ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/ભૈયાદાદા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથ...")
 
No edit summary
Line 177: Line 177:


ભૈયાદાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી. હોલા બેસતા, ચકલીઓ બોલતી, ને કોયલ વાડ ને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે? સંસ્થા… વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે.
ભૈયાદાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી. હોલા બેસતા, ચકલીઓ બોલતી, ને કોયલ વાડ ને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે? સંસ્થા… વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે.
Previous: વિનિપાત
Next: રજપૂતાણી
BACK TO
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 06:24, 17 June 2021

રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથી ઊભા હતા. દૂરથી આવેલા ગામડિયાઓ, પરગામના ઉતારુઓ અને પ્રથમ જ ગાડીમાં મુસાફરી કરવા આવેલી સ્ત્રીઓ, સૌમાં તરી નીકળે એવા આ ત્રણ ગૃહસ્થો તરફ વારંવાર જોઈને, કાંઈક છાની વાતો કરી લેતાં હતાં.

‘પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે?’ પોતાની સાહેબશાઈ ટોપી હાથમાં ફેરવતાં ફેરવતાં એક જુવાને પ્રશ્ન કર્યો. એની પ્રશ્ન કરવાની ઢબથી એમ લાગતું હતું કે તે સૌમાં વડો હતો.

લાંબા સુકાઈ ગયેલા મોંવાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો: ‘સાહેબ! ત્યાં પચ્ચીસ વર્ષથી એક જ માણસ રહે છે.’

‘પચીસ વર્ષ!’

ત્રીજો માણસ, જે ન કારકુન કે ન અધિકારી જેવો – વચ્ચેની સ્થિતિનો લાગતો હતો તેણે મોં મલકાવી હા પાડી.

‘અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો?’ જુવાન અધિકારીએ પોતાની નેતરની સોટી જમીન સાથે ભરાવીને વાંકી વાળતાં કહ્યું.

બન્નેમાંથી કોઈએ જવાબ આપ્યો નહિ. અંતે પેલો કારકુન જેવો બોલ્યો: ‘સાહેબ, વૃદ્ધ માણસ છે. આજ પચીસ વર્ષે ક્યાં જાય? આપણે જ નિભાવ્યે છૂટકો.’

જુવાન અધિકારીના હોઠ સખ્તાઈમાં જરા દબાયા. સોટીથી એક કાંકરો આઘે ઉડાડી તે બોલ્યો: ‘આપણે માણસ સાથે કામ નથી, કામ સાથે કામ છે. ક્યાં જાય એ જોવાનું એને રહ્યું; કેવું કામ કરે છે એટલું જ આપણે જોવાનું છે.’

કારકુનનો લાંબો અને નિસ્તેજ ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો. એનું હૃદય કંઈક નિખાલસ હતું. પંદર વર્ષનો હતો ત્યારથી તે કારકુન રહ્યો હતો. તેણે કાળાંધોળાં કરીને તો નહિ પણ અનેક અધિકારીઓની નીચે અનેક સ્વભાવ રાખીને શિરસ્તેદારી મેળવી હતી. એટલે એનામાં પોતાનું તેજ કે પ્રભાવ તો ન હતાં, છતાં સારો સ્વભાવ હોવાથી સારું કરવા તરફ વલણ રહેતું. સાહેબના હોઠની સખ્તાઈ જોઈ એ વધારે નરમાશથી બોલ્યો: ‘ભૈયો બદ્રીનાથ ત્યાં પચીસ વર્ષથી નોકરી કરે છે.’

‘એની ઉંમર કેટલી છે?’

‘હશે આશરે સત્તાવન-અઠ્ઠાવન.’

‘ત્યારે એ કામને માટે નાલાયક છે!’ સાહેબે ફેંસલો આપ્યો. સાહેબના મગજમાં અત્યારે અધિકારીનું તોફાન પણ છે, એ ચતુર શિરસ્તેદાર સમજી ગયો, અને તેથી બીજી વખત સમજાવાશે એમ વિચારી તે શાંત રહ્યો.

