અભાવે રંગ વગરનાં રહી ગયેલાં તમારાં ઘરનાં બારીબારણાં સુંદર ઑઇલ-પેઇન્ટથી ચમકતાં હોત. પણ અમારા વહાલા આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. તમે તો બધે બાવળ જ વાવ્યા.

તમારા સાળાનાં લગ્ન હતાં. બીજા દિવસે સવારની બસમાં નીકળવાનું હતું. પરંતુ તમારાં પત્નીને સાંજ સુધી તૈયારી કરતાં તમે જોયાં નહીં. ત્યારે તમે પૂછ્યું હતું. તૈયાર થઈ જાઓ. સવારે મોડું થાશે. તમારાં પત્નીએ નારાજ થઈ કહેલું. શું ખાક તૈયારી કરું! તમે પૂછેલું, કાં, શું થયું? તમારા પત્નીની આંખોમાં આંસુ હતાં, લગનમાં પહેરવા બૅગમાં શું નાખું… આ ગાભા? પછી ઘરેણાંનું દુ:સ્વપ્ન એમને આવે જ ક્યાંથી! યાદ છે, તમારો મોટો દીકરો સાંધેલાં કપડાં પહેરી સ્કૂલે જતો નહોતો. એને હાંસીપાત્ર બનવાની બીક લાગતી હતી. તમે એને નવાં કપડાં સિવડાવી આપવા તૈયાર તો થયા હતા, પરંતુ ખાદીનાં. ત્યારે તમે એને ખાદીનાં કપડાંની મહત્તા ગળે ઉતરાવવા કેવી કેવી હાસ્યાસ્પદ તરકીબો અજમાવી હતી, યાદ છે ને? તમે જુવાન છોકરાને સાદગીનું સૌંદર્યશાસ્ત્ર ભણાવવાની ભરપૂર કોશિશ કરી હતી. વધુમાં ગાંધીજીની આત્મકથા વાંચવાની ભલામણ પણ કરી હતી! તમારા દિલ ઉપર હાથ રાખી બોલો, એચ. પી. ત્યારે તમને દુ:ખ નહોતું થયું? તમારાં બાળકોને તમે નહોતાં છેતર્યા? તમારી જાતને નહોતી છેતરી, એચી. પી., તમે? ખોટું જ બોલ્યા હતા ને તમે? ખોટું બોલવું ને ખોટું કરવું બેય સરખું. ખોટું જ કરવું હતું તો ટ્રાફિક ઇન્સ્પેક્ટરને રેલવે સ્ટોલના મફતના ચા-નાસ્તો કરાવ્યા હોત, ક્યારેક જમવાનો આગ્રહ કર્યો હોત, ચાડી-ચુગલી કરી હોત તો તમે બીજા સ્ટેશન માસ્તરોની જેમ ઓવરટાઇમ, ટી.એ. રળી શક્યા હોત. તો આજે પગની કપાસીની જેમ દુ:ખતા પેલા પ્રસંગો તમને અને તમારા પરિવારને પીડતા ન હોત, હિણપત ડંખતી ન હોત. તમારા છોકરા ફૂલફટાકિયા થઈ ફરતા હોત. તમારું ઘર સોસાયટીના ઉત્તમ બંગલાઓ માંહેનો એક બંગલો હોત – જે બંગલાનો દરવાજો ખોલતાં પહેલાં તમારા સ્ટાફને વિચાર કરવો પડત! પણ, રે… અમારા વહાલા આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી., તમે તો આખી જિંદગી બધે બાવળ જ વાવ્યા.

