ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ દવે/ને કંઈક થયું તો?

રમેશ દવે
Ramesh Dave.png

ને કંઈક થયું તો?

રમેશ દવે

જયંતીલાલે પૅકેટ ખોલ્યું. કાગળ-દોરો એક બાજુ મૂકતાં ધોતિયાનું પોત તપાસ્યું. સિંગલને બદલે જોટો ખરીદવાનું મન થઈ જાય એવું સરસ કાપડ છે. પણ બીજાનું શું કરવું? આ એક લીધું છે એય પહેરવા ક્યાં લીધું છે? લંબાઈ પૂરતી છે તે જોવા એમણે ધોતિયાની ગડી ખોલી. આમ જુઓ તો સાવ હળવુંફૂલ છે પણ વણાટ ઘટ્ટ છેઃ પાણીનું પોટલું બાંધી લ્યોને! ઉપર કંઈ ન પહેર્યું હોય તોય વાંધો ન આવે. પણ હવે પહેરવા કે ન પહેરવાનો સવાલ જ ક્યાં છે? હમણાં એક છેડો આમ પંખા સાથે બાંધ્યો ને બીજે છેડે… ના, છેડે તો બહુ લાંબું થઈ જાય. લંબાઈના માપે ગાળિયો બનાવીને ગળામાં પહેરી લીધો એટલે પત્યું! ધોતિયું નવુંનક્કોર છે ને આમેય કાપડ સરસ છે એટલે ફાટી કે ફસકાઈ જવાની ચિંતા નથી. નહિતર પોતાની કાયા કાંઈ… એને કાયા શબ્દ પર હસવું આવ્યું. માણસના વિચાર એની ભાષાનેય પલટાવી દે તે આનું નામ! ‘આ રે કાયા ડોલવાને લાગી, ઊડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું!’

ધોતિયું મજબૂત છે ને જીવ જતાં કેટલી વાર? પળ બે પળ જ ને? છેલ્લી ઘડીએ મોઢે રૂમાલ બાંધી દઈશ. આંખ-જીભ બહાર લબડી પડે તો? વિપુલા એ જોઈ નહિ શકે. પણ વળતું જયંતીલાલને થયું, એ ખોટી ચિંતા કરે છે. જેમને જીવતા માણસની કિંમત નથી એમની ચિંતા પોતે શા માટે કરે? ભર્તૃહરિ ક્યારેય ખોટો નહિ પડે. માણસને પહેલો જાકારો કદાચ એના ઘરમાંથી જ મળે છે. સગાંવહાલાંને અમસ્તાં અગ્નિ કહ્યાં હશે?

આજે બરાબર વીસ દિવસ થયા પણ એના મનમાં વંટોળ શમતો નથી… વિપુલા જેવી વિપુલા, દીકરી ઊઠીને સગા બાપને અપશુકનિયાળ માને? વિપુલા કેટલું બધું ચાહે છે! કમ્પ્યૂટરના ઍડવાન્સ સ્ટડી માટેની અમેરિકન સ્કૉલરશિપ પણ એણે માત્ર પપ્પાથી ત્રણ મહિના અલગ ન પડવાની જીદથી જ જતી કરી હતી. એ જ વિપુલા આજે હવે હું એના લગ્નમાં હાજર ન રહું એવું ઇચ્છે છે! અને એમ ઇચ્છવા પાછળનું કારણ? તો કે…’

જોકે એના મનની આવી સ્થિતિ સાવ અકારણ છે એમ પણ ન કહી શકાય. તો શું પોતે સાચે જ અપશુકનિયાળ છે? સગાંવહાલાં-સ્નેહી-મિત્રો માટે ભારે છે? એને જિંદગીમાં પહેલી જ વાર પોતાની કુંડળીનો અભ્યાસ કરવાનું મન થયું હતું પણ વળતી પળે જ જયંતીલાલ જાત પર ખિજવાઈ ગયા હતાઃ હંબગ છે, હંબગ બધું! વા વાયો ને નળિયું ખસ્યું — જેવું જ. બીજું શું? ને જેને વાતો જ કરવી છે એને તો કોણ રોકવાનું? ગામને મોઢે ગળણું થોડું બંધાય? પણ વાત કંઈ એમ ને એમ વહેતી નથી થઈ. પહેલેથી તે છેક છેલ્લે સુધી, નવનીતરાય સુધીનું જુઓને, એકેએક પ્રસંગ જોડે જયંતીલાલ જોડાયેલા છે! અને આમ અઢી-ત્રણ મહિનાના આવા ટૂંકા ગાળામાં કોઈ માણસની આસપાસ સાત સાત મૃત્યુ થાય તો લોકો વાતો તો કરવાના જ. અરે લોકો શું કામ? ખબર પડે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ શંકાની નજરે જોતું થઈ જાય!

