ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/લેણિયાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 196: Line 196:
એની આંખ ઊઘડી ગઈ. એક નજર આંગણું, શેરી, ગોંદરું – બધે ફરી વળી. બધું ખાલી હતું અને હળવું હળવું. એણે પાસું ફેરવીને આંખો મીંચી. મોં ઉપર મલકાટ આવ્યો અને એ ઘસઘસાટ ઊંઘી ગયો.
એની આંખ ઊઘડી ગઈ. એક નજર આંગણું, શેરી, ગોંદરું – બધે ફરી વળી. બધું ખાલી હતું અને હળવું હળવું. એણે પાસું ફેરવીને આંખો મીંચી. મોં ઉપર મલકાટ આવ્યો અને એ ઘસઘસાટ ઊંઘી ગયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/ચાકરી|ચાકરી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/વિઝિટ|વિઝિટ]]
}}

Latest revision as of 05:48, 28 September 2021

લેણિયાત

પ્રવીણસિંહ ચાવડા

ભગો આંગણામાં કુંભીને ટેકો દઈ બેઠો હતો અને થોડી થોડી વારે ચલમને ફૂંક મારતો હતો. ગોરજટાણું હતું. સામે ગોંદરું સપનામાં દેખાતું હોય તેવું થઈ ગયું હતું. ભાભીએ ચૂલા પાસેથી ધુમાડામાં ચૂંટાયેલા અવાજે બે-ત્રણ વાર કહ્યું હતું, ભૈ, રોટલા ખાઈ લેવા હતા ને – પણ એ ઊઠ્યો નહોતો. આખો દહાડો લીમડીવાળામાં ખોટ ભાંગ્યા. હતા તે ખભો દખતો હતો. ભાભીએ ડોલમાં ઊન પાણી આપ્યું. તે પથરા ઉપર બેસી ઘસીઘસીને નાહ્યો હતો. પછી થેપાડું પહેરી ચલમ ભરીને બેઠો બેઠો ગોંદરા સામે તાકી રહ્યો હતો.

એને થોડોક અણસાર આવ્યો. થયું કે આ હેંડચાલ… પણ એવા અણસાર તો ધૂળની ડમરીઓમાં કેટલાંય વર્ષોથી આવતા હતા. ફરીથી ભાભીએ ટહુકો કર્યો એટલે હોલવાઈ ગયેલી ચલમ ઊંધી વાળી પાછળ હાથ કરીને કુંભીને ટેકો દીધો પણ હાથમાં નાની થેલી જેવું લઈ આવતો પેલો આકાર… અને આટલે છેટેથી દેખાતો મલકાટ…

પેલો માણસ એની સામે આવીને ઊભો રહ્યો. ‘બેઠા છો, ભગારામ?’

આંખે એકદમ ઝાંખપ આવી ગઈ અને કુંભીને પાછો ટેકો લઈ લેવો પડ્યો. ખાલી ચલમને દાંત વચ્ચે લઈને બેચાર વાર ખેંચી ત્યાં ભાભી લોટવાલા હાથે સાડલો સરખો કરતાં થોડાંક વાંકાંવાંકાં, કુણ, શિવોભૈ?’ કરતાં દોડી આવ્યાં અને થોડી વાર આછા અંધારામાં ત્રણે એકબીજા સામે તાકતાં ઊભાં રહ્યાં.

ભાભીએ થેલી લઈને ખીંટીએ ભરાવી ખાટલો ઢાળી દીધો અને પાણીનો લોટો આપ્યો એ સાથે ભગાનો ઘોઘરો અવાજ આજુબાજુ આઠદસ ઘરો સુધી ગાજી ઊઠ્યો. ભાભી વચ્ચે કહેતાં હતાં, તમને હાથ જોડું. તમે અત્યારે બોલ્યા વગર રેશો ભઈશાબ!’ પણ એ તો ઘર અને આંગણું કરતો બબડાટ કર્યો ગયો.