ભાડમાં નાખવા હતા તમારા સાંધાવાળાને. તમે સારી પેઠે જાણો છો, સાંધાવાળો કોઈનો નથી હોતો. એ તો ખુરશીનો હોય છે. ખુરશી પર લાલ વાવટાવાળો બેઠો હોય કે કાળા વાવટાવાળો, – એને કશો ફેર પડતો નથી. સાંધાવાળાને પાટલી બદલતાં વાર નહીં. માથું વાઢીને ઓશીકું કરી દો તોય એ કહેવાનો કે ખેંચે છે. એવા કામચોર દારૂડિયાઓના ઓવરટાઇમ કાપી નાખનાર સ્ટેશન અધિક્ષક સાથે બાખડવાની તમારે શી જરૂર હતી? પેલા પંજાબી આસિસ્ટન્ટ ઑપરેટિન્ગ સુપરિન્ટેન્ડેન્ટે સાંધાવાળાઓ પાસે, એમના છોકરાઓનાં નામ ઘુસાડી દેવા માટે પાંચ-પાંચ હજાર માગ્યા તેમાં તમારે વીર પટાધરની જેમ કૂદી પડવાની કઈ જરૂરત હતી? ચોરમાં મોર પડે તેમાં તમારે લોહી ઉકાળા કરવાની ક્યાં જરૂર હતી. તમારે અધિકારીને પક્ષે રહેવું જોઈતું હતું અથવા વચેટના માણસ રહ્યા હોત તો પાંચ-દસ હજાર તમેય કમાઈ લેત. ડાયા માસ્તરો અને શાણા યુનિયનવાળાઓ એમ જ કરે છે એનો ખ્યાલ તમને, એચ. પી., ન આવ્યો તે ઠેઠ સુધી ન જ આવ્યો. સાંધાવાળાઓને તમારા કમ્પાઉન્ડના દરવાજે બહાર ઊભા રાખી વાત કરવી જોઈતી હતી. તેને બદલે તેમને ઘરની એક માત્ર ખુરશીમાં બેસાડતા હતા, જો તમે ખાટલા ઉપર બેસતા હતા. વાહ, એચ. પી., વાહ, તમારો જોટો જડવો મુશ્કેલ? ચાર લીંટીની અરજી માટે તમે એને ચાર દિવસના ધક્કા ખવડાવ્યા હોત તો સાંધાવાળાઓમાં તમારી ‘સાહેબ’માં ગણતરી થાત. સ્ટેશન માસ્તરોને બદલે તમે તો સાંધાવાળાઓને દિવાળીની મીઠાઈ ખવડાવતા હતા. તમે તેમને પડ્યા હોત તો તેઓ તમને સલામો ભરત, તમારાં અંગત કામ હોંશે હોંશે કરત. તમારે હાતિમતાઈ બનવાની ક્યાં જરૂર હતી, મારા સાહેબ?!

મેં તમને અગાઉ સાડી સત્તાવાર કહ્યું, તમારે કશું જ કરવાનું નહોતું. જેમ ચાલતું હતું તેમ ચાલવા દેવું હતું. પરંતુ તમે કશું જ ચલાવી લીધું નહીં અને ચાલવા દીધું નહીં. તમે કોઈ ખાસ ઉસૂલ મુજબ જીવનારા આદમી હતા. તેમ તમે માનતા હતા. થતાં ડેમરેજનો એક રૂપિયોય રેલવેને નહીં પરખાવનાર ખંધા વેપારીઓ પાસેથી વેગનનાં ડેમરેજની મોટી રકમો વસૂલી તમે રેલવેને કમાવી દીધી હતી. તેમ કરવા કરતાં બીજા સ્ટેશન માસ્તરોની જેમ મારફત ઉપર ડેમરેજને બદલે થોડી ઉપલક રકમ આડું જોઈ તમારા ખીસામાં સરકાવી દીધી હોત તો કેવું સારું હોત!)

ચોરીના કોલસાની કમાણીમાં ભાગ પડાવવાને બદલે, એચ. પી., તમે તો કોલસાની ચોરીઓ સમૂળગી બંધ કરાવી દીધી હતી. સ્વાભાવિક જ બીજા સ્ટેશન માસ્તરોની કાળી કમાણી ઉપર સીધો છીણીનો ઘા થયો હતો. જુગાર તો સાહેબ, દરેક સ્ટેશને રમાય છે – ઑફિસમાં અથવા વેઇટિંગ રૂમમાં, ચાલતી ગાડીમાં રિઝર્વેશન કોચમાં, ગાર્ડની બ્રેકમાં જુગાર તો ઈશ્વર સમાન છે – સર્વવ્યાપી! તમારે મનોરંજનની એ નિર્દોષ પ્રવૃત્તિને બંધ કરાવવાની શી જરૂર હતી? રમનારાઓ ક્યાં મફતમાં રમતા હતા. એ તો બિચારા ઓન ડ્યૂટી સ્ટેશન માસ્તરને સો રૂપિયાની કડકડતી નોટ આપતા હતા! તમને એ કડકડતી સોની નોટ ખીસામાં મૂકતા શું ઘા વાગતા હતા?! તમારે કશું ગુમાવવાનું નહોતું. ઊલટા તમે વેપારીઓ, જુગારીઓ, ચોરટાઓ, દારૂડિયાના સ્નેહપાત્ર બનત, તમારી વાહ વાહ બોલાત. પણ તમે તો સિદ્ધાંત મુજબ જીવનારા આદમી. તમને વા મુજબ વળતાં આવડ્યું જ નહીં. અમારા વહાલા આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. તમે તો બધે બાવળ જ વાવ્યા!