એવું બન્યું હતું કે રંગપુરના સ્ટેશનથી આશરે બે-એક માઈલ દૂર રેલવેની સડક જાહેર સડકને કાપીને જતી હતી એટલા માટે એ ક્રૉસિંગ આગળ રેલવે સત્તાવાળાઓએ એક ઓરડી બાંધી ત્યાં એક માણસ રાખ્યો હતો. બદ્રીનાથ ભૈયો આજે પચીસ વર્ષ થયાં, એના એ જડ જબરદસ્ત લાકડાને ગાડી આવવાને વખતે આડું ઠસાવતો અને ગાડી જાય એટલે ઊભું કરતો. થોડા વખત પહેલાં એની સરતચૂકથી એક અકસ્માત થતો રહી ગયો હતો. રંગપુરના સ્ટેશન પર ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ, ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને શિરસ્તેદાર આજે એ જ વાત કરી રહ્યા હતા.

એટલામાં સ્ટેશન પર ગાડી આવી, ને સાહેબ પોતાના ડબ્બામાં ગોઠવાઈને બેઠા. બેસતાં બેસતાં પણ એના તુંડમિજાજી સ્વભાવને આનંદ આવતો હોય તેમ વારંવાર કારકુન સાથે એની એ વાત કરતા હતા: ‘એ જગ્યાએ કોઈ અનુભવી અથવા છેવટે ચપળ માણસ નીમવો પડશે.’

તેના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં ડૂબી ગયા. બન્ને નીચલા અધિકારીઓએ સલામ કરી, ને ગાડી રવાના થઈ ગઈ.

શિરસ્તેદાર વિનાયકરાવ હંમેશાં ગામની એ સડકે બે-ત્રણ માઈલ ફરવા જતો. એની રૂપાના હાથાવાળી લાકડી, જૂનો જાળવી રાખેલો રેશમી દુપટ્ટો, દક્ષિણી પાઘડી, ને ચંપલ આ રસ્તા પર છેલ્લાં દસ વર્ષ થયાં નિયમિત મુસાફરી કરતાં. બદ્રીનાથની ઓરડીએ જઈ તે બે ઘડી બેસે ને રાવસાહેબને આવેલા જોઈ ભૈયો પણ પોતાની નાનીશી વાડીમાંથી બહાર નીકળી ઠંડું પાણી ભરી મૂકે, પછી બન્ને પરદેશીઓ સુખદુઃખની વાતો કરે ને એમ હંમેશાં સાંજ વીતી જાય.

આજે પણ સાંજે વિનાયકરાવનાં મંદ પગલાં એ તરફ વળતાં હતાં. ધીમે ધીમે ત્યાં પહોંચ્યો ને ભૈયાને ન જોઈ, કંઈક આશ્ચર્ય પામી, પોતાના હંમેશના ઓટલા પર બેઠો. ઊંડો વિચાર કરતો એ ભૈયાની સુંદર કૃતિ જોઈ રહ્યો હતો – ભૈયાએ પોતાની ઓરડીની પાછળ વાડા જેવું કરી એમાં ગલગોટા, કરેણ, કેળ ને પપૈયાં વાવ્યાં હતાં. એક કારેલીનો ને એક વાલોળનો એમ બે માંડવા પણ બનાવ્યા હતા. ઓરડીના બારણા પાસે થોડાક મરચીના રોપ, અજમો, કોથમીર ને તુલસીના ક્યારા હતા, અને આગળના ભાગમાં બે-ચાર નાનાં નાનાં ઝાડવાં પર ફૂલવેલીની જુદી જુદી જાત ચડાવી માંડવા જેવું કરી લીધું હતું. એની ચારે તરફ થોડાક વાંસ ખોસી ખપાટો બાંધી લઈ ભીંત બનાવી હતી અને નીચે જમીન પર ધોળી ફૂલ જેવી સ્વચ્છ ગાર કરી હતી. ભૈયાની એક બકરી આમાં બંધાતી હતી. વિનાયકરાવ, ભૈયાનું ઘર અને તેનું કલાવિધાન જોઈ રહ્યો.