‘આ જો ને આ! મોટા ખાટલે ચડીને બેઠા છે તે શરમ નહીં આઈ હોય? શું જોઈને આયા હશે? મોટા ઠાકોરની જેમ રોફથી બેઠા છે. કોનું ઘર અને કેવી વાત? ભઈ હતો એ તો ગયો કેદાડાનો અને એના નામનું નાહી નાખ્યું.’ ભાભીએ ઘણું કહ્યું તે ન માન્યું પણ પછી ખાટલા ઉપર બેસીને ધીમેધીમે મરકતા શિવરામને જોઈ ઊભા પગે બેસી પડ્યો અને એના ગળામાંથી પોક જેવું નીકળી ગયું. એના બખાળા નહોતા સાંભળ્યા એ લોકે એનું રોવું સાંભળ્યું અને અડધું ગામ ભેગું થયું. બધ થઈ ગયું – શિવરામ આવ્યો, શિવરામ પાછો આવ્યો…

ભાભીએ હાથ જોડીને બધાંને સમજાવીને કાઢયાં, ‘બાપડા પરદેશી થાક્યાપાકયા આયા છે. બે ઘડી જપવા દો. કાલે સહુ આવજો.’ પછી બે ભાઈઓને ચૂલા પાસે બેસાડીને ખવડાવ્યું. શિવરામની સાથે ભગાની થાળીમાં એક બાજુ ગોળ-ઘી મૂકયાં. જમીને શિવરામ આડો પડ્યો ત્યારે ભાભીએ ભગાને કોઠાર પાસે બોલાવી ધીમેથી કહ્યું, તમે આડુંઅવળું બોલશો નહીં. બાપડો જીવ આટલાં વરશે –’

હું બોલતો હશું, ભાભી? મારે તો ભૈ પાછો આયો છે.’ આંગણામાં શિવરામ ઉધરસ ખાતો હતો.

રાત્રે ગામ જંપી ગયું અને કૂતરાં ભસતાં બંધ થઈ ગયાં પછી ભાભી ઉંબર ઉપર થોડુંક આથું ઓઢીને બેઠાં અને ભગો ખાટલાની સામે ભીંતને અઢેલીને બેઠો. બખાળિયો સ્વભાવ એટલે બોલ્યા વગર તો ન જ રહેવાયું, ‘આમ ડારિયાં મારો છો તે કંઈ ભૈ આવવાના છે કે વીરચંદ બળદની રાશ ખેંચતો આવવાનો છે? છાતીમાં કાળજું જ નૈ, બીજું શું? બીજું કોઈ હોય તો બેપાંચ વરશે તો ઘર સંભારે. મૂવા ભૈ યાદ ન આવે, પણ પોતાનું મનેખ, અને એય નહીં તો પોતાનું લોહી.’

ભાભીએ છણકો કરીને એને છાનો કર્યો અને પછી ઝીણા અવાજે તૂટક તૂટક ગણાવ્યું – બેતાળીસની સાલમાં તમારા ભૈ પાછા થયા. મોટી રેલ આવી એ વરશે, વિરચંદને ધનુર ધાયું તે આ બાપડોજી ગાલ્લામાં નાખીને અડધી રાતે દવાખાને લઈ ગયા. બાની વાંસે રૂપાળી રંગેચંગે નાત જમાડી. પરારની સાલ જડીનો વિવા કર્યો. છોડી કિંઈ રૂએ, કંઈ રુએ! પણ આપણી વસ્તી સારી, હોં ભેં. જે આવે એ છોડીને બાથમાં લે. આ કાકા બેઠા છે ને બાપથીયે સવાયા..

જડીનું નામ આવ્યું એટલે પથારીમાં બેઠેલો માણસ સળવળ્યો. જડીને –

શ્રાવણ વદ અગિયારસે ભાણો ના આયો? અમે દિયર ભોજાઈ રમાડવા ના જઈ આયાં રૂપાળો ચાંદીનો ઘૂઘરો લઈને?’

પછી વાતો બંધ થઈ ગઈ. શિવરામ ઊંઘી ગયો હતો.

સવારે શિવરામની જોરજોરની ખાંસીથી જાગ્યો ત્યારે ભગાના મનમાં થયું – ગામની શી સાડાબારી! આ ગામ તો સાળું નાણું છે.