તમે તો, એચ. પી. સિદ્ધાંતનાં પૂંછડાં! રેલવેના કોલસા બાળવા નહીં, કે કોઈને ચોરવા દેવા નહીં. (ચોરવા દીધા હોત તો તમારા બાપનું શું જતું હતું… હું…? તમારા છોકરાને કેરોસિન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું ન પડત. વધારામાં સજ્જન અને ઉદાર સ્ટેશન માસ્તર તરીકે તમારી નામના થાત.) રેલવેના કાયદા બહારના કોઈ ગેરલાભ આપી વેપારીઓને રાજી રાખવા નહીં. દિવાળીની બોણી, મારફતની પાવલી હરામ! એમ કરીને તમે મેળવ્યું શું? તમારી વિરુદ્ધ ફરિયાદો – જે ઑફિસરો સહેલાઈથી માની લેવા તૈયાર રહેતા ચાર્જશીટો, ઇન્કવાયરીઓ, સ્ટાન્ડર્ડ: ફોર્મ ઇલેવન… ફાઇવ, એલિગેશન્સ, પનિશમેન્ટ, સ્ટોપેજ ઑફ ઇન્ક્રિમેન્ટ્સ… પાસ પીટીઓ બંધ… પ્રમોશન બંધ… ડિકેટેગરાઇઝેશન અને સજાઓનો એક લાંબો સિલસિલો! બદનામી, ખરાબ થયેલી ફાઇલ અને વરસમાં બબ્બે ટ્રાન્સફરો – એ જ મળ્યું કે બીજું કંઈ?! કાયદો અને સિદ્ધાંતની મા પૈણી ન હોત તો તમારા પગમાં રબ્બરનાં સ્લિપર ન હોત, બાટાના મોઘાદાટ બૂટ ચમકતા હોત. પણ અમારા વહાલા આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી., તમે તો બધે બાવળ જ વાવ્યા.

તમે ક્યારેક આત્મખોજ કરી હોત તો સહકાર્યકર સ્ટેશન માસ્તરો તથા આજુ બાજુના સ્ટેશનોના સ્ટેશન માસ્તરોને તમારી ઇમેજ બગાડનારા દુશમન બનાવ્યા ન હોત. બાજુના સ્ટેશનનો માસ્તર ટી. વી. જોવા ગયો હોય (ભલા, તમારે ટી. વી. નથી. કાં?!) અથવા આરામ ફરમાવવા ગયો હોય ત્યારે તેના બદલે તેનો સાંધાવાળો બ્લોક ઑપરેટર કરતો તે તમારે ચલાવી લેવું જોઈતું હતું. તમે વાંધો ઉઠાવ્યો ન હોત. કે કચવાટ ન કર્યો હોત અથવા સેફ્ટીના કાયદાની પત્તર ન ફાડી હોત તો એ સ્ટેશન માસ્તરોએ તમને અચ્છા આદમી’નો શિરપાવ આપ્યો હોત, દસ માણસો સામે તમારાં વખાણ કર્યા હોત અને તમારા સુખદુ:ખના સથવારા બનત. બ્લોક નોરમલ કરાવી સામેવાળા સ્ટેશન માસ્તરની પાછલા પહોરની નીંદર બગાડવાનું જઘન્ય કૃત્ય તમે શા માટે આચરતા હતા તે અમને હજી પણ સમજાતું નથી. તમે કાયમ તમારો એકનો એક ગોગો ફૂટ્ય રાખતા… કાયદા બનાવ્યા છે તે કંઈક સમજી કારવીને જ બનાવ્યા હશે ને…!… એનું પાલન કરવું ને કરાવવું તે મારી ફરજ છે… રેલવે મને એનો જ પગાર આપે છે… તેમાં કોઈ માઠું લગાડે તેની મારે ચિંતા કરવાની શી જરૂર. પણ, મારા ભાઈ, સ્વાર્થની એવી ઝીણી ઝીણી નમાલી બાબતોમાં આવા માણસો માઠું લગાડતા હોય છે અને તમારા વિરોધી બની જતા હોય છે. તમારા નેક ઇરાદા, સાફદિલી, વફાદારી અને પ્રમાણિકતા – એ બધું તેઓ શા માટે જુએ? તમારી નેકી અને સાફદિલી સાથે એમને શી નિસબત? તમારા સાથી સ્ટેશન માસ્તરો સિનેમા હાઉસના માલિકોને રસીદ વગર ફિલ્મની પેટી આપી દેતા, ને વળતરમાં મફત ફિલ્મ જોવાનો લહાવો લેતા. તમે આ પરમ્પરા ચાલવા દીધી હોત તો તમારી બોલબાલા હોત. તમારા સ્ટાફના નાના કર્મચારીઓ તથા ઇન્સ્પેક્ટરો તમારી વગથી મફતમાં ફિલ્મો જોઈ શકત. વળી તમારાં છોકરાંઓને ફિલ્મ જોવાનાં કાવડિયાં ખર્ચવા પડત નહીં. પરંતુ અમારા વહાલા આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી. તમે તો બધે બાવળ જ વાવ્યા.

