ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/આપણી રાષ્ટ્રીય ઋતુ

આપણી રાષ્ટ્રીય ઋતુ

ઉમાશંકર જોશી

આપણી કઈ ઋતુ આકરી નથી? શિયાળાના થોડાક દહાડા જરૂર વસમા હોય છે અને ચોમાસામાં તો થોડાંક અઠવાિડયાં. પણ અણગમાની લાગણી કોઈ ઋતુ સાથે જોડાયેલી જોવા મળતી હોય તો તે ઉનાળા સાથે. શિયાળો ભોગી, ઉનાળો જોગી, ચોમાસું રોગી. જોગી કોને ગમે?

પણ ત્રણ એવા છે જેમને ઉનાળો ગમતો લાગે છે. જવાસો ઉનાળાની ગરમી પીને કેવો લીલોછમ ખીલી રહ્યો હોય છે! બીજો ઉનાળાનો આશક છે સંત ફ્રાન્સિસનો બંધુ—ગર્દભ. મારા એક મિત્ર કહેતા હતા: ગધેડો ઉનાળામાં કેમ પ્રસન્ન હોય છે, જાણે છે? ચોમાસામાં ચોગમ ભર્યું ભર્યું લીલું ઘાસ જોઈ ક્યારે આ બધું ખાઈ રહીશ એ દુઃખે બિચારો દૂબળો થાય છે, તે જ્યારે ઉનાળામાં ચારેકોર ખાલીખમ ઉજ્જડ ધરતી જુએ છે ત્યારે કેવો બધાનો પાર આવ્યો એમ રાજીરાજી થઈ રહે છે. ત્રીજું કોઈ ઉનાળા પર પ્રસન્ન હોય તો તે મને લાગે છે કે કોઈ કવિનું મન. એક કવિ વિશે તો હું ખાતરીથી કહી શકું. બહાર ખુલ્લામાં હીંચકા ઉપર પોતે ઝૂલતા હતા. મળવા આવેલા ઉદીયમાન કવિએ પૂછ્યું, આવા તાપમાં કેમ અહીં? તો કહે ઓગળું છું. — ઓગળવાની જરૂર પણ એમને હતી. (હું બૃહત્‌કાય બલ્લુકાકાની વાત કરું છું.)

ચોમાસું (મૉન્સૂન) આપણી લાક્ષણિક ઋતુ છે, પણ પશ્ચિમ અને પૂર્વ કિનારે એના સમય જુદા છે. ઉનાળાનો સૌ હિંદીઓનો અનુભવ એ રાષ્ટ્રીય અનુભવ છે એમ કહી શકાય. બલકે કેટલાક ભાગોમાં તો હવામાન બાર મહિનામાંથી ચાર મહિના ઉષ્ણ. બીજા ચારમાં ઉષ્ણતર અને બાકીના ચારમાં ઉષ્ણતમ હોય છે, કેટલાક ભાગ જરૂર સંતોષ લઈ શકે એમ છે કે એમને આપણા ચાલુ બાર માસના ઉનાળાની વચ્ચે બે માસ ઠંડીના અને થોડાંક અઠવાડિયાં હેલી અને ટાઢાં ટબૂકલાંનાં આવી જાય છે.

આવી આપણી રાષ્ટ્રીય ઋતુ માટેનો અણગમો કદાચ વધુ તો આપણે ગોરાઓનું જોઈને કેળવ્યો લાગે છે. ગરમી શક્તિ ચૂસી લે છે એ ગોરાઓને માટે હોય તેટલું આપણે માટે સાચું નયે હોય. બલકે કહે છે કે ગરમીમાં મરુભૂમિના ઊંડા કૂવાઓનું પાણી તાકાત આપનારું હોય છે.

શહેરનાં સિમેન્ટનાં ગરમી-પેટી જેવાં મકાનો અને ડામરની સડકોથી દૂર ખુલ્લી સીમમાં કે જંગલમાં પગ મૂકતાં ઊલટો જ અનુભવ થવાનો સંભવ છે. ઉનાળો ત્યાં અનેક રીતે વ્હાલ કરી રહ્યો હોય છે. મહુડાં-ફૂલથી શરૂ થતી આ ઋતુ પછીથી અરણી અને કરમદીની અને છેક મેેઘના સ્વાગત વખતે કડા (कुटज)નાં કુસુમની ઘેરી મધુર સુગંધથી મઘમઘી રહી હોય છે. વન-સીમમાં ચાલવાની તક જેમણે લીધી છે તેઓ ચૈત્ર-વૈશાખની રાતો કેવી મહેકી રહી હોય છે તે જાણે છે.

ઘ્રાણેન્દ્રિય જ નહિ પંચેન્દ્રિય-સંતર્પક છે આ જોગી ઉનાળો. વસંત આવતાં જ ઊઘડેલો કોયલ-બુલબુલ આદિ પંખીઓનો કંઠ મીઠા સ્વરોથી ઊભરાતો હોય છે. મહુડાં, કેરી, રાયણ, કરમદાં, ટીંબરું, આદિ સ્વાદુ વાનગીઓ પ્રકૃતિ અનેક હાથે અર્પી રહી હોય છે. પાણીનો પૂરો સ્વાદ પણ ઉનાળા વગર શી રીતે માણી શકાત? અને પાણીનો સર્વાંગ સ્પર્શ! प्रसन्नवारिः स्पृहणीयचन्द्रमाः એમ કાલિદાસે ઉનાળાને બિરદાવ્યો છે. પાણીનો, ચંદ્રનાં રશ્મિઓનો, ને પવનલહરીનો સ્પર્શ અને ચમકતી ચાંદની અને વનલક્ષ્મીનું દર્શન! અને છતાં ઉનાળો જોગી છે. અન્ન, વસ્ત્ર અને ઓટલો, ત્રણે અંગે માનવબાળને પણ મુક્તતા અર્પે છે. આ ઋતુમાં વનપક ફળો ઉપર આપણી કેટલીય બધી વસ્તી લગભગ ગુજારો કરે છે. વસ્ત્રની ઓછામાં ઓછી જરૂરિયાત અને છાપરાથી પણ મુક્તિ. આ ઋતુમાં માણસ આકાશનો વિરાટ વારસો સ્વીકારવા તરફ વળે છે.

ઘરઆંગણે બોરસલી નીચે ઊભા રહ્યો છો? કે શિરીષની સમીપમાં? આખું અસ્તિત્વ જાણે મહેક મહેક થઈ જાય છે. પણ જોગી ઉનાળાના ધામા તો છે લીંબડા નીચે. દૂર દૂર હિંદીમહાસાગરને તટે બાલી દ્વીપના દક્ષિણ કિનારે લીંબડો જોવા મળ્યો ત્યારે એની પાસે રોકાઈ આપણી રાષ્ટ્રીય ઋતુના એ સાથી સાથે જરીક હસ્તધૂનન મેં કરી લીધું હતું. મે, ૧૯૫૪