‘ઊક્યા? નીંદર આવી હતી?’ કરતો એ ચાનો કપ આપીને ઉંબર ઉપર બેઠો. મોંસૂઝણું થયું હતું એવાં શિવરામનો ચહેરો તાજો લાગતો હતો, જાણે સત્તર વરસનો, માથે સાફો બાંધી સંતોકભાભીને પરણીને લાવ્યો હતો એ. મોહનિયો અને ભોલિયો બે બળદ તે રાશ તોડું તોડું કરે અને ડોસા કેડમાં તલવાર ખોસી ફૂદડીઓ ફરે.

પાછી રીસ ચડી, પણ શબ્દો બોલ્યો એમાં મીઠાશ હતી, પંદર વરસે ઘર સાંભર્યું? શું કરવા આયા એ કહેશો?

શિવરામ થોડીવાર એની સામે હેતથી તાકી રહી બોલ્યો : ‘મરવા. મોઢામાં આવે એ બકતા હશે?’ કરતો એ ઊભો થઈ ગયો. પાણી નહોતું પીવું તોયે પાણિયારે જઈ લોટો ભર્યો, પાણી મોઢામાં રેડ્યું તે અડધું છાતી ઉપર ઊતર્યું અને એ ભાભીની સામે જોઈને બબડ્યો, ભાભી, આવા આ વેણ કાઢે છે તે સાંભળ્યાં? તમે કેજો, આવું એમનાથી બોલાય? મારી તો જીભ જરા આકરી –’

ભાભીએ ધીમેથી કહ્યું: ‘મોટો રોગ લઈને આવ્યા છે… પણ તમે કેમ આમ કરો છો, ભગાભૈ? આટઆટલું થયું એમાં ના થાક્યા અને હવે થાકશો? તમારા જેવો ભૈ બેઠો છે તે – દવા કરાવીશું. બે વીઘા જમીન મેલી દઈશું.’

સામે ઢોર માટે ઓરડી હતી. હવે ઢોર તો રહ્યાં નહોતાં. ભાભીએ વાળીઝૂડીને એ સાફ કરી નાખી, ખાટલો નાંખ્યો અને ઉપર ઓછાડ પાથર્યો. શિવરામ એની ઉપર લાંબો થયો.

ભગો ગોપાળ ભગતના આંગણે જઈને બેઠો. ગામ વચ્ચે ઘર અને ઊંચો ઓટલો. આવતું જતું સહુ જુએ.

ભગત ધોતિયાનો છેડો કેડે ખોસી ભેંસને નવડાવતા હતા તે બોલ્યા: ‘આવો, ભગારામ.’

ભગતના નાના ભાઈ કૉલેજમાં ભણાવતા હતા. લીમડા નીચે ખુરશી ઉપર બેસી ચોપડી વાંચતા હતા. એમણે ચોપડી બંધ કરી અને ચરમાં ઉતાર્યા, ‘શું ભગારામ!’

‘કપાળ ભગારામનું!’ કહી ભગો સમજ્યા વગર હસવા લાગ્યો.

ભગત આવીને ખાટલા ઉપર બેઠા. ‘કેમ આવ્યો કે ભગા? પછી પાછળ જોઈને હાક મારી, ભગાને ચા આલજો.’

ભગતનો મોટો છોકરો મોતીરામ દોરડું અને દાતરડું લઈ નીકળ્યો તે ચંપલમાં પગ નાંખતાં બોલ્યો : ‘ભગોકાકો તો જુઓ જાણે ઘરમાં અવસર ના આયો હોય! અને ચાલતાં ચાલતાં ઉમેર્યું, ‘મારે આવવું છે, હોં. આવા બપોર કેડે.સહુ કહે છે કે શિવરામકાકા શિવરામકાકા, તે જોઈએ તો ખરા કેવા છે! તે હે ભગાકાકા, આ સિનેમામાં કામ કરતા હતા? સિનેમામાં તો શું હોય! નાટકના પડદા ખેંચતા હશે.’

ગામ તો સો જાતની વાતો કરતું હતું. નાટકમાં કામ કરે છે. સિનેમામાં છે, કોઈ મદ્રાસી બાઈ રાખી છે, કોઈ વળી કે બાવો થઈ ગયો છે. કુંભમેળામાં જોયો હતો.