પણ જે થયું છે તેમાં મારો શો વાંક? જનારાં જે ગયાં એ સૌ એમના વાંકે… ના, એમ ન બોલાય. કોઈ જાણી કરીને, સાજુંસમું પોતાના વાંકે મરી જતું હશે? તોપણ પોતાનોય કંઈ વાંક નથી જ નથી. જયંતીલાલ આશ્વાસન લેવા મરણિયા થયા. નટુમામા, કંચન, સાખપાડોશી, ક્રિપાલસિંગ, ઑફિસના એકાઉન્ટન્ટ કેશવલાલ, કેરોસીનવાળા ભૈયાજી, જેને હમણાં જ પોતાનું બજાજ સુપર વેચ્યું એ મહેન્દ્રભાઈ શ્રોફ અને વર્ષો પહેલાં વતનની ગામઠી નિશાળમાં સાથે બેસીને ભણેલો એ ભાઈબંધ સુખરામ — આ સાતે સાત શું મારા વાંકે મર્યા છે? શું હું એને માટે જવાબદાર છું એમ? વહેમ છે, વહેમ; ધતિંગ, નર્યું ધતિંગ જ નહિ તો બીજું શું? માણસ ધારે તેને મારી શકતો હોત તો તો… પણ આમાં જયંતીલાલ ધારવાની વાત જ ક્યાં છે? તમે ધારો કે નધારો, તમારી હાજરી, મરનારનો તમારી સાથેનો ઓછોવત્તો, નજીક-દૂરનો સંબંધ અરે તમારો ઓછાયો એમના મૃત્યુ માટે પૂરતો ન બની રહે!

અરે કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના! એમ કાંઈ મોત રેઢું પડ્યું છે તે કોઈના હોવા-ન-હોવાથી માણસ ટપ્ દઈને મરી જાય? ને એમ જુઓ તો આ બે-અઢી મહિનામાં હું હજારો-લાખો માણસોની સાથે ઊઠ્યો-બેઠો છું — ધંધો જ એવો છે કે દિવસમાં કોને કેટલી વાર મળ્યો એની નોંધ રાખું તો ચોપડા ચીતરાય! — અરે ઘેર આવીનેય એમને વિશે વિચાર્યું છે, ઉઘરાણી ન પતી હોય તો અકળાયો પણ છું ને તોય એમાંથી કોઈનેય કેમ કાંઈ ઊનો વાય ન વાયો? ને જે થયાં છે એ મોતમાંથી એકેયમાં હું સીધો જવાબદાર છું એમ તો કોણ કહી શકશે?

નટુમામાની જ વાત લો, નેવાશીમું ચાલતું હતું. દોઢ-બે મહિનાથી તો નળી ઉપર જ નભતા હતા. પેશાબની નળી, દૂધ-ચાની નળી, ઑક્સિજનની નળી… કહેતા હતા કે જીવ છૂટતો નથી. રૂપિયા ત્રણસો ચાલીશની જતાં વળતાંની ટિકિટ (અને એય કેવું ભારે કમિશન આપીને) ખરચીને ખબર કાઢવા ગયો. આખો દિવસ બધાની સાથે બેઠો, ગપ્પાં માર્યાં ને રાતે આઠ વાગ્યે બધાને હાથ જોડીને રજા માગી ત્યાં હેડકી હાલી ને કાચી મિનિટમાં ખેલ ખલાસ! અરે, ભાઈ જીવતા’તા સાવ નરક જેવું ને મોત કેવું મળ્યું? તો કે’ બે-ત્રણ નાની હેડકી ને એક લાં…બી. બસ, મીંડું મુકાઈ ગયું.