એટલામાં ભૈયાના ઘરમાંથી એક આઠ-દશ વર્ષની છોકરી બહાર નીકળી. વિનાયકરાવને જોઈને એકદમ પાછી અંદર ગઈ ને ભૈયાને કહ્યું: ‘ભૈયાદાદા! બહાર તો કોઈક બેઠું છે!’

‘કોણ છે?’ કહી ભૈયો બહાર આવ્યો.

આજે આઠેક દિવસ થયાં તે જરાક અસ્વસ્થ હતો, તેમજ વિનાયકરાવ પણ એકાદ અઠવાડિયું થયું આ તરફ આવ્યા ન હતા, એટલે વિનાયકરાવ હશે એ ડોસાને યાદ રહ્યું નહિ. બહાર આવતાં જ તેણે વિનાયકરાવને જોયા.

‘ઓહો! પાની, છોકરી, આ તો આપણા રાવસાહેબ છે. ઠંડા પાણી લાવો, ચાલો.’ અને ભૈયો પોતાની હંમેશની ઢબથી વિનાયકરાવ પાસે જઈ બેઠો. બિલાડીનાં બે-ત્રણ બચ્ચાં એના વૃદ્ધ શરીરને ઘસાઈ ઘસાઈને ફરવા લાગ્યાં.

વિનાયકરાવનું જિગર ચિરાઈ રહ્યું હતું. ભૈયાને આ જગ્યા પર કેટલો પ્યાર છે એનો ખરો ખ્યાલ આજે જ તેને આવ્યો. આસપાસ થોરની વાડ હોય, બાવળનું ઝાડ હોય કે બોરડીનો છોડ હોય, પણ દરેકેદરેક ઝાડને એ કલાવિધાનમાં પોતાનો ભાગ આપતું કરી, ભૈયાએ બે ઘડી ઠરી જવાનું મન થાય એવી સુંદર નાનીશી વાડી બનાવી હતી.

પણ આજે તો તેણે એક નવું દૃશ્ય જોયું. ભૈયાએ વળી, કોઈક વાડીવાળાની છોકરીને પુત્રીના જેવા લાડથી બોલાવી, રાવને આ દૃશ્ય નવીન લાગ્યું, કારણ કે પાનીને આજે જ તેણે જોઈ હતી.

‘આ છોકરી કોની, ભૈયાદાદા?’ આજે વિનાયકરાવ ‘ભૈયા’ એમ ન કહી શક્યો.

‘આ વાડીવાળાની છે. બિચારી આઠ દિવસ થયાં બકરી દોહી દે છે. ઈશ્વર એનું કલ્યાણ કરે!’

પાની ઠંડા પાણીનો ચળકતો લોટો લાવી હતી, નાની આઠ-દસ વર્ષની છોકરીની આંખમાં કાજળ એવું સુરેખ આવી રહ્યું હતું કે વિનાયકરાવની દૃષ્ટિ ત્યાં ચોંટી ગઈ.

‘ભૈયાદાદા! હવે જાઉં છું હોં!’

‘ટીલાળીને દોહી?’

ટીલાળી ભૈયાની બકરીનું નામ હતું. ભોળા વૃદ્ધ ભૈયાએ ટીલું જોઈને તેનું નામ ટીલાળી પાડ્યું હતું. એવાં નામ માણસનાં પડતાં હોય તો માણસ પશુ કરતાં સારો લાગે તેમજ ‘શબ્દો યથાર્થાક્ષર:’ થાય.

‘હા, ભૈયાદાદા.’

‘ઠીક જા. કાલે વહેલી આવજો હો!’

પાની ચાલી ગઈ, પણ થોડી વાર ન થઈ ત્યાં પાછી ફરી: ‘ભૈયાદાદા! ચાર દિવસ પછી દિવાળી છે. તમારે લાપસી ભરડાવવી નથી?’

વૃદ્ધ ભૈયો આનંદ પામ્યો. તે મીઠું હસી પડ્યો: ‘મારે વળી લાપસી શી?’

