ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/આંસુ અને કમળ

આંસુ અને કમળ

ઉમાશંકર જોશી

શ્રી ગુરુદયાળ મલ્લિકજી સાથેના મેળાપમાં એમના એક અનુભવની વાત સાંભળવા મળી.

પોષી સાતમે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને સપ્તપર્ણ વૃક્ષ નીચે શાંતિનો અનુભવ થયેલો. દર વરસે એની પુણ્યસ્મૃતિમાં શાંતિનિકેતનમાં મેળો ભરાતો. આગલે વરસે છાત્રમંદિરનો એક વિદ્યાર્થી ગુમ થયેલો. એટલે આ વરસે ગુરુદેવ રવીન્દ્રનાથે અધ્યાપકોને રાતે ચોકી કરવા આદેશ દીધો હતો. રાતે દોઢ વાગ્યે શ્રી નંદબાબુની ચોકી પૂરી થઈ. આવીને એમણે શ્રી મલ્લિકજીને જગાડ્યા અને લાકડી સોંપી. ચોકીની પરિક્રમા ચાલે છે. છાતિમતલા (જે સપ્તપર્ણ વૃક્ષ નીચે મહર્ષિને આધ્યાત્મિક આનંદ મળેલો તેની નીચેની બેઠક ફરતી વંડી) બહાર દુકાનદારો ઘડીક જંપીને આરામ લઈ રહ્યા છે. સવારે તો મેળો વીંખાઈ વીખરાઈ જશે. પણ પેલા ઝાડ નીચે ગોદડી કેમ સળવળી? ગાભા જેવી ગોદડી બાજુ પર ફગાવી એક વૃદ્ધ, પડખેનો એકતારો લઈ, ઊભો થઈ ગયો. મસ્ત થઈ નાચવા લાગ્યો અને સાથે આરતભર્યું ગાન શરૂ થયું.

મલ્લિકજી હજી નવાનવા આવેલા. બંગાળી પૂરી સમજાય-ન સમજાય. આમાં તો વળી પૂર્વબંગાળીની છાંટ. નક્કી કોઈક ‘બાઉલ’ લાગે છે, બાઉલ ભક્તકવિઓ મૌન-રસિક છે અને છૂપા જ રહેવું પસંદ કરે છે. એમને છેડો, કાંઈક પૂછો, તો જવાબ ગાનમાં જ આપી બેસે. નહિ તો મૂંગા રહે. આ ડોસો અત્યારે નીરવ શાંતિમાં એકાએક ભગવાનની સાથે શી ગોઠડી માંડી બેઠો હશે?

પ્રભાતબાબુને વહેલા ઊઠવાની ટેવ. પણ પોતે બ્રહ્મોસમાજી. આવા પ્રલાપોમાં ઝાઝો રસ ન હોય. મલ્લિકજીએ વિનંતી કરીઃ શાંતિથી સાંભળી લઈએ. પછી એનો અર્થ આપે મને કહેવાનો છે. ગીતમાં હતું:

‘હે પ્રભુ, ઉત્તર આપ. આ જિંદગી તો હવે પૂરી થવા બેઠી. હું કાંઈ પામ્યો નહિ. જીવનભર મારી આ આંખોએ અસંખ્ય આંસુ સાર્યાં. ક્યાં છે એ આંસુ? એ આંસુનું શું થયું? ઉત્તર આપ, મારા પ્રભુ!’

પ્રભુ કહે છે: ‘પહેલાં એક વાર મારી પાસે આવ અને પછી પ્રશ્ન કર.’

હું જ્યારે પ્રભુ પાસે ગયો, ત્યારે મેં શું જોયું? મારાં અશ્રુ કમળો બનીને પ્રફુલ્લ હસી રહ્યાં હતાં.

પ્રભાતમાં ગળી જતી રાત્રિના એકાન્ત શાન્ત વાતાવરણમાં બાઉલની ભગવાન સાથેની મસ્ત ગુફતેગો સાંભળેલી તે જાણે આજ સવારની વાત હોય એમ વર્ણવી મલ્લિકજીએ ઉમેર્યું: ક્યારેક હું આપણા લોકોને આશાભંગ જોઉં છું, જીવનમાં હારી ખાતા હોય એ વું એમનું વલણ જોઉં છું, એક પ્રકારનું ભગ્નાશપણું – frustration દેખું છું. એવે પ્રસંગે મને પેલા વૃદ્ધ બાઉલની ગીત-ગુફતેગો સાંભરે છે. પરમેશ્વર તરફ પગલાં વળે તો જિંદગીમાં આશાભંગ થવાને અવકાશ જ ક્યાં રહે છે? બલકે વેદનાનું–એકલતાનું–યાતનાનું એકેએક અશ્રુ ત્યાં તો પ્રફુલ્લદલ કમલ થઈને હસી ઊઠતું દેખાય છે. જુલાઈ, ૧૯૫૩