ભગો જવાબ આપ્યા વગર જમીન ખોતરતો બેસી રહ્યો. મોતીરામ ગયો પછી, મુદ્દાની વાત કરી : પેટછૂટી વાત કરું, ગોપાળભૈ. લેંબડીવાળું દખણાદું કટકું દોઢ વીઘો. હશે. મારા ભાભી કે આપણે બીજાની દાઢીમાં શું કરવા હાથ નાખવો? જા ભગત પાસે?

ભગતે હસતાં હસતાં કહ્યું: ‘તું ચા તો પી.’

એણે રકાબીમાં ચા રેડ્યો. પ્રોફેસર એની સામે તાકી રહ્યા હતા તે બોલ્યા, ભગાભાઈ, તમે મોટા કે શિવરામભાઈ?’

આનો જવાબ ભગતે આપ્યો. એક સળી લઈ જમીન પર લીટીઓ દોરતાં ગાતા હોય એવા રાગડે કહ્યું, ‘અમથાભાને બે દીકરા ગલબોકાકો અને પંજોકાકો. પંજાકાકાને તો નિર્વશ ગયું. એ બધી તો તમારા જનમ પહેલાંની વાત. ગલબાકાકાના ત્રણ દીકરા, મોટો સતુભાઈ અને હું એક હેડીના. એમને એક છોકરો હતો તે ધનુર ધાઈને. ગયો. બીજો શિવરામ. ભગો સૌથી નાનો. ભગા, તને કેટલાં વરસ થયાં હશે?’

શી ખબર! પચાસ થયાં હશે? કપાળ તારું, પચાસ ન હોય, પિસ્તાલીસ-છેતાલીસ; મને બાવન થયાં.’ પ્રોફેસરે કહ્યું, ‘ભાઈ, ભગાભાઈ તો તમારાથી મોટા લાગે છે.’

આનો તો કાંઈ અવતાર છે? આ તો એક જાતનું ઢોર કહેવાય ઢોર, મજુરી કરી કરીને શરીર તોડી નાખ્યું. અધૂરામાં પૂરું પરણાવ્યો નહીં. શિવરામ વહુ અને છોડીને મેલીને નાસી ગયો. સાચું કહીએ તો સતુભાઈ એ લાયમાં જ ગયો.’

ટપુ ટપુ આંખો ચૂતી હતી. સાથે ખૂબ અમૂંઝણ થતી હતી.

એણે ફાળિયાના છોડાથી આંખો લૂછી નાખી, ગોપાળ ભૈ, અમારાં કરમ.’ આ શબ્દો બોલ્યો, આંખો ભીની હતી, છતાં ભગાને નવાઈ એ વાતની લાગતી હતી કે છાતી સાવ હળવી હળવી હતી.

ભગતે કહ્યું, લેંબડીવાળાની વાત હમણાં રેવા દે. તારે પૈસા કેટલા જોઈએ એ બોલ. સાહેબ ઊભા થયા. ભાઈ હું આપું છું. અને ઘરમાંથી લાવીને નોટો એના હાથમાં મૂકી. બે હજાર છે. રાખો. બીજા જોઈતા હોય તોયે કહેજો.’

બપોરે દાકતર આવીને ગયા પછી અડધું આંગણું ભરાઈ ગયું. ભગાને ચીડ ચડી – આ કોઈ ભવાઈ માંડી છે?

પણ ભાભીને હરખ. બધાં બેસજો હોં, ચા પીધા વગર જવાનું નથી, આ કીધું.’

થોડાંક છોકરાં મહોલ્લા વચ્ચે ભમરડા ફેરવતાં હતાં તે પણ આવીને બેઠાં. બે છોકરા કૉલેજમાં ભણતા હતા તે પણ પાટલૂન અને બંડીભેર આવીને બેઠા. સહુ શિવરામની સામે જોયા કરે. ત્યારે ભગાને થયું – છે ને રાજાના કુંવર જેવો મારો ભૈ!

ગામડાની ઐડ વતી. એને શું ખબર પડે!