ને કંચન? એનું તો કોક દિવસ કમોત જ થશે એવું બધાં કહેતાં. રૂંવે રૂંવે દુર્વાસા. નાની અમથી વાતમાં છોકરાંને ઢિબેડી નાખે તો કેવાં ચકામાં કરી દે લીલાંકાચ! એક વાર ઝાંઝ ચડે એટલે ચંડિકા. કંઈ ન થઈ શકે તો પોતાને બચકાં ભરીને લોહી કાઢે. તમે જ કહો, આવી બાઈનું જિંદગી આખીનું ભેગું કરેલું ઘરણું ચોરાઈ જાય તો એનું મગજ ઠેકાણે રહે ખરું? બિચારી માની જ નહોતી શકતી કે એની પાંચ લાખની મતા, એ બે દિવસ બહાર ગઈ ત્યાં ચોરાઈ ગઈ છે. આ માનવા-ન-માનવાની વાતે જ નવમે માળે ચડીને ઊંધે માથે ઝંપલાવ્યું તે નીચે તો… જવા દો સૂગ ચડશે નકામી! હવે કહો, આમાં હું વચ્ચે ક્યાં આવ્યો? પણ મરનારી મારી દૂરની કાકીજી સાસુ તો થાય ને? પણ ભલા માણસ, એ કોઈકની ઘરવાળી હતી, કોઈની મા હતી — અરે, બહેન, કાકી, માસી, ભાભી પણ હશે જ ને? હવે કહો, એનો પતિ, દીકરા-દીકરા, ભાઈ-બહેન ને ભાણા-ભત્રીજામાંથી કોઈ જવાબદાર નહિ અને એક હું જ એના આવા કમોતનો જવાબદાર એમ? અને મેં કર્યું તો શું કર્યું? એને નિરાંતે પાસે બેસાડીને ખાતરી કરાવી દીધી કે એ ગાંડી થઈને ઘર આખાને ફેંદી ફેંદીને શોધ્યા કરે છે અને ઘરેણાં ઘરમાં ક્યાંય નથી; ચોરાઈ ગયાં છે. બસ વાંક ગણો તો વાંક અને ગુનો ગણો તો આટલો ગુનો મેં કર્યો છે. પણ આ આખું તૂત તે વખતે તો ક્યાં ઊભું થયું હતું?

આ બધું કમઠાણ તો કેરોસીનવાળા ભૈયાજીનું થયું તે દિવસે ઑફિસમાં જઈને વાત કરી તો કાણકિયાએ બિચારાએ ભોળા ભાવે કહ્યું હતુંઃ ‘તમારે હમણાં જયંતીકાકા, ખરી માઠી બેઠી કે નહિ? પહેલાં મામા, પછી કંચનબહેન, પછીના અઠવાડિયે બાજુવાળા સરદારજી ને અહીં ઑફિસમાં આપણા કેશવલાલ! મામા શું પંચકમાં ગયા હતા?’

બીજા બધા તો હસી દઈને વાત ભૂલી ગયા પણ પેલા છીંકણીદાસ માર્કન્ડરાયે વાત પકડી લીધી, કહેઃ કહો ન કહો પણ આપણા જયંતીલાલ હમણાં બધાને ભારે પડે છે એ વાત નક્કી. મેં તો ઑફિસમાંય પાંચ હનુમાન ચાલીસા કરવાનું નક્કી કર્યું છે.

નક્કી શું બાપનું કપાળ? કેરોસીનવાળા ભૈયાજી તો બાપડો સાવ નિર્દોષ છોકરમતમાં ભરખાઈ ગયો. છોકરા બધા ભેગા મળીને ફટાકડા ફોડતા હતા, કાંઈક ક્રિકેટ મૅચમાં આપણાવાળા જીત્યા હશે. આ બાજુ ભૈયાજીનું સાઇકલ પર નીકળવું ને પેલી બાજુ ગાંડિયો ટેટો ઊછળીને પડ્યો એના વાંસે. પાછળ કૅરેયર પર બાંધેલા કેરબામાંથી કેરોસીન છલકાતું હશે તે ભીનાભદ પહેરણે આગ પકડી લીધી. એ તો મારું ધ્યાન ગયું એટલે દોડીને રેતીમાં આમતેમ રગદોળ્યા ત્યારે માંડ ભડકા ઓલવાયા. પણ માણસ તો ગયો જ ને? હવે ત્યાં હાજરમાં તો મારા સિવાય પેલી વાંદરવેજા જ હતી. એ તો મારા વા’લા ભડકો લગાવીને ઊભી પૂંછડીએ ભાગ્યા. ભૈયાજીને બચાવવા દોડ્યું કોણ? તો કે’ હું! પણ નવરા માણસોને કોણ પોગે? કહેઃ હવે તો ઠંડું પાણી જ નખાય બળતા માણસ ઉપર, રેતીમાં તે રગદોળાતો હશે? ને અમસ્તુંય આ જયંતીલાલ ત્યાં હાજર હતા ને? ગમે તેવો કાઠો માણસ હોય તોય એની ચિઠ્ઠી ફાટી જતાં વાર ન લાગે. એલા ભાઈ, હું તે કાંઈ ચિત્રગુપ્તનો જમણો હાથ થોડો છું? પણ જે માણસને સમું વિચારવું જ ન હોય એનો ઉપાય હું તો શું ઉપરવાળો ખુદ હેઠો ઊતરે તોય નો જડે!