અને હવે છેલ્લી વાત. તમે રિઝર્વેશનના ‘ઉપલા’ પૈસાની ઉઘરાણીને અપ્રમાણિક અને અધમ ગણતા. તેમને તમારી ફિલોસૉફી ભારે પડી જતી, ને તેમની કમાણી તૂટી જવાના સતત ભયથી પીડાતા રહેતા. નહીં ને ક્યાંક તમે સારા ગણાઈ જશો તેમની તેઓ ચિંતા કરતા રહેતા. તમારે તેમની સાથે જ ચાલવાની જરૂર હતી. પરંતુ તમે તો ફાયદો, લાભ, સ્વાર્થ, વહેવારુપણાં જેવી મહત્ત્વની અને નિર્ણાયક બાબતોને તદ્દન ફાલતુ, ભ્રષ્ટ, અને બેઇમાનીભરી ગણતા હતા. પણ તેમાં બેઇમાની તો ગણાય જ નહીં. એ તો પ્રજાની સેવાનો એક હિસ્સો જ કહેવાય. પાયાની આ વાત તમારાં બગડેલ ભેજમાં ક્યારેય ઊતરી જ નહીં. તમે તમારા પ્રિય સાથીઓને, મહાન રેલ પ્રશાસનના આદરણીય ગ્રાહકોને તથા તમારા પરિવારને બિનવફાદાર રહ્યા. બહુ ખોટું કર્યું. એચ. પી., તમે બહુ ખોટું કર્યું. અમારા વહાલા બંધુ… અમારા માનનીય આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી., તમે તો બધે બાવળ જ વાવ્યા.

– હવે છેલ્લી, – સાવ છેલ્લી – માથામાં પથ્થર વાગે તેવી વાત કરું. તમારી નામના કજિયાખોર અને બાધડુની બાવળ વાવનારની… થોરનાં જંગલ ઉગાડનારની, ટ્રાન્સફર થયેલા સ્ટેશને તમારી પહેલાં તમારી બદનામ ઇતિહાસકથાઓ અચૂક પહોંચી ગઈ હોય. પરિણામસ્વરૂપ નવી જગ્યાએ તમારી ઇતિહાસકથાઓનું આકંઠ પાન કરેલાઓની એક આખી ટોળકી તમારું યથોચિત સ્વાગત કરવા તૈયાર રહેતી.

રેલતંત્રના આદરણીય ગ્રાહકોની ફરિયાદો, ઇન્સ્પેક્ટરો અને સ્ટેશન અધિક્ષકોના કોન્ફિડેન્સિયલ રિપોર્ટોથી અને તમારી નિર્ભેળ ઝેર જેવી યુનિયન કાર્યવાહીઓનાં કારનામાંઓથી ભયાનક ચીતરાયેલી તમારી ફાઇલ જોઈ, લાલ લૂગડું ભાળી ભડકતા સાંઢની જેમ ભૂરાંટા થયેલા અધિકારીઓએ તમને પૂરાં આડત્રીસ વરસ આમથી તેમ ફંગોળ્ય રાખ્યા. તમે રિટાયર થયા ત્યાં લગી આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર જ રહ્યા. ઓડના ઉચાળા ભરાતા રહ્યા. મીંદડીનાં બચોળિયાંની જેમ બાળબચ્ચાંઓ લઈ તમે સગવડતાવિહીન વેરાન સ્ટેશનોમાં અભાવગ્રસ્ત જિંદગીનો ભાર ખેંચતા રહ્યા. બહેતર જિંદગીની રાહ જોતા રહ્યા. આશાવાદ ટકાવી રાખવાની મથામણમાં તમારી અને તમારા પરિવારની જિંદગી બરબાદીમાં જૉસી દીધી તમે. અને તમારા આ ભ્રમ અને દંભ તો જુઓ, સાહેબ! તમે રેલવેના વફાદાર કર્મચારી, યુનિયનના સન્નિષ્ઠ, તેજાબી, સિદ્ધાંતવાદી કાર્યકર, કચડાયેલાઓના હમદર્દ અને એવા કેટલાયે સંભ્રમો અને છલનાઓમાં અતિ દુ:ખમય જીવન વ્યતીત કરતા રહ્યા. તમને પ્રભુ દુ:ખ અને યાતનાઓનો ખોટો કહેવા, કે બીજું કંઈ?! અમારા વહાલા બિરાદર… અમારા પ્રિય સાથી… બંધુ… અમારા આદરણીય આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર એચ. પી… હરિલાલ પ્રાગજી જાવિયા… તમે તો જિંદગી આખી બધે બાવળ જ વાવ્યા…! અરે, બાવળનું આખું જંગલ વાવીને ઉછેરતા રહ્યા!!!