કૉલેજવાળા એક છોકરાએ શિવરામને પૂછ્યું, ‘કાકા, તમે મુંબઈ સિનેમામાં કામ કરતા હતા એ સાચું? બધી વાત કરો ને –’

ગોરાણીને લાજશરમ નહીં. એક ખૂણામાં બૈરાં લાજ કાઢીને ગુસપુસ કરતાં હતાં અને ખિખિયાટા કરતાં હતાં ત્યાં એકદમ અડધું ગામ સાંભળે એમ લહેકો કરીને બોલ્યો, ‘ઓહોહો શિવાભાઈ! અમે તો આવડા અંગૂઠા જેવડા હતા ત્યારનાં ઓળખીએ છીએ. બળ્યું, કાંક વાત તો કરો! કેછે કાંક મરેઠણને રાખી’તી, પછી બાવા થઈ ગયા’તા –’

ચિડાઈને શિવરામના પગે ચાદર સરખી કરતાં ભગાએ કહ્યું, ‘ભૈ, તમતમારે સૂઈ જાઓ. ગોરાણીને તો હસવાની ટેવ છે.’

શિવરામે કહ્યું, ‘ના, ના. તમે બધાં બેસજો. ખૂબ સારું લાગે છે.’

બધાંએ ભગાની સામે જોઈને દાંત કાઢ્યા. પછી તો ભગોયે બધાંની સાથે હસ્યો. આયે દૈખળ છે ને – એ ભાવથી.

ગોરાણીએ સંભળાવ્યું, ‘તમને, ભગાભાઈ, સમજ ના પડે. તમે વાંઢા. ખોટું કહું છું, શિવરામભાઈ?’

બધાં હસતાં હતાં પણ શિવરામ હસતો નહોતો. એક પછી એકને તાકી રહેતો હતો, છોકરાંની સામે આંગળી ચીંધીને પૂછતો હતો – આ કોનો? આ કોનો?

ઊઠતાં ઊઠતાં ગોરાણીએ આંખો લૂછી, જુઓ ભગાભાઈ, ગામ તો આવશે. આ તો એક જાતનું દર્શન કહેવાય.’

સહુ ગયાં પછી ભગાએ ચલમ ભરી અને ભીંત પાસે પલાંઠી વાળીને બેઠો અને યાદ કરીને હિસાબ આપ્યો – જમીન ઓછી નથી કરી. એક જડીના લગન વખતે કણજીવાળાના બે વીઘા મૂક્યા છે. ઘરેય નવું કરવું હતું. કીધું પલાસ્તર કરી નવાં પતરાં નંખાવીએ, પણ ભાભી કે – ભૈ, કોના માટે? આમ તો કોઈ કહેતાં કોઈ વાતે દુઃખ નથી વેક્યું, હોં.

વાત જમીનની કરતો હતો પણ નજર આગળ બીજું કંઈક દેખાતું હતું. શિવરામના માથા ઉપર જરીકામવાળી ટોપી ગોઠવાતી હતી. મોટાને પરણાવ્યા ત્યારે બંને ભાઈ નાના. રેશમી પહેરણ અને સોનેરી ચળકાટવાળી ટોપી, બે ભાઈ સાથે ને સાથે ફરે અને લોક દાંત કાઢે. કહે – રામ-લખમણની જોડી..

નાટક યાદ આવ્યું. ચોમાસું પૂરું થાય પછી ગામમાં મંડળી આવે. પેટ્રોમેકસના અજવાળામાં પેટીવાણું વાગે અને નાચનારીઓ નાચે. શિવરામ પેટીવાળા મેનેજરની અડોઅડ ખુરશી નાખીને બેઠા હોય. નાટકવાળાઓને ઘેર ચાપાણી કરાવાયે લાવે. લાંબા વાળ, કાળી ટોપીઓ અને મેંશ આંજેલી આંખોવાળા વાતો કરે તે ભગાને સમજાય નહીં બધા શિવરામને કહે – માસ્ટર શિવરામ. એક વાર કંપની ગઈ એના ત્રીજા દિવસે શિવરામ પણ ગયો.

એકદમ હસીને બબડી ગયો, ‘ઓહોહો! એ વખતમાં તો કંઈ નાટકો આવતાં! હવે એ મજા ગઈ.’

શિવરામને હસવું આવ્યું, ‘ભગા, તારે વળી નાટક શું?