પણ હું આવી નબળી વાતમાં શું કામ આવી જાઉં છું? આજ સુધી મનનું ધાર્યું કર્યું છે અને મનની તીખી ધાર ઉપર ચાલ્યો છું. મન કહે તે સાચું! પછી ભલેને જાતે વેઠવું પડે; વેઠી લીધું છે. બાએ બહુ કહ્યું હતું. છેલ્લે છેલ્લે તો કરગરી પડી હતી. ભાય, તને હાથ જોડીને કહું છું. આપણે પિતરુ નડે છે. આમ તો ગયાજી જઈને શરાધ કરાવવું જોઈએ પણ તું તો એમાં કાંઈ માનવાનો નહિ પણ આપણું ઘરનું બારણું ઓતરાદું છે, ઈ ઉગમણું કરાવી નાખીએ… પણ મેં ઘસીને સાફ ના પાડી દીધી હતી. હું પિતરુબિતરુ કે ઉગમણું-આથમણું કાંઈ ન જાણું. મરી ગયા એ મારે માટે તો મટી ગયા. પણ હા, તમારે એમને યાદ કરીને નિશાળમાં છોકરાંને ચેવડો-પેંડા વહેંચવા હોય તો વહેંચો કે ચબૂતરે જુવાર નાખવીહોય તો પાંચ-દસ કિલો જુવાર મંગાવી દઉં. બાકી મને કોઈ નડતું નથી ને નથી નડતો હું કોઈને!

એમ જયંતીલાલ! તમને કોઈ નડતું નથી એ વાત તો માની લીધી પરંતુ તમે, જયંતીલાલ, તમે કોઈને નડતા નથી એ વાત સાચી માની લઈએ તો…

સાચી, સાચી ને સાડી સત્તર વાર સાચી, તમારે ન માનવી હોય તો ન માનો. બાકી હું તો મને સાચું લાગે તે જ કહેવાનો-કરવાનો. આ વિપુલાને જ પૂછો ને! એણે પહેલવહેલું કમ્પ્યૂટર ખરીદ્યું ને ઑફિસનું ઉદ્ઘાટન કર્યું ત્યારે શું થયું હતું? એ રોતી ઊભી રહી બારણા વચ્ચે ને આ જયંતીલાલ નીકળી ગયા હતા સડસડાટ એકલા! એક બાજુ વિજ્ઞાનની શોધખોળનો ગર્વ કરવાનો ને પાછું કમ્પ્યૂટરને કપાળે શ્રી૧| અને લાભ-શુભ લખીને શ્રીફળ વધેરવું! આ ન ચાલે. અઢારમી સદીમાં જ જીવે છે સાલા! રૅશનલ થિંકિંગ કઈ બલાનું નામ છે? તો કહે કોણ જાણે!

પણ ગાળ દઈ લીધા પછીય જયંતીલાલમાંનો પિતા સળવળ્યો. એમને ફરી થઈ આવ્યુંઃ સાચ્ચે જ વિપુલા એમને અપશુકનિયાળ માનતી હશે? પોતાની સાંભળવામાં કંઈ ભૂલ તો નહિ થઈ હોય ને?

ના, ના. જયંતીલાલ, એમ વગદાં ન કરો. તમે તમારા સગા કાને સાંભળ્યું છે અને સગી આંખે મા-દીકરી બેયને વાત કરતાં જોયાં છે ને તોય… આનું નામ જ વિશફુલ થિંકિંગ! તમારું રૅશનલ થિંકિંગ આટલી વારમાં હવાઈ ગયું?