તમારી નિવૃત્તિના દિવસે તમારા વર્ગના કર્મચારીઓના ચહેરા પર ઉપહાસ, ધૃણા, ધિક્કાર તથા તમારા જેવાં ડાભોળિયાંથી મળેલા છુટકારાના ભાવ રમતા હતા. તમને જોઈ તેઓ એકબીજા સામે આંખ મિચકારી ઇશારા કરતા હતા, કે – આ પાપ ટળ્યું હવે! કારણ એટલું જ, અમારા વહાલા એચ. પી., કે – તમે માત્ર બાવળ જ વાવ્યા હતા.

જરા એક મિનિટ… પ્લીઝ… એક જ મિનિટ મને જરા આડું ફંટાવા દો. મને થોડું કંઈક યાદ આવે છે તે સંભારી લેવા દો…

– થોડાં રમૂજી દૃશ્યો મારી સાંભરણમાં છે તે યાદ કરી લઉં… જોકે મારા ચિત્તમાં એની બહુ સારી છાપ નથી, છતાં…

થોડાં વરસો અગાઉની વાત છે.

કેટલાક મુલાકાતીઓ તમારા ઘરે આવ્યા હતા. તમે ખાટલા ઉપર બેઠા હતા. તમારા પગ પાસે નીચે મજૂર જેવા બે માણસ બેઠા હતા. સાથે લાવેલી મેલી થેલીઓ તેમણે જમીન ઉપર ખાલી કરી હતી, તે નદીના વાડાનાં રીંગણાં, મરચાં, ટમેટાં જમીન ઉપર ફેલાયેલાં પડ્યાં હતાં. સામેના ખૂણે તેમનાં અડધાં નાગાંવૃંગાં-મેલાંઘેલાં બાળબચ્ચાં વિસ્ફારિત નજરે તમારી સામે જોઈ રહ્યાં હતાં. તેમાંની, લીંદરાં-લીંદરાં ઘાઘરી-પોલકાંવાળી, માથે ફાટેલું મેલું પોચું ઓઢેલી, ટગર-ટગર જોઈ રહેલી મીંદલાવાળી એક નાનકી છોકરીને તમે તેડીને ખોળામાં બેસાડી હતી. થોડે દૂર લાજ કાઢેલી બે કૃશકાય સ્ત્રીઓ તેના જરવાળિયા મેલા સાડલાના ફાટેલા છેડા બે હાથે તમારી સામે પાથરી જમીન સુધી માથાં નમાવી રહી હતી. તમે મૂંગા બેઠા હતા. એચ. પી. મૂંગા બેઠા હોય તે ખરેખર રમૂજી વાત જ ગણાય.