ત્યાં શિવરામને ઉધરસ ચડી એટલે ભગાએ ઝટ ઊભા થઈ એને પાણી આપ્યું. સરખું ઓઢાડીને જતાં જતાં કહ્યું, ‘આરામ કરો અને બે ટાઈમ શીરો ખાઓ. ઘોડા જેવા થઈ જશો. પછી બે ભાઈ ગાડીમાં બેસીને મોતીપુરા જઈશું જડીને ઘેર.’

ઘરમાં બેચાર બૈરાં ભાભીની ફરતે ગૂંચળું વળીને બેઠાં હતાં. ભાભીની આંગળીઓ વચ્ચે છીંકણીની ચપટી હતી. ભગતના ઘેરથીયે હતાં. એ ગયો હતો પાણી પીવા પણ ગોળા પાસેથી પાછો વળ્યો. બધાંએ લૂગડાં સરખાં કર્યા, થોડાંક આઘાપાછા થયાં અને વાતો બંધ થઈ ગઈ.

એણે કહ્યું, ‘શું કરવા રોવરાવતાં હશો બધાં ભેગાં થઈને?’

ભગતનાં વહુએ સાલ્લાથી આંખો લૂછી, ‘અમે તો એમ કેતાં’તાં, ભગાભાઈ, કે મેળો તો કરાવવો પડે.’

એ પાણિયારા પાસે બેસી ગયો.

સરપંચ અને બીજા બેચાર આવ્યા હતા. ભગત કહે કોકને મોકલીએ. મોતીપુરા ક્યાં છેટું છે?

તે હું જઈ આવું?’ ના, ભૈ. તમારાથી ખાટલો મેલીને ના ખસાય.’ બૈરાં આંખો લૂછતાં હતાં અને રામરામ બોલતાં હતાં.

એ ભાભીની સામે ધારીને જોઈ રહ્યો. પૂછવું હતું: હેં ભાભી, આ બધાં શું કહે છે?’ પણ શબ્દો નીકળ્યા નહીં.

સહુના ગયા પછી આવીને ભાભીએ એના બરડે હાથ મૂક્યો, ‘તમે આવું કરશો એ કેમ ચાલશે?’

એનું શરીર ધૂળે ગયું અને અવાજ બહાર ન જાય એમ તૂટકતૂટક શબ્દો નીકળે ગયા – જનમારો ધરીને સખ જોયું નહીં. કાયમનો દુખિયારો હતો… ઘરનું ધાન ખાવા ન પામ્યો… અમે રૂપાળી બાપની મિલકત ભોગવી અને એ મલકમાં ભટક્યો… ભાભી, તમે એની આંખો જોઈ, એની આંખો? મરતું મોટું જુએ એમ મારી સામે જોઈ રહે

થોડી વારે એ શમી ગયું અને રસ્તા ઉપરના તડકા સામે જોતો એ બેસી રહ્યો.

લો, પાણી પી લો.’

એક ઘૂંટડો ભરીને બોલ્યો, ‘ભાભી, તમને સાંભરે પંદર વરસનો હતો ને માંદો પડ્યો હતો એ? મને દાકતરને બોલાવવા મોકલ્યો તે વગડે રોતો જાઉં ને દોડતો જાઉં – હે માતાજી, દાકતરને લઈને આવું ત્યાં સુધી મારા શિવાભાઈને કંઈ ન થાય. તે દહાડે

જીવતો રહ્યો તે શાની ઉપર?’

આવા રૂપાળા લખમણ જેવા ભાઈ –’

‘એ તો ઠીક, ભાભી, પણ હું એમ કહ્યું છે કે સત. કેમ, દુનિયામાં સત જ નહીં હોય?

ભાભીએ કહ્યું, ‘ઊઠજો. પેલો જીવ એકલા પડ્યા પડ્યા મૂંઝાતા હશે.’ સામી ઓરડીમાં જઈ ભાભી ઓશીકા પાસે બેઠાં.

ભગો બારણે ખભો ટેકવી ડોકી એક બાજુ નમાવી મલકાતો મલકાતો શિવરામની સામે તાકી રહ્યો, ‘હા!