ના. કાને ખોટું સાંભળ્યું નથી કે આંખે અધૂરું જોયું નથી. વિપુલા એની મમ્મીને પૂછતી હતીઃ ‘મમ્મી, લગ્નમાં પપ્પા હશે ને કંઈક થશે તો?’

સાંભળતાની સાથે જ પગ અટકી ગયા હતા ને મન મરી ગયું હતું. વાત ઉંબરો વળોટીને છેક ઘરમાં પહોંચી ગઈ છે! વહાલસોયી દીકરી પણ બાપને અપશુકનિયાળ માનવા માંડે છે. શું કરવું જોઈએ? અહીંથી જ પાછો ફરી જાઉં? આ ઘર, આ દીકરી ને એનો આવો સવાલ સાંભળી રહેતી એની મા… કોણ કોનું છે? કોઈ બાપથી પોતાની દીકરીનું અહિત થતું હશે? ને જો એમ થાય; તમારો લાભ-શુભવાળો ગણપતિ બાપો એમ થવા દે તો એને પ્રથમપહેલા પૂજો છો શું કામ?

વીસ વીસ દિવસથી જયંતીલાલ તવાય છે. પણ અંતે એ હારી ગયા. નવુંનક્કોર ધોતિયું ખરીદી આવ્યા. પૂરો એકસો પંચાશી. પણ હોય એ તો માલ એવા દામ! ને આપણે તો આ છેલ્લું જ છે ને?

મા-દીકરી જ્વેલર્સને ત્યાં ગયાં છે. આવશે બે-ત્રણ કલાકે. ઘરેણું ને બૈરાં ભેગાં થાય પછી… પણ હવે એ વહેલાં આવે કે મોડાં, જયંતીલાલને શો ફેર પડવાનો? જયંતીલાલે જાતને પૂછીને હસી દીધું. પણ પછી પાછું થયું, લગનવાળા ઘરમાં મરણ… જોકે પોતે ગણતરી કરી લીધી છે. બધાને લૌકિક-ફૌકિક કરવું હોય ને કરે તોય લગ્નની તિથિ જળવાઈ રહેશે. વચ્ચે એટલા દિવસો તો છે જ. અને ઝભ્ભાના ખિસ્સામાં કાગળ તો આ રહ્યો! પોતે જાતે પરવારી ગયા છે અને અંતિમ ઇચ્છા એક જઃ હું તો છૂટી જાઉં છું પણ તમે આના ઉપરથી એટલો બોધપાઠ લેજો કે કોઈને મારવું કે જિવાડવું એ માણસના હાથની વાત નથી. માણસ કોઈને ક્યારેય તમે માની બેઠાં છો એમ ભારે પડતો નથી.

તો પછી હું આ શું કરું છું? હું જયંતીલાલ, કે જેણે ગઢના કાંગરેથી કણી ખરવા નથી દીધી એ માણસ આમ — જયંતીલાલ અચકાઈ ગયા. મરી જવું એટલે તો મટી જવું! એમને પોતાનું ફેવરિટ વાક્ય યાદ આવ્યું! ને વળતી પળે જ એમણે ધોતિયાની ગડી સંકેલવા માંડી. હું જીવીશ. દીકરીનાં લગ્નમાંય હાજર રહીશ. આમ ને આમ નહિ તો સંતાઈને, અરે છૂપા વેશે, આગલી રાતે બહારગામ જવાનું બહાનું કાઢીને બધાંને નચિંત કરી દઈશ. પછી વહેલા નહિ કે મોડાય નહિ, બરાબર સાડા દસ ને પાંચે હૉલ પર પહોંચી જઈશ. બધાંને ખાતરી કરાવી દઈશ કંઈ-કશું થવાનું નથી. એ માટે જ જીવીશ. એમ કોઈની પાંપણ પલકે ને કોઈ મરી જાય એ વાતમાં કંઈ માલ નથી.

પણ પોતે હાજર રહ્યા; ભલેને છૂપા વેશે; ને કંઈક થયું તો? જયંતીલાલ વિપુલાના ચાંદલા વિનાના કપાળની કલ્પના ન કરી શક્યા. (‘ઉદ્દેશ’, નવે.-૧૯૯૫માંથી)