‘એમ કંઈ હોય, ભૈયાદાદા! સૌ જમશે-જૂઠશે ને તમે કાંઈ નહિ કરો?’

વિનાયકરાવે નિ:શ્વાસ મૂક્યો.

‘ઠીક લે, થોડાક ઘઉં લેતી જા; પણ બહુ જાડી ભરડતી નહિ, હોં!’

‘ના, દાદા! હું તો ઝીણું ભરડું છું.’

પાની ગઈ. કણબીની એ નાની છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયકરાવે આજે જ જાણ્યું. એણે ધીમેથી કહ્યું: ‘ભૈયાદાદા! આ નોકરી તમે છોડી દો. હવે અવસ્થા થઈ કહેવાય.’

‘હવે મારે કેટલાં વર્ષ કાઢવાં છે?’ ભૈયાએ જવાબ વાળ્યો, ‘બહુ બહુ તો પાંચ.’

‘એટલે જ કહું છું કે હવે ભજન કરો!’

‘આજ આટલી અવસ્થાએ કોને આશરે જાઉં! છોકરો પ્લેગમાં ગયો; છોકરાની વહુ ભાગી ગઈ. હવે એકનું એક પેટ છે તે ભગવાન દેહ હાંકે ત્યાં સુધી કામ કરવું ને ખાવું.’ બદ્રીનાથે જવાબ વાળ્યો. વિનાયકરાવનું અંત:કરણ ભૈયાના જવાબથી વધારે ને વધારે નરમ બનતું હતું.

તે જવા ઊઠ્યો. ત્યારે એને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર મા કરતાંયે વધારે પ્રેમ હતો.

બીજે દિવસે ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ બરાબર નિયમસર ઑફિસમાં હાજર થયા હતા; ને સામે પોતાનું શિર ઝુકાવીને વિનાયકરાવ ઊભો હતો.

‘કેમ રાવ! તમે પેલા ભૈયા બદ્રીનાથની જગ્યાએ કોને ફેરવો છો? મેં જોયું કે એ ડોસો બધો વખત ઝાડવાં નીંદવામાં જ ગાળે છે!’ સાહેબે પોતાની અવલોકનશક્તિથી અજાયબી પમાડવાની શરૂઆત કરી ને વાઘના જેવી તીણી આંખથી તે વિનાયકરાવ તરફ જોઈ રહ્યા.

રાવના મનમાં ભાંજગડ ચાલતી હતી. એક વખત તેના ખીસામાંથી રાજીનામાનો કાગળ થોડો બહાર પણ દેખાયો; પણ તરત જ એના હાથપગ ધ્રૂજવા લાગ્યા ને તેણે સાહેબ તરફ ઝૂકીને સલામ ભરી.

‘વિનાયકરાવ!’ બિલાડી ઉંદરને રમાડે તેમ સાહેબે રમત શરૂ કરી, ‘તમે શું ઠરાવ્યું?’

વિનાયકરાવે વિચાર કર્યો ને અરધો જુસ્સામાં ને અરધો ગુસ્સામાં બોલ્યો: ‘એ નહિ બને!’

સાહેબે હોઠ કરડ્યા: ‘હેં!’

હંમેશની ગુલામી-નિર્બળતા પોતાનું બળ જમાવવા લાગી. રાવના હોશકોશ ઊડી ગયા. પોતે ઉતાવળથી ભૂલ કરી તે સમજી ગયો. ફેરવી તોળવાની કળામાં તે પાવરધો હોવાથી તરત બોલ્યો: ‘સાહેબ! એ તો હું બીજા જ વિચારમાં હતો. ભૈયા બદ્રીનાથની જગ્યાએ કાળુને ગોઠવવો ઠીક પડશે!’

‘હા; અને ભૈયાને ચોવીસ કલાકની નોટિસ આપી દો!’

‘બહુ સારું!’ શિરસ્તેદાર નમીને સલામ ભરી બહાર ચાલ્યો ગયો.