શિવરામની આંખો થોડી પટપટી.

‘ભાભી, જુઓ ને! આમ સૂતા છે તે કેવા રૂપાળા લાગે છે કનૈયા જેવા! કોઈ કે કે માંદા હશે?

બીજા દિવસે સવારથી જ બધું જુદું જુદું લાગતું હતું. ભાભીનો અવાજ જુદો, લોક ચાલે તે ચાલ જુદી અને તડકો ચડ્યો ત્યારે તડકાનો રંગ પણ જુદો. લોક એની સામે જુએ અને આકાશ સામે જુએ. એણે મૂંઝાતાં મૂંઝાતાં શિવરામની સામે બેસીને ચા પીધી. પછી સૂઝ પડી નહીં એટલે ચંપલમાં પગ નાખ્યો, ‘ભગતના ઘેર જતો આવું.’

ભાભીએ દાંત વચ્ચે સાડલાનો છેડો દબાવી કહ્યું, ‘જાઓ, પણ બહુ બેસી ના રહેતા.’

ચાલ્યો ત્યારે પગ જમીન ઉપર પડતા નહોતા. જે સામે મળે એ પૂછે, ‘શીતું જાઓ છો?’ એ ઊભો રહી પૂછનારની સામે તાકી રહે; પછી બબડે, ‘એ રૂપાળા સૂતા. એને હતું, સામેવાળાં કહેશે, ‘કંઈ ના થાય. આવા બધા રોગોનું તો એવું કે મહિનો ઘરના આંગણે બેસીને બે વખત સરખું ખાઓ એટલે કાનમાં વાત કરી.’

પણ સહુ કહેતું હતું, ‘બાપડો!’ ભગાને થાય – હું શાનો બાપડો? ચાલતાં ચાલતાં બે બાજુ તાકતો હતો. કોને વાત કરવી અને કોને સમજાવવું? આ ઊભરો આવતો હતો, આ ઊડુંઊડું થવાતું હતું. આ વરસાદ વરસતા હતા…

અને પેલી વાત.

બે ભાઈ નદીવાળા ખેતરમાં રમતા હતા ત્યાં વાદળો વાયાં, જોરથી વાયરો આવ્યો અને એકદમ અંધારું થઈ ગયું. લોક ઊડતું હોય એમ ગામ ભણી નાસવા માંડ્યું. એણે કહ્યું, ‘શિવાભે, હૈડોને–’ ત્યારે ચડી પહેરણ પહેરેલો શિવી આકાશ સામું જોઈ હસે. પોતે કહ્યું, ‘ભૈ, બીક લાગે છે – ત્યારે પેલો ખડખડાટ હસે. પછી એ નાટકિયો બે હાથ જોડીને બોલ્યો, ‘ભગા, તું ઘેર જા. આજથી આપણા રામરામ બાપાને કહેજે શિવરામ ગયો. ભગા, હું તારો ભાઈ નથી. હું શિવરામ નથી.’ વીજળી થાય, અંધારું વધ્યે જાય, એક ચકલુંય દેખાય નહીં. પહેલાં ફોરાં પડ્યાં, પોતે રચે જાય અને પેલો ખેતર વચ્ચે

બે હાથ જોડીને ટટ્ટાર ઊભો રહી પલળતા પલળતાં રહે, ‘ભગા, હું તારો ભાઈ નથી. હું તો દેવદૂત છું, ઇન્દ્રના દરબારમાંથી શાપ આપ્યો હતો એટલે ધરતી ઉપર આવ્યો છું. આજે મારી બાર વરસની મુદત પૂરી થાય છે. હમણાં મને લેવા વિમાન આવશે. બોલ્યુંચાલ્યું માફ…’

ગોપાળભગતના આંગણામાં સરપંચ હતા. કિરીટભાઈ માસ્તર પણ હતા. એને જોઈને ભગતે કહ્યું, ‘ભગા, તું અત્યારે –’

એણે નીચે બેસતાં કહ્યું, મૂંઝારો થતો હતો’ પછી એકદમ હાથ જોડ્યા, ‘મારા ભૈનો કાંઈ વાંકગનો હોય –

સરપંચ એની સામે ધારીને તાકી રહ્યા હતા તે હસ્યા, ‘સાળુ ભગત –

શું, સરપંચ?’