વહાલા, એચ. પી., તમે હડતાલમાં નોકરી ગુમાવી ઘરે બેઠા હતા. બીજી દિવાળી આડે થોડા દિવસો હતા. એક મોડી રાત્રે દાઢી-મૂછવાળા એક આદમીએ તમારા ઘરનું પાછલું બારણું ખખડાવી તમને બહાર બોલાવ્યા હતા. અંધારામાં તમે બિન્ને વાતો કરતા કરતા વડછડે ચડી ગયા હતા. પેલા માણસે પોતાના ખીસામાંથી કાઢી તમારા ખીસામાં કંઈક મૂક્યું હતું. તમે તે પાછું પેલાના ખીસામાં મૂકી દીધું હતું. એ આપે અને તમે પાછું વાળોની તમારી વારંવારની ચેષ્ટાઓ અંધારામાં ભારે રમૂજપ્રેરક લાગતી હતી. આખરે પેલો દૂબળો-પાતળો મૂછોવાળો તમારો હાથ પકડી – ‘અલ્લાના વાસ્ત… મારા એકના એક બેટાના સોગંદ’ – એવું કંઈક બોલતાં તમને વિનવતો હતો. એચ. પી., તમારી અજડાઈ પણ ભારે! નહોતું લેવું તો કંઈ નહીં, પણ પેલાને આંખમાં ઝોંકો તો નહોતો વગાડવો! બચાડો ગયો ત્યારેય આંખો લૂછતો હતો.

હારતોરા, માન-સન્માન કે વિદાય સમારંભ વગર તમે નિવૃત્ત થઈ ગયા હતા. રેલવે ક્વાર્ટર ખાલી કરી બધો સામાન ટ્રકમાં ભરનાર થોડા ચીંથરેહાલ માણસો તમને વીંટળાઈ વળ્યા હતા. ઝાઝીવાર પછી તમે ટ્રક તરફ વળ્યા ત્યારે પેલાઓમાંથી સૌથી વધુ બેહાલ દેખાતો માણસ તમારી પાસે દોડી આવ્યો હતો, ને એણે બંડીના ખીસામાંથી બીડી કાઢી તમને આગ્રહ કરી પિવડાવી હતી. તમારી બીડી એણે પહેલાં સળગાવી આપી હતી અને પછી પોતાની બીડી સળગાવી હતી. ક્લાસ ફોર્થ સાથે બીડી ફૂંકવા, એચ. પી. તમારી રીતે ધોળા ડગલાઓવાળાઓને ભલે હાસ્યાસ્પદ લાગતી હોય, પણ અમને તો બહુ રમૂજી લાગતી હતી.

જ્યારે જ્યારે કોઈ ગેંગમેન, કોઈ સાંધાવાળો મળી જાય છે, અને તમારી વાત નીકળે છે ત્યારે એના ચહેરા પર અજાણપણે ખુશીના ભાવ કેમ ફરકી જાય છે?! અને વાત-વાતમાં ગરીબની છઠ્ઠીનો જાગતલ’ – અથવા – ‘વજ્જરની છાતીવાળો – જેવા શબ્દો એના હોઠ કેમ બોલી જતા હશે?!… રામ જાણે…!!

હવે મને પૂછો કે – આવી બધી સાવ નકામી અને અર્થહીન વાતો અને દોઢ ડહાપણ કરનાર હું કોણ છું. હું પણ તમારી જેમ આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર છું. (હા, અહીં તમારા દીકરા મનુને સાંધાવાળાનું કામ ફાવી ગયું છે, મારા ક્વાર્ટરમાં રહે છે. ચિંતા કરશો નહીં.) તમને મારા બંધુ, યાદ નહીં હોય, પણ… પણ એક સાંધાવાળો રિટાયર્ડ થતાં પહેલાં એના છોકરાને નોકરીએ વળગાડી દેવા તમારે ગળે પડેલો, અને તમે તમારા અધિકાર બહારની તાકાત અજમાવી હતી. તમારી નોકરી જોખમમાં મૂકી દીધી હતી. તમારાં બાળ-બચ્ચાંઓને ઘંટી ચાટતા કરી તમે એના છોકરાને સાંધાવાળા તરીકે દાખલ કરી દીધેલો. હું એ જ છોકરો છું. સાહેબ, એ જ ગરીબ સાંધાવાળાનો છોકરો…! તમારો આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર!!

અને મારા જીવનદાતા, મારા પ્રિય એચ. પી. સાહેબ, હું જે જે સ્ટેશને નોકરી કરવા જાઉં છું, તે દરેક સ્ટેશનના સાંધાવાળા અને ગેંગમેન મને સ્ટેશન માસ્તરનું ક્વાર્ટર તથા ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં છાંયડો પાથરતા ઘેઘૂર લીલાછમ્મ ગુલમહોરનાં ઝાડ ચીંધી કહે છે… ઓલ્યાં કોટરમાં આશિટંટ ટેશન માસ્તર એચ. પી. જાવિયા રહેતા’તા… ને ઓલ્યાં ઝાડવાં પણ એચ. પી. સાહેબે વાવેલાં. ૧૯૯૧