તોપણ વિનાયકરાવે વૃદ્ધ ભૈયાને કંઈક મદદ કરી. બીજે દિવસે ભૈયાને સાહેબની હજૂરમાં લાવવા માટે તેણે એક ટપ્પો મોકલ્યો. ડોસો હાજર થયો. સાહેબ પોતાના ઓરડામાં અધિકારીના રુઆબથી એટલા જ અક્કડ બેઠા હતા. ભૈયાને જોતાં જ તે બોલ્યા: ‘તુમ્હારા નામ ભૈયા બદ્રીનાથ?’

‘જી હાં, સા’બ!’

‘તુમ બડે બૂઢે હો ગયે. સરકાર કી ખૂબ નોકરી કી, અબ તો આરામ લીજિયે!’

‘જી હાં સા’બ, ધોળાં નોકરીમાં જ આવ્યાં.’

‘અચ્છા!’

ભૈયા તો એવી આશામાં હતો કે સાહેબ લાંબી નોકરી માટે કાંઈક ઇનામ આપવાની ગોઠવણ કરતા હશે. એટલામાં સાહેબે કાગળમાંથી મોં ઊંચું કરી તેના તરફ જોઈ સમાચાર સંભળાવી દીધા: ‘અચ્છા. તુમ વિનાયકરાવકુ મિલો. તુમ્હારા હિસાબ કરને કે લિયે હુકમ દિયા ગયા હૈ, અબ તુમ આરામ લીજિયે!’

વજ્રપાત થયો હોય તેમ ભૈયો – મૂઢ જેવો સાહેબ સામે ઊભો રહ્યો. પોતાની હદમાં અકસ્માત થતો બચી ગયેલો તે વાત તેને યાદ આવી. સાહેબ એટલા માટે પોતાને બરતરફ કરે છે એ છેવટે સમજાયું. તે ગળગળો બની ગયો, ‘સાહેબ! આજ હવે….’

સાહેબ બદ્રીનાથ તરફ જોઈ રહ્યો. બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો: ‘સાહેબ! હવે ઘરડેઘડપણ શા માટે ભવ બગાડો છો? આજ હવે મને કોણ સંઘરે?’

‘ડોસા! દીકરો છે ને?’

‘જી, ના. પ્લેગ….’ બદ્રીનાથ વધારે બોલી શક્યો નહિ. ‘મારું ઝૂંપડું ને ઝાડવાં એ જ છોકરાં છે, હવે છેલ્લાં બે-ચાર વર્ષ ત્યાં ગાળવા દો.’

‘એ ફૂલિશ સેન્ટિમેન્ટેલિસ્ટ (મૂર્ખ રોતલ)!’ સાહેબે ડોસાના શબ્દોને માનસશાસ્ત્રમાં જોખી જોયા.

‘ઠીક, ઠીક, એ વિશે વિચાર કરશું, જોશું, હમણાં જાઓ.’

પણ ભૈયો બદ્રીનાથ તો વિનાયકરાવને મળ્યા વિના ધીમે પગલે પોતાને ઝૂંપડે ગયો. જે જમીન સાથે પચીસ વર્ષ બાળકની જેમ તે રમ્યો હતો, તે જમીનને હવે થોડા દિવસ માટે છોડતાં એનું હૃદય ધ્રૂજતું હતું.

બીજે દિવસે વિનાયકરાવ ફરવા ગયો. બદ્રીનાથની નોકરીનો એ છેલ્લો દિવસ હતો. ભૈયો ઓટલા પર જ વિનાયકરાવની રાહ જોતો હતો.

‘કાં? કાય હોઈલ કા?’ એણે વિનાયકરાવને આતુરતાથી પૂછ્યું.

‘નહિ, તુમાલા જાવેં લાગેલ. દૂસરા મનુષ્યયાંચી નેમણૂંક ઝાલી.’

બદ્રીનાથ ગળગળો થઈ ગયો, પણ હિંમતમાં આવીને બોલ્યો: ‘કાલે સવારે?’

‘હા.’

વિનાયકરાવ તરત જ ભૈયાના પગમાં પડ્યો!