‘કાલ રાતનો વિચાર કરું છું. ખૂબ વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો. આ બધું શું હશે?’

ભગતે ઉપર આંગળી ચીંધી, કરમ.’ ભગો બેઠો બેઠો એકની સામેથી બીજાની સામે જોતો હતો.

આ ભગલો અને આ શિવરામ, કરમની વાત તમે કરી એ સાચી. પણ એ તો બહુ મોટી વાત. હું એમ કહું છું આ ભગલો શાનો દંડ ભરતો હશે?’ માસ્તરે કહ્યું, ‘શિવો આગલા જનમનો લેણિયાત હશે, બીજું શું?

એ જ કહું છું અને આ ભગલા જેવા અક્કર્મી –’ ભગાની આંખો ધંધળી થઈ ગઈ, હાથ જોડ્યા હતા તે નમીને ખોળામાં પડ્યા. એણે કહ્યું, ‘ગોપાળભૈ, બધાં કે છે જડીને –’

મૂરખા, આટલી ગમ નથી પડતી? આનાં લક્ષણ નથી જોતો? બાપ-દીકરીનો મેળો –

‘તો હું મોતીપુરા તો આવું ઊભોઊભો –’

ત્યાં બે મોટિયાર હડફ હડફ કરતા આવ્યા, ‘ભગાકાકા, ઉઠજો. તમે બધાય હંડજો –

ભગતે બાવડેથી ઝાલીને એને ઊભો કર્યો. ઓટલાનાં પગથિયાં ઊતર્યો ત્યારે તો બધ સૂનકાર વ્યાપી ગયો હતો. ભગતનાં વહુએ ઉંબરે ઊભા રહીને દબાયેલા અવાજે પૂછ્યું, ‘અમે બૈરાં –’

ભગતે અકળાઈને કહ્યું, ‘શું જોઈને પૂછતાં હશો!’ આખે રસ્તે સહુ એની સામે જોતું હતું. આંખો સુધી માથાં ઢાંકેલી સ્ત્રીઓ બબ્બે

ત્રણત્રણનાં ઝૂમખામાં મૂંગી ઊભી હતી. દુકાનોના ઓટલેથી અને ઘરના ઉંબરેથી ઊઠી ઊઠીને લોક બોલતું હતું, ‘રામ! રામ!

એ રાત્રે બધું જંપી ગયું પછી આંગણામાં કાથીનો ખાટલો નાખી ફાળિયા ઉપર માથું મૂકી આડો પડ્યો અને ફોઈ આવીને ઓશીકા પાસે બેઠાં. એણે કહ્યું – ચંચળફઈ? આમ ઉપર બેસવાં હતાં ને ખાટલા ઉપર.. તો કે ના, અહીં નીચે સારી છું. પછી સાડલાનો છેડો માથેથી ઉતારીને વાયરો નાખવા માંડ્યાં – હાશ! હાશ!

એણે પૂછ્યું, કેમ ફઈ? તો કે કાંઈ નહીં. લાવો માથું દબાવી દઉં… ભૈ, તમારું માથું તો ધખે છે. એણે કહ્યું – ફઈ, હું નહીં, વચેટ, ફઈ કહે – ભૈ, તારી દઈમાં આટલો કાંટા? એણે કહ્યું – ફઈ, અડવાણા પગે તો પેલા હેંડ્યા’તા… ફઈ, તમે શુઓ છો? ફોઈ આંગળીના ટેરવે આંસુનું વૈયું લઈ થોડી વાર અચરજથી એની સામે જોઈ રહ્યાં. પછી કંકુની જેમ એને હવામાં છંટકાયું – ના, ભાઈ, રોતી નથી. અને ખડખડ હસવા લાગ્યાં.

એની આંખ ઊઘડી ગઈ. એક નજર આંગણું, શેરી, ગોંદરું – બધે ફરી વળી. બધું ખાલી હતું અને હળવું હળવું. એણે પાસું ફેરવીને આંખો મીંચી. મોં ઉપર મલકાટ આવ્યો અને એ ઘસઘસાટ ઊંઘી ગયો.