‘અરે, અરે! રાવસાહેબ, આ શું?’

‘ભૈયાદાદા! અહીંથી પરભાર્યા કાલે મારે ઘેર આવજો. મને તમારા છોકરા જેવો માની ત્યાં રહેજો.’

‘અરે રાવસાહેબ!’ ભૈયો ફિક્કું હસ્યો. ‘એ તમારી ઉદારતા છે, પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ.’

વિનાયકરાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયાદાદાને બરાબર સમજાવીશું. બંને ઊઠ્યા ત્યારે ભૈયો આંખમાં આંસુ સહિત વિનાયકરાવને ભેટી પડ્યો, બિલાડીનાં બે-ત્રણ બચ્ચાં તો એના વૃદ્ધ શરીર પર અટવાતાં જ હતાં.

‘રાવસાહેબ, આ તમને સોંપું છું હો!’ વૃદ્ધ એટલું જ બોલી શક્યો ને બંને છૂટા પડ્યા.

બીજે દિવસે સવારમાં દિવસ ન ઊગે ત્યાં તો વિનાયકરાવ આવ્યો હતો. પાની પણ બકરી દોહી લેવા હાજર થઈ હતી, વિનાયકરાવ ઓટલા ઉપર બેઠો. કારણ કે ભૈયો હજી બહાર આવ્યો ન હતો. અંતે થાકીને પાનીએ બારણું ખખડાવ્યું. બારણું તો ખુલ્લું જ હતું.

‘ભૈયાદાદા! એ ભૈયાદાદા!’ કણબીની છોકરીનો માયાળુ સ્વર એકાંત સીમમાં સ્પષ્ટ અસર કરતો રણકી રહ્યો.

‘ભૈયાદાદા! ચાલો ચાલો, ટીલાળી દોઉં છું.’

પણ ભૈયાદાદાએ જવાબ આપ્યો નહિ.

પાની વધારે મોટે સાદે બોલી: ‘અને આ તમારી દિવાળીની લાપસી, દાદા!’

હવે વિનાયકરાવ ઊઠીને ત્યાં આવ્યો. ઝૂંપડામાં અડગ ને અક્કડ વૃદ્ધ ભૈયાદાદા ઓઢીને નિરાંતે ઊંઘતા હતા. એના શરીરને ઘસીને બિલાડીનાં બચ્ચાં ખેલી રહ્યાં હતાં ને બકરીનાં બચ્ચાં છેક એની પથારી પાસે બેસી કરુણ સ્વરથી બેં…બેં કરતાં હતાં.

વિનાયકરાવની આંખમાં આંસુ આવ્યાં ને તે અંદર ગયો.

પાની દાદાના શરીરને હલાવી હસતી હતી. અબઘડી ભૈયાદાદા ‘ઊભી રહેજે પકડું.’ કહેતા ઊઠશે એવા વિનોદની આશાથી છોકરી આનંદમાં હસતી હતી. વિનાયકરાવે પાસે જઈ શરીર હલાવ્યું ને મોટેથી બૂમ પાડી: ‘ભૈયાદાદા!’

ઝૂંપડીમાંથી કોઈ ન કાઢે માટે ભૈયાદાદા અડગ સૂતા રહ્યા.

વિનાયકરાવનો સાદ ફાટી ગયો ને તેની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. તે પાની તરફ ફરીને બોલ્યો:

‘પાની! બેટા! ભૈયાદાદા બોલશે નહિ.’

અને માની શકાય કે ન માની શકાય, પણ એ નાની છોકરીએ ભૈયાદાદાના શરીર પાસે જે રુદન કર્યું છે તે હજી જ્યારે સાંભરે છે ત્યારે મારા જીવનમાં વીજળીના જેવા આંચકા લાગે છે. અનંત સમય ને અગાધ આકાશ ભેદી એ સ્વર ફરી ફરી અથડાયા કરશે.

ભૈયાદાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી. હોલા બેસતા, ચકલીઓ બોલતી, ને કોયલ વાડ ને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે? સંસ્થા… વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે.